સ્થાનિક ઉત્પાદનને અને નિકાસને વેગ આપવાનો તેમ જ સ્થાનિક માર્કેટમાં ભાવ ઘટાડવાનો ઉદ્દેશ આ પગલા પાછળ રહેલો છે.
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી (પી.ટી.આઇ.) : વચગાળાના બજેટના એક દિવસ પૂર્વે મોબાઇલ ફોનના મૅન્યુફૅક્ચરિંગમાં ઉપયોગમાં લેવાતાં બૅટરી કવર, લેન્સ અને સિમ સૉકેટ જેવા સ્પેરપાર્ટ પરની ઇમ્પોર્ટ ડ્યુટી ૧૫ ટકા પરથી ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવી છે એને કારણે મોબાઇલ સસ્તા થઈ શકે એવી શક્યતા છે.
સ્થાનિક ઉત્પાદનને અને નિકાસને વેગ આપવાનો તેમ જ સ્થાનિક માર્કેટમાં ભાવ ઘટાડવાનો ઉદ્દેશ આ પગલા પાછળ રહેલો છે. મોબાઇલ ફોનના એસેમ્બલિંગને ઘરઆંગણે વેગ આપવાના સ્પષ્ટ ઉદ્દેશ સાથે મોબાઇલ કમ્પોનન્ટ પરની ઇમ્પોર્ટ ડ્યુટી સરકારે ઘટાડી છે. સેલ્યુલર મોબાઇલ ફોનના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી તમામ સાધનસામગ્રી પરની ડ્યુટી ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવી હોવાનું નાણાં મંત્રાલયે ૩૦ જાન્યુઆરીએ જણાવ્યું હતું. બૅટરી કવર, ફોનના ફ્રન્ટ, મિડલ અને બૅક કવર, મેઇન લેન્સ, સ્ક્રૂ, સિમ સૉકેટ અથવા અન્ય મેકૅનિકલ આઇટમ્સનો ડ્યુટી-ઘટાડામાં સમાવેશ છે. ‘એક્સ’ પર પોસ્ટ મૂકી ટેલિકૉમ ખાતાના પ્રધાન અશ્વિન વૈષ્ણવે જણાવ્યું કે ડ્યુટી તર્કસંગત થવાથી મોબાઇલ ફોન મૅન્યુફૅક્ચરિંગ સિસ્ટમ મજબૂત બનશે.