Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ડિગો ઍરલાઇન્સના ધાંધિયાને કારણે મચેલી બેફામ લૂંટ પર સરકારે તાણી લગામ

ઇન્ડિગો ઍરલાઇન્સના ધાંધિયાને કારણે મચેલી બેફામ લૂંટ પર સરકારે તાણી લગામ

Published : 07 December, 2025 06:18 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૫૦૦ કિલોમીટરના રૂટ સુધી ૭૫૦૦ રૂપિયા જ લેવાના, ૧૫૦૦ કિલોમીટરથી વધુના રૂટ માટે ૧૮,૦૦૦ રૂપિયાથી વધુ નહીં લેવાના

દિલ્હી ઍરપોર્ટ પર ગઈ કાલે વડીલો અને દિવ્યાંગોને ઝડપી સર્વિસ મળે એ માટે વ્હીલચૅર અને  ફાસ્ટ-ફૉર્વર્ડ કાઉન્ટર્સ શરૂ કરવામાં આવ્યાં હતાં, દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ગઈ કાલે એક મહિલા વેઇટિંગ એરિયામાં નવજાત શિશુને સંભાળી રહી હતી.

દિલ્હી ઍરપોર્ટ પર ગઈ કાલે વડીલો અને દિવ્યાંગોને ઝડપી સર્વિસ મળે એ માટે વ્હીલચૅર અને ફાસ્ટ-ફૉર્વર્ડ કાઉન્ટર્સ શરૂ કરવામાં આવ્યાં હતાં, દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ગઈ કાલે એક મહિલા વેઇટિંગ એરિયામાં નવજાત શિશુને સંભાળી રહી હતી.


આજે રાત્રે ૮ વાગ્યા સુધીમાં રીફન્ડની પ્રક્રિયા પૂરી કરવા ઇન્ડિગોને આદેશ: શનિવારે ઇન્ડિગોએ ૧૫૦૦ ફ્લાઇટ્સને ડેસ્ટિનેશન પર પહોંચાડ્યાનો અને ૯૫ ટકા રૂટ પર ફ્લાઇટ્સ શરૂ થયાનો કર્યો દાવો

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોને આજે રાત્રે ૮ વાગ્યા સુધીમાં વિલંબ વિના તમામ પૅસેન્જરોને રીફન્ડ ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. રદ કરાયેલી અથવા વિક્ષેપિત ફ્લાઇટ્સ માટે રીફન્ડ-પ્રક્રિયા પૂરી કરવી આવશ્યક છે. ઍરલાઇનને એવી પણ સૂચના આપવામાં આવી છે કે જે મુસાફરોની મુસાફરી યોજનાઓ રદ થવાથી પ્રભાવિત થઈ હોય તેમના માટે કોઈ પણ રીશેડ્યુલિંગ ફી વસૂલ કરવામાં ન આવે. રીફન્ડ-પ્રક્રિયામાં કોઈ પણ વિલંબ અથવા પાલન ન કરવા બદલ કાર્યવાહી કરવામાં આવશે. સરકારે જે મુસાફરોનું લગેજ તેમનાથી વિખૂટું પડી ગયું છે તેમને પાછું યાત્રીઓ સુધી પહોંચાડવા માટે પણ ગઈ કાલે ૪૮ કલાકની મર્યાદા આપી હતી. ઍરપોર્ટ્સ પર યાત્રીઓના સામાનને તેમના બૅગેજ બૅચ સાથે સરખાવીને જે-તે યાત્રીઓને એની સૂચના આપવી અને જરૂર પડ્યે તેમના ઘરે સામાન પહોંચાડવાની સર્વિસ આપવાની સૂચના આપવામાં આવી હતી.  



