ભારતીય કિસાન યુનિયન દ્વારા બોલાવવામાં આવેલી ‘એમએસપી દિલાઓ, કિસન બચાવો મહાપંચાયત’ નૅશનલ હાઇવે ૪૪ની નજીક પિપલીની અનાજ માર્કેટમાં મળી હતી.
કુરુક્ષેત્રમાં ગઈ કાલે મહાપંચાયત યોજવા માટે રોડ પર એકત્ર ખેડૂતો. તસવીર એ.એન.આઇ.
કુરુક્ષેત્ર જિલ્લામાં ગઈ કાલે મહાપંચાયતનું આયોજન કર્યા બાદ ખેડૂતોએ દિલ્હી-ચંડીગઢ હાઇવે બ્લૉક કરી દીધો હતો. તેઓ સનફ્લાવરના બીજ માટે મિનિમમ સપોર્ટ-પ્રાઇસ માટે લડત લડી રહ્યા છે. ભારતીય કિસાન યુનિયન દ્વારા બોલાવવામાં આવેલી ‘એમએસપી દિલાઓ, કિસન બચાવો મહાપંચાયત’ નૅશનલ હાઇવે ૪૪ની નજીક પિપલીની અનાજ માર્કેટમાં મળી હતી. મહાપંચાયત બાદ ખેડૂતો હાઇવેને બ્લૉક કરવા માટે ત્યાં જમા થઈ ગયા હતા. પોલીસ અન્ય રૂટ્સ પરથી ટ્રાફિકને ડાઇવર્ટ કરી રહી હતી.
મહાપંચાયતમાં ખેડૂતનેતા કરમ સિંહ મથાનાએ કહ્યું હતું કે ‘લોકલ ઍડ્મિનિસ્ટ્રેશને અમારી માગણીઓ વિશે ચર્ચા કરવા માટે મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરની સાથે મીટિંગનું વચન આપ્યું હતું. જોકે હવે તેઓ કહે છે કે મુખ્ય પ્રધાન કરનાલ છોડીને જતા રહ્યા છે. જેને લીધે લોકલ કમિટીએ અમારી માગણીઓ જ્યાં સુધી ન સંતોષાય ત્યાં સુધી નૅશનલ હાઇવે ૪૪ને બ્લૉક કરવાનો નિર્ણય કર્યો હતો.’