કેન્દ્ર સરકારે ઑનલાઇન ગેમિંગ માટે નવા નિયમો જારી કર્યા
પ્રતિકાત્મક તસવીર
હવે તમે બેટિંગ અને દાવ લગાડવાને સંબંધિત કોઈ પણ ઑનલાઇન ગેમ નહીં રમી શકો. કેન્દ્ર સરકારે ગઈ કાલે ઑનલાઇન ગેમિંગ માટે નવા નિયમો જારી કરીને આ પ્રકારની ગેમ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે બેટિંગ પ્લૅટફૉર્મ્સની જાહેરાતો ન કરવા પણ મીડિયા ઑર્ગેનાઇઝેશન્સને જણાવ્યું છે.
રાજ્ય કક્ષાના આઇટી પ્રધાન રાજીવ ચન્દ્રશેખરે ગઈ કાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બેટિંગ કે દાવ લગાડવાને સંબંધિત ઑનલાઇન ગેમ્સ હવે ઑનલાઇન ગેમિંગ નિયમોનો ભંગ કરનાર ગણાશે. ઑનલાઇન ગેમિંગના નિયમન માટે અનેક સેલ્ફ રેગ્યુલેટરી ઑર્ગેનાઇઝેશન રહેશે, જેમાં ઇન્ડસ્ટ્રીના જ નહીં, પરંતુ તમામ પક્ષકારોની ભાગીદારી રહેશે.
ADVERTISEMENT
તેમણે જણાવ્યું હતું કે ‘અમે એક એવું માળખું ઊભું કરી રહ્યા છીએ કે જે નક્કી કરશે કે કઈ ઑનલાઇન ગેમને સેલ્ફ રેગ્યુલેટરી ઑર્ગેનાઇઝેશન તરફથી મંજૂરી આપી શકાય છે. આવા ઑર્ગેનાઇઝેશન પણ અનેક રહેશે. ઑનલાઇન ગેમને મંજૂરી આપવાનો નિર્ણય કરતી વખતે એ બાબતને ધ્યાનમાં લેવામાં આવશે કે એ ગેમમાં કોઈ પણ પ્રકારનો દાવ કે બેટિંગની ઍક્ટિવિટી તો સામેલ નથીને.’
તેમણે વધુ જણાવ્યું હતું કે ‘સ્ટાર્ટઅપ્સ માટે ઑનલાઇન ગેમિંગ ખૂબ જ મોટી તક છે. એની મંજૂરીના મામલે સ્થિતિ સ્પષ્ટ નહોતી. જોકે, હવે નવા નિયમોથી સ્થિતિ સ્પષ્ટ થશે.’