ઇન્ડિગો ઍરલાઇન્સની ફ્લાઇટો કૅન્સલ થતાં કેટલીક ઍરલાઇન્સ દ્વારા વસૂલ કરવામાં આવતાં અસામાન્ય રીતે ઊંચાં ભાડાંને રોકવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દખલ કરી છે. આવી કટોકટી દરમ્યાન મુસાફરોનું શોષણ ન થાય એની ખાતરી કરવા માટે મંત્રાલયે એની નિયમનકારી શક્તિઓનો ઉપયોગ કરીને તમામ અસરગ્રસ્ત રૂટ પર ભાડામર્યાદા લાદી છે. ઍરલાઇન્સને કામગીરી સ્થિર ન થાય ત્યાં સુધી આ મર્યાદિત ભાવોનું પાલન કરવા માટે ઔપચારિક રીતે નિર્દેશ આપવામાં આવ્યો છે. આ પગલાનો હેતુ મુસાફરો, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, વિદ્યાર્થીઓ, દરદીઓ અને તાત્કાલિક મુસાફરીની જરૂર હોય એવા લોકોને અચાનક નાણાકીય તાણથી બચાવવા અને ઉડ્ડયનબજારમાં ભાવનિર્ધારણ શિસ્ત જાળવવાનો છે.   


૫૦૦ કિલોમીટરના રૂટ સુધી ૭૫૦૦ રૂપિયા, ૫૦૦થી ૧૦૦૦ કિલોમીટરના રૂટ સુધી ૧૨,૦૦૦ રૂપિયા, ૧૦૦૦થી ૧૫૦૦ કિલોમીટરના રૂટ માટે ૧૫,૦૦૦ રૂપિયા અને ૧૫૦૦ કિલોમીટરથી વધુના રૂટ માટે ૧૮,૦૦૦ રૂપિયાથી વધુ ચાર્જ ન કરી શકાય એવી ગાઇડલાઇન સિવિલ એવિએશન ખાતાએ નિર્દેશ આપ્યો હતો. 

DGCAએ એના નિરીક્ષકોને ઇન્ડિગો વિમાનો ઉડાડવા કહ્યું
ઇન્ડિગો ઍરલાઇન્સની સર્વિસ સેવા ક્રૂ-મેમ્બરની અછતના કારણે ખોરંભાઈ હોવાથી DGCAએ ઇન્ડિગો ફ્લાઇટ્સ ચલાવવા માટે એના પોતાના ઇન્સ્પેક્ટરોને નિર્દેશ આપ્યો છે. આ ઇન્સ્પેક્ટરોને સામાન્ય રીતે ઑડિટર તરીકે કડક રીતે કામ કરવા માટે પાંચ વર્ષના કરાર પર રાખવામાં આવ્યા છે. આ સમયગાળા દરમ્યાન તેમને કોઈ પણ ઍરલાઇન માટે ઉડાન ભરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પણ પાઇલટ્સની મોટી અછતને કારણે ઇન્ડિગોનું સમયપત્રક ખોરવાયું છે ત્યારે તેઓ આ કામ માટે ઉપયોગી સાબિત થશે. 


ઇન્ડિગોએ શનિવારે કૅન્સલ કરી ૮૫૦ ફ્લાઇટ્સ, થોડા દિવસમાં પરિસ્થિતિ નૉર્મલ થવાનું વચન આપ્યું
ઇન્ડિગો ઍરલાઇન્સે ગઈ કાલે આશરે ૮૫૦ ફ્લાઇટ રદ કરી હતી જેને કારણે હજારો મુસાફરો મુંબઈ, હૈદરાબાદ, ગુવાહાટી અને અન્ય શહેરોનાં ઍરપોર્ટ પર અટવાઈ ગયા હતા. બીજી તરફ ઇન્ડિગોએ એક નવું નિવેદન બહાર પાડીને એના પ્રવાસીઓને ખાતરી આપી હતી કે ‘ફ્લાઇટોના સંચાલનમાં મોટા પાયે થયેલા વિક્ષેપો પછી નેટવર્કની કામગીરીને પાટા પર લાવવા માટે દૃઢતાપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં કૅન્સલ કરાયેલી ફ્લાઇટ્સની સંખ્યા હવે ઘટી રહી છે અને હવે એમાં નોંધપાત્ર સુધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ થાળે પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.’ ઇન્ડિગો ઍરલાઇન્સે જાહેર કર્યું હતું કે તેમની ૯૫ ટકા રૂટ્સ પર ફ્લાઇટ્સ ગઈ કાલે ઊપડી હતી. ૧૫૦૦ ફ્લાઇટ્સ ગઈ કાલે ડેસ્ટિનેશન પર પહોંચી હતી અને કુલ ૧૩૮ સ્થળોમાંથી ૧૩૫ સ્થળોની ઊડાન રિસ્ટોર થઈ હતી.  ઇન્ડિગોએ જણાવ્યું હતું કે ‘અમારી ટીમો સમયપત્રકને સ્થિર કરવા, વિલંબ ઘટાડવા અને ચાલુ કટોકટીથી પ્રભાવિત મુસાફરોને જરૂરી સહકાર પૂરો પાડવા માટે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. મુસાફરોને ઍરપોર્ટ પર જતાં પહેલાં લાઇવ ફ્લાઇટ સ્ટેટસ તપાસવા અમે વિનંતી કરીએ છીએ.’ ઍરલાઇન્સે એ પણ ખાતરી આપી હતી કે તમામ બાકી રીફન્ડ માટે પ્રાથમિકતાના આધારે પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ઇન્ડિગો, ઍરપોર્ટના સત્તાવાળાઓ અને અન્ય ભાગીદારો વચ્ચે ગાઢ સંકલન દ્વારા ગ્રાહકોને ટર્મિનલ જાહેરાતો, વેબસાઇટ ચેતવણીઓ અને સીધી સૂચનાઓ દ્વારા સમયસર અપડેટ્સ મળે એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.

