Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૮૦,૦૦૦ની પર​મિશન સામે અઢી લાખ લોકો ભેગા થયા

૮૦,૦૦૦ની પર​મિશન સામે અઢી લાખ લોકો ભેગા થયા

Published : 04 July, 2024 07:16 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યોગી આદિત્યનાથે કહ્યું કે એક પણ આરોપીને છોડવામાં નહીં આવે, પણ FIRમાં બાબાનું નામ જ નથી : જેની સામે ગુનો નોંધાયો છે તે ફરાર

જ્યાં નાસભાગ થઈ હતી એ સત્સંગનું સ્થળ, ગઈ કાલે ત્યાં ઘણા લોકો એકઠા થયા હતા. અને બીજી તસવીરમાં નાસભાગમાં ઘવાયેલી મહિલાના ગઈ કાલે હાથરસમાં ખબરઅંતર પૂછતા યોગી આદિત્યનાથ.

જ્યાં નાસભાગ થઈ હતી એ સત્સંગનું સ્થળ, ગઈ કાલે ત્યાં ઘણા લોકો એકઠા થયા હતા. અને બીજી તસવીરમાં નાસભાગમાં ઘવાયેલી મહિલાના ગઈ કાલે હાથરસમાં ખબરઅંતર પૂછતા યોગી આદિત્યનાથ.


ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગઈ કાલે ભોલે બાબાના સત્સંગસ્થળની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે ‘આ દુર્ઘટના બાદ બાબાના અનુયાયીઓએ આ ઘટના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે આવું નહીં થાય, દરેક કાર્યક્રમ માટે હવે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર ઘડી કાઢવામાં આવશે. એક પણ આરોપીને છોડવામાં નહીં આવે. અમે જાણીએ છીએ કે નાસભાગ કોઈ અકસ્માત નથી, તો શું એ કોઈના દ્વારા ષડ‍્યંત્ર હતું એની તપાસ ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા કરવામાં આવશે.’  


હાથરસ જિલ્લાના મુગલગઢીના રતીભાનપુરમાં ભોલે બાબાના સત્સંગના સમાપન સમારોહમાં મચેલી નાસભાગમાં ૧૨૧ લોકોનાં મૃત્યુ થયાં હતાં. તપાસ સંબંધે બોલતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘હાઈ કોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતા હેઠળ એક ઉચ્ચ સ્તરીય કમિટી આ દુર્ઘટનાની તપાસ કરશે. એમાં કોણે પરમિશન આપી, લોકોની ભીડને કાબૂ કરતી વખતે શું ભૂલો થઈ અને સલામતીની શું વ્યવસ્થા હતી એની તપાસ કરાશે.’



દુર્ઘટના થવાનું કારણ


યોગી આદિત્યનાથે એ વાતને પુષ્ટિ આપી હતી કે સત્સંગ પૂરો થયા બાદ અનુયાયીઓ ભોલે બાબાના પગને સ્પર્શ કરવા અને ચરણધૂલિ લેવા માટે દોડ્યા હતા અને એના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. તેમણે કહ્યું કે ‘મેં કેટલાક વિટનેસ સાથે વાતચીત કરી છે. તેમના કહેવા મુજબ સત્સંગ વખતે કેટલીક મહિલાઓ ભોલે બાબાનો ચરણસ્પર્શ કરવા માગતી હતી. પાછળથી લોકોએ ધક્કામુક્કી કરી અને બાબાના પ્રાઇવેટ સિક્યૉરિટી ગાર્ડોએ તેમને ધક્કો માર્યો, આના કારણે નાસભાગ મચી હતી. બાબાના લોકોએ આ ઘટના પર ઢાંકપિછોડો કરવાની કોશિશ કરી હતી. જ્યારે લોકોને હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે બાબાની સિક્યૉરિટી ટીમના માણસો નાસી ગયા હતા.’

આયોજક સામે ગુનો નોંધાયો


ઉત્તર પ્રદેશ પોલીસે ભોલે બાબાના નિકટના સાથી અને સત્સંગસભાના આયોજક દેવ પ્રકાશ મધુકર અને અજાણ્યા માણસો સામે ગુનો નોંધ્યો છે, પણ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં ભોલે બાબાનું નામ નથી. આ કેસમાં હજી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. FIRમાં જણાવવામાં આવ્યું છે કે બાબાના સેવાદારો પાસે લાકડીઓ હતી અને તેઓ લોકોને બાબા સુધી પહોંચતાં રોકતા હતા. આથી પણ ઘણા લોકો એકબીજા પર પડી ગયા હતા અને ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હતા. ૮૦,૦૦૦ લોકો સત્સંગમાં આવશે એવી પરમિશન લેવામાં આવી હતી, પણ ૨.૫૦ લાખ લોકો આ સત્સંગમાં આવ્યા હતા. આટલા મોટા આયોજનનો બંદોબસ્ત કરવા માટે માત્ર ૪૦ પોલીસ હતા અને ધક્કામુક્કી થયા બાદ તેમનાથી કન્ટ્રોલ થવો મુશ્કેલ હતો.

પોલીસવડાએ શું કહ્યું?

