જીએસટી કાઉન્સિલે લિક્વિડ ગોળ પરનો ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ ઘટાડ્યો છે, પેન્સિલ શાર્પનર્સ અને ચોક્કસ ટ્રૅકિંગ ડિવાઇસ પરનો ટૅક્સ પણ ઘટાડવામાં આવ્યો છે
નવી દિલ્હીમાં ગઈ કાલે જીએસટી કાઉન્સિલની ૪૯મી મીટિંગ દરમ્યાન કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ
જીએસટી કાઉન્સિલે ગઈ કાલે લિક્વિડ ગોળ, પેન્સિલ શાર્પનર્સ અને ચોક્કસ ટ્રૅકિંગ ડિવાઇસ પરનો ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સને ઘટાડ્યો છે.
જીએસટી કાઉન્સિલની ૪૯મી મીટિંગ બાદ મીડિયાને જાણકારી પૂરી પાડતાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ‘પાનમસાલા અને ગુટકા-ઇન્ડસ્ટ્રી દ્વારા કરાતી કરચોરીને રોકવા તેમ જ ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ અપેલેટ ટ્રિબ્યુનલ વિશેના પ્રધાનોના ગ્રુપના રિપોર્ટ્સ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો.’
ADVERTISEMENT
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જૂન ૨૦૨૨ માટે ૧૬,૯૮૨ કરોડ રૂપિયાની જીએસટી વળતરની સમગ્ર પેન્ડિંગ રકમ ચૂકવી દેવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. જીએસટી કાઉન્સિલે નિયત તારીખ પછી ઍન્યુઅલ જીએસટી રિટર્ન્સ ફાઇલ કરવા પર લેટ ફીને તર્કસંગત બનાવવાનો નિર્ણય કર્યો છે. સિમેન્ટ પર જીએસટી ઘટાડવાનો પ્રસ્તાવ હજી સુધી ફિટમેન્ટ કમિટી સમક્ષ આવ્યો નથી.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાપ્રધાનો તેમ જ કેન્દ્ર સરકારના સિનિયર અધિકારીઓ આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.
નોંધપાત્ર છે કે ટૅગ્સ ટ્રૅકિંગ ડિવાઇસ કે ડેટા લૉગર્સ પર જીએસટી ૧૮ ટકાથી ઘટાડીને શૂન્ય કરવામાં આવ્યો છે. જોકે એના માટે કેટલીક શરતો છે. આ શરતો પણ જાહેર કરવામાં આવી હતી. પેન્સિલ શાર્પનર્સ પરનો જીએસટી ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરવામાં આવ્યો છે.
કાઉન્સિલે રાબ પર જીએસટી ૧૮ ટકાથી ઘટાડ્યો છે. રાબ એ એક પ્રકારનો લિક્વિડ ગોળ છે જે ઉત્તર પ્રદેશ સહિત કેટલાંક રાજ્યોમાં ખૂબ ઉપયોગમાં લેવામાં આવે છે. જો રાબ લૂઝ હોય તો એના પર જીએસટી શૂન્ય છે. જો એનું પૅકેજિંગ અને લેબલ હોય તો એ પાંચ ટકા રહેશે.