ઇન્ડિગોએ ઇરાદાપૂર્વક અંધાધૂંધી મચાવી અને ફ્લાઇટ્સ વધારી, પણ વધુ પાઇલટ્સને નોકરી પર રાખ્યા નહીં : ઉડ્ડયન-નિષ્ણાત વિપુલ સક્સેના
ઇન્ડિગોની હજારો ફ્લાઇટ્સ રદ થયા બાદ ઊભી થયેલી અંધાધૂંધી વિશે બોલતાં ઉડ્ડયન-નિષ્ણાત વિપુલ સક્સેનાએ આરોપ લગાવ્યો હતો કે ‘ઇન્ડિગો દ્વારા ઇરાદાપૂર્વક આ વિક્ષેપ ઊભો કરવામાં આવ્યો હતો. ઍરલાઇને એના વિન્ટર ટાઇમટેબલમાં સુધારો કર્યો નહીં અને વધારાના પાઇલટ્સને નોકરીમાં રાખ્યા નહીં, પણ ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો કરી દીધો હતો. આમ જે ફ્લાઇટ-કૅન્સલેશન થઈ રહ્યું છે એમાં ઇન્ડિગો નિર્દોષ નથી. અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું વિમાન ક્રૅશ થયા બાદ મેં સરકારને સૂચન કર્યું હતું કે કુદરતી હોનારતો વખતે જેમ નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમો કામ કરે છે એમ ઍરલાઇન્સ માટે પણ ડિસરપ્શન મૅનેજમેન્ટ ટીમ બનાવવામાં આવે. આ ટીમ પાસે એવા પાવર્સ હોય જે બધી ઍરલાઇન્સે માનવા પડે. બીજી તરફ વિદેશમાં સ્ટાર અલાયન્સ જેવી વ્યવસ્થા હોય છે. કોઈ પણ વખતે કોઈ ઍરલાઇન્સની ફ્લાઇટ કૅન્સલ થાય તો બીજી ઍરલાઇનોએ એ ફ્લાઇટના પ્રવાસીઓને તેમનાં વિમાનોમાં લઈ જવા જોઈએ.’

DGCAએ ઇન્ડિગો પર કડક આ‍ૅન-ગ્રાઉન્ડ ચેકિંગ શરૂ કર્યું 
ઇન્ડિગો દ્વારા દરરોજ સેંકડો ફ્લાઇટ રદ કરવામાં આવતી હોવાથી ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ મુખ્ય ઍરપોર્ટ પર કડક ઑન-ગ્રાઉન્ડ ચેકિંગ શરૂ કર્યું છે. DGCAએ ઍરલાઇન પર ફીલ્ડ-નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે તથા ફ્લાઇટ-કામગીરી અને મુસાફરોની વ્યવસ્થા પર નજીકથી નજર રાખી છે. DGCAએ સતત દેખરેખ માટે ઇન્ડિગોનાં ઑપરેશનલ કન્ટ્રોલ સેન્ટરોમાં ખાસ અધિકારીઓ તહેનાત કર્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2025 06:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK