તપાસની માગણી માટે સુપ્રીમ કોર્ટે અરજદારને હાઈ કોર્ટમાં જવાનું કહ્યું
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
હાથરસની નાસભાગ હોનારતમાં નિષ્ણાતોની તપાસ સમિતિ નીમવાની માગણી કરતી એક પિટિશન બાબતે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે આ વ્યથિત કરનારી ઘટના છે અને તપાસ સમિતિની નિમણૂક માટે અરજદારે હાઈ કોર્ટમાં જવું જોઈએ.
અરજદાર વકીલ વિશાલ તિવારીએ જનહિતની અરજીમાં માગણી કરી હતી કે આ દુર્ઘટનામાં તપાસ કરવા માટે નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળની નિષ્ણાતોની એક સમિતિની નિમણૂક કરવામાં આવે. આ સંબંધમાં ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે આ દેખીતી રીતે દુખદ અને વ્યથિત કરનારી ઘટના છે, પણ અરજદારે નિષ્ણાતોની સમિતિની રચના માટે હાઈ કોર્ટમાં જવું જોઈએ, કારણ કે એ પણ મજબૂત અદાલતો છે અને આવા કેસોનો સામનો કરવામાં સક્ષમ છે, અરજદારે કલમ ૩૨ હેઠળ સીધા સુપ્રીમ કોર્ટમાં આવવાની જરૂર નથી.
ADVERTISEMENT
અરજદારે એની પિટિશનમાં માગણી કરી હતી કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પક્ષકાર બનાવવામાં આવે અને આખા દેશ માટે વ્યાપક ગાઇડલાઇન્સ ઘડી કાઢવામાં આવે. જોકે બેન્ચના સભ્યો મનોજ મિશ્રા અને જે. બી. પારડીવાલાએ કહ્યું હતું કે આ પિટિશન મોટા ભાગે હાથરસની દુર્ઘટના માટે છે અને એ ઉત્તર પ્રદેશના અલાહાબાદ હાઈ કોર્ટના અધિકારક્ષેત્રમાં આવે છે, અરજદારે એ કોર્ટનો સંપર્ક કરવો જોઈએ.