મુંબઈ-અમદાવાદ ટ્રંક રૂટ પર આ અકસ્માત (Gujarat Goods Train Derail) ત્યારે થયો જ્યારે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અહીં પશ્ચિમ રેલવેના મુખ્યાલયમાં રેલવે સુરક્ષા અને અન્ય મુદ્દાઓની સમીક્ષા કરી રહ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
શુક્રવારે ગુજરાતના વલસાડ અને સુરત સ્ટેશનો વચ્ચે માલગાડીનો એક ડબ્બો પાટા પરથી ઊતરી (Gujarat Goods Train Derail) ગયો હતો. હાલ આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. પશ્ચિમ રેલવેના એક અધિકારીએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, ડુંગરી સ્ટેશન નજીક બપોરે 3 વાગ્યે બનેલી આ ઘટનાને કારણે માર્ગ પરનો ટ્રાફિક પ્રભાવિત થયો હતો.
અકસ્માત બાદ કોચને પાટા પરથી હટાવી દેવામાં આવ્યો
ADVERTISEMENT
માલગાડી સુરત તરફ જઈ રહી હતી. મુંબઈ-અમદાવાદ ટ્રંક રૂટ પર આ અકસ્માત (Gujarat Goods Train Derail) ત્યારે થયો જ્યારે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ અહીં પશ્ચિમ રેલવેના મુખ્યાલયમાં રેલવે સુરક્ષા અને અન્ય મુદ્દાઓની સમીક્ષા કરી રહ્યા હતા. ઘટના બાદ રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પાટા પરથી ઉતરેલા કોચને પાટા પરથી હટાવ્યો હતો. આ પછી, આ રૂટ પર ટ્રેનોનું સંચાલન શરૂ થઈ ગયું હતું. આ સાથે ઘટના કયા કારણોસર બની તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં મોટો રેલ અકસ્માત (Gujarat Goods Train Derail) સર્જાયો હતો, જેમાં ચાર લોકોનાં મોત નિપજ્યાં હતાં. ચંદીગઢથી ડિબ્રુગઢ જતી 15904 એક્સપ્રેસ ટ્રેનના કેટલાય ડબ્બા પાટા પરથી પલટી ગયા છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. અનેક મુસાફરો ઘાયલ થયા છે. માહિતી મુજબ ટ્રેનના 10-12 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા છે.
માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. જિલ્લાની તમામ એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. સીએમ યોગીએ અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી રાહત કાર્યમાં ઝડપ લાવવાનો આદેશ આપ્યો છે. રેલવે અને જિલ્લા પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઘાયલોને રેલવે હૉસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. હાલ અકસ્માતનું કારણ જાણી શકાયું નથી.
ગોંડા સ્ટેશનથી આગળ મોતીગંજ વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. ઘટના સ્થળ માનકાપુરથી થોડે પહેલાનું હોવાનું કહેવાય છે. ટ્રેનનું આગલું સ્ટેશન ગોરખપુર હતું. આવી સ્થિતિમાં, ગોરખપુર સ્ટેશન પર પોતાના પ્રિયજનોને લેવા આવેલા લોકોમાં ગભરાટ છે. મળતી માહિતી મુજબ આ ઘટના બપોરે પોણા ત્રણ વાગ્યાની આસપાસ બની હતી. ગોંડાથી નીકળ્યાના દસ મિનિટ પછી જ ટ્રેન અકસ્માતનો ભોગ બની હતી. ટ્રેનના 10થી 12 કોચમાંથી એસી કોચ ખરાબ હાલતમાં છે. ઘટનાસ્થળ પર ઉત્તર પૂર્વ રેલવેના ડીઆરએમ આદિત્ય કુમાર તેમના અધિકારીઓ સાથે ઘટના સ્થળ માટે રવાના થઈ ગયા છે. ઘણી ટ્રેનોને અધવચ્ચે અટકાવી દેવામાં આવી છે.
આ ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્યને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. સીએમ યોગીએ ઘાયલોની યોગ્ય સારવાર માટે સૂચના આપી છે.