રિટર્નિંગ ઑફિસર તરીકે ફરજ પર હતા : ફૅમિલીએ શંકા વ્યક્ત કરી કે આત્મહત્યા નથી, બીજું કારણ હોઈ શકે
મરનાર આર. કે. પટેલની ફાઇલ-તસવીર.
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની કામગીરી ચાલી રહી છે એવા સમયે સાણંદના પ્રાંત અધિકારી અને રિટર્નિંગ ઑફિસર તરીકે કાર્યરત આર. કે. પટેલે ગઈ કાલે સવારે અગમ્ય કારણસર તેમના ફ્લૅટ પરથી નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આ કેસમાં અકસ્માતે મોત દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ અંબાજી મંદિરના વહીવટદાર તરીકે કામ કરનારા આર. કે. પટેલને દોઢેક મહિના પહેલાં સાણંદ પ્રાંત અધિકારી તરીકે મૂકવામાં આવ્યા હતા. ગઈ કાલે સવારે સાડાનવ વાગ્યે તેમના ફ્લૅટ પરથી પડતું મૂકીને તેમણે આપઘાત કર્યો હતો. ચર્ચાઈ રહ્યું છે કે તેઓ ગઈ રાતે અઢી વાગ્યા સુધી ચૂંટણીકાર્યમાં વ્યસ્ત હતા. ફ્લૅટના રહેવાસીઓએ આ ઘટના વિશે ૧૦૮ ઍમ્બ્યુલન્સને બોલાવતાં તેમણે ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT
આ ઘટનાની જાણ પોલીસને કરાતાં સાણંદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને એફએસએલની ટીમને બોલાવી તપાસ હાથ ધરી હતી તેમ જ તેમના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલ્યો હતો. તેઓ ડિપ્રેશનમાં હતા કે નહીં એ વિશે પણ પોલીસ તપાસ કરી રહી છે.
મરનાર આર. કે. પટેલના પરિવારજનો સાણંદ આવ્યા હતા અને મીડિયાને કહ્યું હતું કે ‘સાત વાગ્યે તો તેમનો અમારા પર ફોન આવ્યો હતો અને વાત થઈ હતી. એટલે આ આત્મહત્યા નથી, બીજું જ કોઈ કારણ હોઈ શકે છે.’ આર. કે. પટેલના ફ્રેન્ડ કનુ પટેલે મીડિયા સમક્ષ એવી આશંકા વ્યક્ત કરી હતી કે ‘કોઈકે તેમને ધક્કો મારીને પાડી નાખ્યા હશે.’