ભોલે બાબાની ધરપકડ થશે કે નહીં એ મુદ્દે રાજ્યના પોલીસવડા પ્રશાંત કુમારે કોઈ નિવેદન આપ્યું નથી, પણ જણાવ્યું છે કે હકીકત અને પુરાવાના આધારે પગલાં લેવામાં આવશે.

હાથરસમાં સત્સંગ સભાના સમાપન બાદ થયેલી નાસભાગમાં ૧૨૧ લોકોનાં મૃત્યુ થયાના બીજા દિવસે ભોલે બાબાએ આ માટે અસામાજિક તત્ત્વોને જવાબદાર ઠરાવ્યાં છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી છે.

ગઈ કાલે મોડી સાંજે જાહેર કરવામાં આવેલા ભોલે બાબાના નિવેદનમાં એમ લખવામાં આવ્યું છે કે ‘આ નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલો જલદી સ્વસ્થ થાય એ માટે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. બીજી જુલાઈએ આયોજિત સત્સંગ સભાના સમાપન બાદ નાસભાગ મચાવનારાં અસામાજિક તત્ત્વોના વિરોધમાં કાનૂની કાર્યવાહી કરવા માટે અમે સુપ્રીમ કોર્ટના સિનિયર ઍડ્વોકેટ ડૉ. એ. પી. સિંહને નિયુક્ત કર્યા છે.’ 

નાસભાગની ઘટનામાં જીવ ગુમાવનાર સ્વજનના ગઈ કાલે કાસગંજમાં અંતિમ સંસ્કાર કરતા પરિવારજનો.

ભોલે બાબા સામે થયા છે જાતીય સતામણીના કેસ

ભોલે બાબા સામે ભૂતકાળમાં મહિલાઓ સાથે જાતીય સતામણીના કેસ પણ નોંધાયા છે. તેની સામે આગરા, ઇટવાહ, કાસગંજ, ફરુખાબાદ અને રાજસ્થાનમાં ઘણા કેસ નોંધાયા છે છતાં તેના અનુયાયીઓની સંખ્યામાં ઘટાડો થયો નથી.

કોવિડમાં પચાસની પરવાનગી સામે ૫૦,૦૦૦ અનુયાયી

ભોલે બાબાએ કોવિડ-19 સમયે ૨૦૨૨માં ઉત્તર પ્રદેશના ફરુખાબાદમાં સત્સંગનું આયોજન કર્યું હતું. એ સત્સંગ માટે માત્ર ૫૦ લોકો હાજર રહેશે એમ કહીને જિલ્લા પ્રશાસન પાસેથી પરવાનગી લેવામાં આવી હતી, પણ આ સત્સંગમાં ૫૦,૦૦૦ અનુયાયી એકઠા થયા હતા. આના કારણે ભારે ટ્રાફિક-જૅમ પણ થયો હતો.

સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટનો અહેવાલ

હાથરસ દુર્ઘટના સંબંધે સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ (SDM) રવીન્દ્ર કુમાર સિકન્દ્રા રાવના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભોલે બાબાની ચરણધૂલિ લેવા અને ચરણસ્પર્શ કરવા કેટલીક મહિલાઓ આગળ આવી હતી, પણ બાબાની પ્રાઇવેટ સિક્યૉરિટી ટીમ નારાયણી સેવાના ગાર્ડોએ તેમને રોકી દીધી હતી એટલે ભીડ વધી ગઈ હતી અને ધક્કામુક્કી સર્જાઈ હતી. સત્સંગ ખુલ્લા મેદાનમાં યોજાયો હતો અને અનુયાયીઓએ સત્સંગ-પંડાલની સામે ખુલ્લા મેદાન તરફ ભાગવાના પ્રયાસો શરૂ કર્યા, પરંતુ એ રસ્તો ઢોળાવવાળો અને લપસણો હોવાથી અનુયાયીઓ એમાં પડવા લાગ્યા અને ઊભા ન થઈ શક્યા.

ભોલે બાબાએ કહ્યું, અસામાજિક તત્ત્વોનેે કારણે નાસભાગ

હાથરસમાં સત્સંગ સભાના સમાપન બાદ થયેલી નાસભાગમાં ૧૨૧ લોકોનાં મૃત્યુ થયાના બીજા દિવસે ભોલે બાબાએ આ માટે અસામાજિક તત્ત્વોને જવાબદાર ઠરાવ્યાં છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી છે. ગઈ કાલે મોડી સાંજે જાહેર કરવામાં આવેલા ભોલે બાબાના નિવેદનમાં એમ લખવામાં આવ્યું છે કે ‘આ નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલો જલદી સ્વસ્થ થાય એ માટે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. બીજી જુલાઈએ આયોજિત સત્સંગ સભાના સમાપન બાદ નાસભાગ મચાવનારાં અસામાજિક તત્ત્વોના વિરોધમાં કાનૂની કાર્યવાહી કરવા માટે અમે સુપ્રીમ કોર્ટના સિનિયર ઍડ્વોકેટ ડૉ. એ. પી. સિંહને નિયુક્ત કર્યા છે.’ 

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2024 07:16 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK