આ હિંસામાં અત્યાર સુધીમાં બે હોમગાર્ડ સહિત 6 લોકોના મોત થયા છે. આ હિંસાના કાવતરા માટે પોલીસ દ્વારા કુલ 116 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
હરિયાણાની નૂંહમાં ફાટી નીકળેલી હિંસા સામે વિરોધ પ્રદર્શન (ફાઈલ તસવીર)
નૂંહ હિંસા બાદ ગુરુગ્રામ અને ફરીદાબાદ સહિત સમગ્ર હરિયાણામાં એકદમ તંગ વાતાવરણ ઊભું થયું છે. આ હિંસામાં અત્યાર સુધીમાં બે હોમગાર્ડ સહિત 6 લોકોના મોત થયા છે. આ હિંસાના કાવતરા માટે પોલીસ દ્વારા કુલ 116 લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રીય સુરક્ષા દળોની 20 કંપનીઓ અને હરિયાણા પોલીસની ટીમ શાંતિ સ્થાપવા માટે સમગ્ર વિસ્તારમાં સતત ફ્લેગ માર્ચ કરી રહી છે.
આ પરિસ્થિતિને જોતા અન્ય જિલ્લાઓમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. નૂંહમાં હિંસક હુમલા બાદ હિન્દુ સંગઠનોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ આજે બુધવારે સાંજે 4 વાગ્યે માનેસરમાં મોટી મહાપંચાયત બોલાવવામાં આવી છે. જેમાં માનેસરના તમામ ગામોના લોકો અને હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકો ભાગ લેવાના છે. હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે મંગળવારે જણાવ્યું હતું કે, "આ મોટા ષડયંત્રમાં જે કોઈપણ સામેલ હશે તેમાંથી કોઈને પણ માફી બક્ષવામાં આવશે નહીં.”
ADVERTISEMENT
હકીકતમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા કાઢવામાં આવેલી યાત્રાને રોકવાના પ્રયાસમાં હિંસા ફાટી નીકળી હતી. ભીડને કારણે થયેલી હિંસામાં સોમવારે નુહમાં 4 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. નૂંહમાં ફાટી નીકળેલી આ હિંસા ગુરુગ્રામ (Gurugram)માં પણ ફેલાઈ હતી અને સેક્ટર-57માં એક મસ્જિદ પર ટોળાના હુમલામાં 27 વર્ષીય ઈમામનું મોત થયું હતું. આ સાથે રાજ્યમાં આ હિંસામાં મૃત્યુઆંક વધીને પાંચ થઈ ગયો છે.
હરિયાણા પોલીસે નૂંહમાં થયેલી હિંસામાં જીવ ગુમાવનારા બે હોમગાર્ડ નીરજ અને ગુરસેવકના પરિવારોને 57-57 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. વિશ્વ હિંદુ પરિષદે દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ બજરંગ દળના કાર્યકરના મૃત્યુની માહિતી આપી હતી. આ સમાચાર બાદ બુધવારે હરિયાણામાં થયેલી આ હિંસામાં મૃત્યુઆંક વધીને છ થઈ ગયો છે.
ગુરુગ્રામના એસીપી વરુણ દહિયાએ જણાવ્યું હતું કે, “ગુરુગ્રામ જિલ્લામાં તમામ શાળાઓ, કોલેજો અને કાર્યસ્થળો સામાન્ય રીતે કાર્યરત છે. ટ્રાફિકની અવરજવર પર કોઈ પ્રકારનો પ્રતિબંધ રાખવામાં આવ્યો નથી. ઈન્ટરનેટ પણ ચાલુ છે. હું બધાને અપીલ કરું છું કે સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર ફેલાવવામાં આવતી અફવાઓ પર ધ્યાન ન આપો. જો કોઈને કોઈપણ માહિતીની જાણ કરવી હોય, તો તેઓ હેલ્પલાઈન નંબર `112` પર સંપર્ક કરી શકે છે.”
નૂંહમાં હિંસક હુમલા બાદ હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને આજે સાંજે 4 વાગ્યે માનેસરમાં મોટી મહાપંચાયત બોલાવવામાં આવી છે. જેમાં માનેસરના તમામ ગામોના લોકો અને હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકો ભાગ લેવાના છે. જોકે, મંગળવારે માનેસરમાં એક પંચાયત યોજાઈ હતી અને તે પછી નજીકમાં રહેતા એક વિશેષ સમુદાયના લોકોને હિન્દુ સંગઠનો દ્વારા ચેતવણી આપવામાં આવી હતી.