જમ્મુ અને કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓના યુગનો અંત
ત્રાલ ચોક પર પહેલી વાર તિરંગો લહેરાવવામાં આવ્યો
પ્રજાસત્તાક દિવસ જમ્મુ અને કાશ્મીરના ત્રાલના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયો હતો. ત્રાલ ચોક પર પહેલી વાર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આ માત્ર એક પ્રતીકાત્મક ઘટના નહોતી; શાંતિ, એકતા અને પ્રગતિની નવી શરૂઆતનું પ્રતીક બની હતી. વર્ષો સુધી આતંકવાદનું કેન્દ્ર રહેલા ત્રાલે હવે નવા કાશ્મીરના સપનાને સાકાર કરવાની દિશામાં પગલાં ભર્યાં છે.
ત્રાલ ચોક પર આયોજિત આ ઐતિહાસિક કાર્યક્રમમાં ૩૦૦૦થી વધારે સ્થાનિક લોકો સામેલ થયા હતા. ઠંડી હોવા છતાં બાળકો, યુવાનો અને વૃદ્ધોએ સંપૂર્ણ ઉત્સાહથી એમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન ઇન્ડિયન આર્મી અને સ્થાનિક પ્રશાસને કર્યું હતું. સ્થાનિક લોકોનો સહભાગ બતાવે છે કે ત્રાલ હવે શાંતિ અને વિકાસના પથ પર અગ્રેસર છે.
ADVERTISEMENT
તિરંગો લહેરાવવાનું કાર્ય એક નાની બાળકી, એક કૉલેજિયન અને એક વૃદ્ધે સાથે મળીને કર્યું હતું. આ ક્ષણ ત્રાલ માટે અવિસ્મરણીય બની રહી હતી. જે ચોક પર આતંકવાદીઓના નારા ગુંજતા હતા એ જ ચોકમાં હવે શાંતિ અને સમૃદ્ધિની નવી શરૂઆત થઈ હતી. આ આયોજન સ્થાનિક લોકો અને સુરક્ષા દળો વચ્ચેના વધતા વિશ્વાસ અને આપસી સહયોગને પણ દર્શાવે છે. કાર્યક્રમ દરમ્યાન સાંસ્કૃતિક પ્રસ્તુતિ, દેશભક્તિનાં ગીત અને પ્રેરણાદાયક ભાષણો થયાં. એમાં લોકોને એકતા અને પ્રગતિના મહત્ત્વની જાણકારી આપવામાં આવી હતી. દરેક પ્રસ્તુતિ બાદ એ વાત પર જોર આપવામાં આવ્યું કે ત્રાલ હવે નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે.

