હેલ્થ અને લાઇફ ઇન્શ્યૉરન્સના પ્રીમિયમ પર GST ઘટાડવાનો નિર્ણય વધુ સ્પષ્ટતાની જરૂર હોવાનું કહીને મોકૂફ રાખવામાં આવ્યો : રિયલ એસ્ટેટમાં FSIના પ્રીમિયમ પર ૧૮ ટકા GST નાખવાનો મુદ્દો મીટિંગમાં ચર્ચાયો જ નહીં
ગઈ કાલે જેસલમેરમાં આયોજિત GST કાઉન્સિલની મીટિંગમાં ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ અને તેમના ડેપ્યુટી મિનિસ્ટર પંકજ ચૌધરી
ગઈ કાલે જેસલમેરમાં યોજાયેલી ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) કાઉન્સિલની પંચાવનમી બેઠકમાં બિલ્ડિંગ બનાવવા માટે વાપરવામાં આવતી ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI)ના પ્રીમિયમ પર ૧૮ ટકા GST વસૂલ કરવાની જે પ્રપોઝલ હતી એના પર ચર્ચા કરવામાં નહોતી આવી. આ સિવાય ગ્રુપ ઑફ મિનિસ્ટર્સ (GoM)એ ૧૪૮ આઇટમોના GSTના દરને તર્કસંગત બનાવવા એમાં ફેરફાર સૂચવ્યા હતા, પણ એ આઇટમો મીટિંગ દરમ્યાન ચર્ચા માટે નહોતી આવી.
જોકે જેની આખો દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો એ હેલ્થ અને લાઇફ ઇન્શ્યૉરન્સના પ્રીમિયમ પર લેવામાં આવતા GSTના દરને ઓછો કરવાનો નિર્ણય ગઈ કાલની મીટિંગમાં લેવામાં નહોતો આવ્યો. એના માટે વધુ સ્પષ્ટીકરણની જરૂર હોવાથી આગામી મીટિંગમાં ફરી એક વાર એના પર ચર્ચા કરવામાં આવશે એવું GoMના હેડ અને બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ કહ્યુ હતું.
ADVERTISEMENT
કઈ આઇટમ પર GST નાખવામાં આવ્યો?
પહેલેથી પૅક ન કરવામાં આવેલા સૉલ્ટવાળા પૉપકૉર્ન પર પાંચ ટકા GST
પહેલેથી પૅક કરવામાં આવેલા લેબલવાળા પૉપકૉર્ન પર ૧૨ ટકા GST
કૅરૅમલ પૉપકૉર્ન પર ૧૮ ટકા GST
ફોર્ટિફાઇડ રાઇસ કર્નેલ (FRK) પર પાંચ ટકા GST
જૂની કાર વેચવા પર ૧૮ ટકા GST (ઇલેક્ટ્રિક વેહિકલ પણ)
નાની પેટ્રોલ અને ડીઝલની કાર પર ૧૨ ટકાનો GST વધારીને ૧૮ ટકા કરવામાં આવ્યો