સજાતીય લગ્નોના મામલે સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી આ સવાલનો જવાબ માગ્યો છે
નવી દિલ્હીમાં ગઈ કાલે જંતરમંતર ખાતે સજાતીય લગ્નનો વિરોધ કરી રહેલા યુનાઇટેડ હિન્દુ ફ્રન્ટના સભ્યો. તસવીર પી.ટી.આઇ.
સુપ્રીમ કોર્ટે ગઈ કાલે જણાવ્યું હતું કે ઇન્શ્યૉરન્સ પૉલિસિસમાં પાર્ટનરને નૉમિનેટ કરવા જેવા પાયાના સામાજિક અધિકારો સજાતીય કપલ્સને પૂરા પાડવાનો ઉપાય કેન્દ્ર સરકારે શોધવો જોઈએ.
અદાલત સજાતીય લગ્નોના રક્ષણ અને કાયદાકીય માન્યતા માટે માગણી કરતી અરજીઓ પર સુનાવણી કરી રહી છે. આ અરજીઓમાં જણાવવામાં આવ્યું છે કે લગ્નના અધિકારથી તેમને વંચિત રાખીને તેમની પાસેથી બંધારણીય અધિકારો છીનવી લેવામાં આવ્યા છે અને એના લીધે ભેદભાવ અને બહિષ્કાર થાય છે.
ADVERTISEMENT
અદાલતે સરકારને સવાલ કર્યો હતો કે સજાતીય કપલ્સને લગ્નનો દરજ્જો આપ્યા વિના કેવી રીતે આવા કેટલાક મુદ્દાઓનો ઉકેલ લાવી શકશે. અદાલતે સૉલિસિટર જનરલને જવાબ સાથે આગામી બુધવારે હાજર રહેવા જણાવ્યું હતું.
ચીફ જસ્ટિસ ડી. વાય. ચન્દ્રચૂડે કહ્યું હતું કે ‘અમે તમારી વાત સાથે સંમત છીએ કે જો અમે આ મુદ્દે કોઈ નિર્ણય કરીશું તો એ કાયદો ઘડવાની પ્રક્રિયાની બાબત થઈ જશે. તો પછી હવે શું? સજાતીય કપલ્સમાં સુરક્ષા અને સામાજિક કલ્યાણની ભાવના કેવી રીતે કેળવીશું?’
નોંધપાત્ર છે કે કેન્દ્રીય કાયદાપ્રધાન કિરેન રિજિજુએ કહ્યું હતું કે અદાલતમાં નહીં, પરંતુ સંસદમાં સજાતીય લગ્નના મુદ્દે ચર્ચા થવી જોઈએ.