સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારે કહ્યું કે ગોધરામાં ટ્રેનના ડબ્બાને બહારથી બંધ કરીને મહિલા અને બાળકો સહિત ૫૯ જણને જીવતાં સળગાવી દેવાયાં હતાં
સુપ્રીમ કોર્ટ ફાઇલ તસવીર
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : ગોધરામાં ટ્રેન સળગાવવાના ૨૦૦૨ના કેસમાં ફાંસીની સજા પામેલા ૧૧ આરોપીઓની ફાંસીની સજાને ગુજરાત હાઈ કોર્ટ દ્વારા આજીવન કારાવાસમાં ફેરવવામાં આવી હતી, તેમને ફાંસીની સજા અપાવવા માટે એ દબાણ કરશે, એમ ગુજરાત સરકારે ગઈ કાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું.
ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચૂડ અને જસ્ટિસ પી. એસ. નરસિંહા અને જે. બી. પારડીવાલાની બનેલી બેન્ચે આ કેસમાં ઘણા આરોપીઓની જામીન અરજીની સુનાવણી ત્રણ અઠવાડિયાં પછી ઠરાવી હતી. તેઓએ બન્ને પક્ષના વકીલોને કેટલી સજા ફટકારવામાં આવી હતી તથા અત્યાર સુધીમાં જેલમાં કેટલો સમય વિતાવ્યો એની વિગતો આપતો ચાર્ટ તૈયાર કરી ફાઇલ કરવા જણાવ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચો: Gujarat Riots 2002: PMને મળી ક્લિન ચીટ, SCએ ફગાવી જાકિયા ઝાફરીની અરજી
પોતાનો પક્ષ મૂકતાં ગુજરાત સરકારે કહ્યું હતું કે આ એક અતિદુર્લભ કિસ્સો છે, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ૫૯ લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા, એમ જણાવતાં ગુજરાત સરકાર વતીથી કેસ લડી રહેલા સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે એ વાતની બધાને જાણ છે કે ડબ્બાને બહારથી બંધ કરવામાં આવ્યો હતો, જેમાં બાળકો અને મહિલાઓ સહિત ૫૯ જણ જીવતા જ ભુંજાઈ ગયા હતા.
આ કેસમાં ૧૧ આરોપીઓને ફાંસીની જ્યારે કે અન્ય ૨૦ આરોપીઓને આજીવન કારાવાસની સજા કરવામાં આવી હતી. ગુજરાત હાઈ કોર્ટે તમામ ૩૧ દોષીઓને સમર્થન આપ્યું હતું તથા ફાંસીની સજા પામેલા ૧૧ આરોપીઓની સજા આજીવન કારાવાસમાં ફેરવી દીધી હતી.