હરિયાણાના નૂહમાં અથડામણના એક દિવસ પહેલાં મોનુ માનેસરે સોશ્યલ મીડિયા પર એક વિડિયો જાહેર કર્યો હતો
હરિયાણાના નૂહમાં થયેલ અથડામણની ફાઇલ તસવીર
હરિયાણાના ભિવાનીમાં ગઈ ફેબ્રુઆરીમાં બે કથિત ગૌ-તસ્કરોની હત્યા સાથે સંકળાયેલા મોનુ માનેસર હરિયાણાના નૂહમાં થયેલી સાંપ્રદાયિક હિંસા બાદ ફરી ચર્ચામાં છે. આ મોનુ માનેસર કોણ છે અને ગુરુગ્રામમાં ફેલાયેલી હિંસા સાથે તેનું શું કનેક્શન છે?
હરિયાણાના નૂહમાં અથડામણના એક દિવસ પહેલાં મોનુ માનેસરે સોશ્યલ મીડિયા પર એક વિડિયો જાહેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તે શોભાયાત્રામાં ભાગ લેશે અને લોકોને મોટી સંખ્યામાં એમાં જોડાવાનું આહ્વાન કર્યું હતું. જોકે તેને માનેસરમાં પોલીસે અટકાવ્યો હતો અને ધાર્મિક શોભાયાત્રામાં જોડાયો નહોતો.
ADVERTISEMENT
નૂહ, ગુરુગ્રામ અને સોહના જિલ્લામાં સ્થિતિ તણાવપૂર્ણ રહી, જ્યાં લોકોની મોટા પાયે અવરજવર પર પ્રતિબંધના આદેશો જારી કરવામાં આવ્યા છે.
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર ચાલી રહેલી ચર્ચા સૂચવે છે કે મોનુ માનેસરની સંભવિત સંડોવણી એ ધાર્મિક શોભાયાત્રા પર હુમલાનું એક કારણ હતું.
ગૌરક્ષક દળનો વડો
મોનુ માનેસર ઉર્ફે મોહિત યાદવ બજરંગ દળનો સભ્ય અને ગૌરક્ષક છે. તે ગુરુગ્રામ નજીક માનેસરનો રહેવાસી છે. તે હરિયાણામાં બજરંગ દળના ગૌ-સંરક્ષણ ટાસ્ક ફોર્સના યુનિટ ગૌરક્ષક દળના વડા તરીકે કામ કરવા માટે જાણીતો છે.
મોનુ માનેસરની ખ્યાતિ ગૌ-તસ્કરો સામેની તેની એક્શનની સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. તેની મોડસ ઑપરેન્ડીમાં નાઇટ શિફ્ટના કર્મચારીઓ પાસેથી શંકાસ્પદ ગાડીઓ વિશે ટિપ્સ મેળવવાનો સમાવેશ થાય છે, એ પછી તે પોલીસને જાણ કરે છે.
જો પોલીસ જવાબો આપવામાં અસમર્થ હોય તો મોનુ માનેસર અને તેના સાથીકાર્યકરો મામલો પોતાના હાથમાં લે છે અને શંકાસ્પદોને પકડીને પોલીસને સોંપે છે.
જોકે મોનુ માનેસરના આવા પગલાથી વિવાદ અને ટીકા થઈ છે. તે લઘુમતી સમુદાયના બે લોકોની હત્યામાં સામેલ હોવાનો લોકો આરોપ મૂકી રહ્યા છે.
રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ઘાટમીકા ગામના રહેવાસી નાસિર અને જુનૈદનું ૧૫મી ફેબ્રુઆરીના રોજ કથિત રીતે ગૌરક્ષકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે તેમના મૃતદેહ હરિયાણાના ભિવાનીના લોહારુ ખાતે બળેલી કારમાંથી મળી આવ્યા હતા. રાજસ્થાન પોલીસે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરીને મોનુ માનેસરનું નામ આરોપી તરીકે નોંધ્યું હતું. જોકે મોનુ માનેસરે અપહરણ અને હત્યાના આરોપોને નકારી કાઢ્યા છે અને હાલ આ કેસમાં તે વૉન્ટેડ છે.
સોશ્યલ મીડિયા પર સક્રિય
મોનુ માનેસર સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર સક્રિય છે. યુટ્યુબ પર બે મિલ્યનથી વધુ સબસ્ક્રાઇબર્સ અને ફેસબુક પર ૮૩,૦૦૦ ફૉલોઅર્સ સાથે તે નોંધપાત્ર રીતે ઑનલાઇન જોડાયેલો રહે છે.