સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ વેપન સિસ્ટમ તમામ ઑપરેશનલ અને ટેક્નૉલૉજિકલ માપદંડો પર ખરી ઊતરી
આઇએનએસ અરિહંતથી બૅલેસ્ટિક મિસાઇલ લૉન્ચ કરાઈ હતી
ભારતની પરમાણુ શક્તિથી સજ્જ સબમરીન આઇએનએસ અરિહંતથી ગઈ કાલે બંગાળની ખાડીમાં એસએલબીએમ (સબમરીન-લૉન્ચ્ડ બૅલેસ્ટિક મિસાઇલ)ને સફળતાપૂર્વક લૉન્ચ કરાઈ હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વેપન સિસ્ટમ તમામ ઑપરેશનલ અને ટેક્નૉલૉજિકલ માપદંડો પર ખરી ઊતરી છે, જે ભારતની હુમલો કરવાની વ્યૂહાત્મક ક્ષમતાને વધારે મજબૂત કરે છે.
મંત્રાલયે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘આઇએનએસ અરિહંતે ગઈ કાલે એસએલબીએમ (સબમરીન લૉન્ચ્ડ બૅલેસ્ટિક મિસાઇલ)ને સફળતાપૂર્વક લૉન્ચ કરી હતી. આ મિસાઇલનું પહેલાંથી નક્કી કરાયેલી રેન્જમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને એણે ખૂબ ચોકસાઈ સાથે બંગાળની ખાડીમાં ટાર્ગેટ એરિયા પર અસર કરી હતી.’
ADVERTISEMENT
પરમાણુ હથિયારોથી સજ્જ આ ખૂબ મહત્ત્વની વેપન સિસ્ટમ છે. એ દરિયાના કોઈ પણ ખુણેથી શહેરને ખલાસ કરવાની ક્ષમતાવાળી મિસાઇલ છોડી શકે છે. સાથે જ એને ખૂબ જલદી ડિટેક્ટ પણ કરી શકાતી નથી. એ ઉપરાંત પરમાણુ રીઍક્ટરથી મળતી એનર્જીથી ચાલતી હોવાને કારણે લાંબા સમય સુધી ઊંડા પાણીમાં પણ રહી શકે છે.
આઇએનએસ અરિહંતમાં ૭૫૦ કિલોમીટર અને ૩૫૦૦ કિલોમીટરની રેન્જ ધરાવતી મિસાઇલ છે. જોકે આ મામલે અમેરિકા, રશિયા અને ચીન આગળ છે અને એની પાસે ૫૦૦૦ કિલોમીટરથી પણ વધારે રેન્જ ધરાવતી મિસાઇલ છે. આઇએનએસ અરિહંત ન્યુક્લિયર પાવરથી ચાલે છે, જેના દ્વારા દરિયા, જમીન અને હવામાં પણ પરમાણુ હુમલો કરી શકાય છે.