Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કારને જીવલેણ પુલનો રસ્તો દેખાડ્યો એટલે ગૂગલ મૅપ્સને પણ નોટિસ

કારને જીવલેણ પુલનો રસ્તો દેખાડ્યો એટલે ગૂગલ મૅપ્સને પણ નોટિસ

Published : 27 November, 2024 10:19 AM | Modified : 27 November, 2024 10:31 AM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તર પ્રદેશના આ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી એમાં ત્રણ જણે જીવ ગુમાવ્યા એ બદલ જાહેર બાંધકામ વિભાગ સામે ગુનો નોંધાયો

અડધા બનેલા પુલ પરથી રામગંગા નદીમાં એક કાર પડી હતી

અડધા બનેલા પુલ પરથી રામગંગા નદીમાં એક કાર પડી હતી


ઉત્તર પ્રદેશના બરેલીમાં ગયા શનિવારે રાત્રે અડધા બનેલા પુલ પરથી રામગંગા નદીમાં એક કાર પડી જતાં ત્રણ લોકોનાં થયેલાં મૃત્યુના કેસમાં પોલીસે જાહેર બાંધકામ વિભાગ અને ગૂગલ મૅપ્સ સામે ગુનો નોંધ્યો છે.


આ મુદ્દે પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘કારનો ડ્રાઇવર ગૂગલ મૅપ્સના આધારે કાર ચલાવી રહ્યો હતો અને એ મૅપ્સ તેને આ અડધા બનેલા બ્રિજ પર લઈ ગયો હતો. આ અકસ્માતમાં ફરુખાબાદના વતની ૩૦-૩૦ વર્ષના બે ભાઈઓ નીતિન અને અજિત તથા મૈનપુરી જિલ્લાના ૪૦ વર્ષના અમિતનાં મૃત્યુ થયાં હતાં. તેઓ નોએડાથી લગ્નમાં હાજરી આપવા ફરીદપુર જઈ રહ્યા હતા.’



પોલીસના ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR)માં જાહેર બાંધકામ ખાતાના ચાર એન્જિનિયરો સહિત ઘણા લોકો સામે લાપરવાહીનો ગુનો નોંધવામાં આવ્યો છે. ગૂગલ મૅપ્સના રીજનલ ઑફિસરને પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યો છે. જોકે તેનું નામ FIRમાં લખવામાં આવ્યું નથી. આ મુદ્દે પોલીસે જણાવ્યું હતું કે ગૂગલ મૅપ ડ્રાઇવરને અસલામત એવા રૂટ પર લઈ ગયો હતો. આ અકસ્માત બરેલી-બદાયૂં સરહદ પર થયો હતો.


ગૂગલ મૅપ્સે શું કહ્યું?

ગૂગલ મૅપ્સના પ્રવક્તાએ આ ઘટના પર દુખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘જીવ ગુમાવનારી વ્યક્તિઓના પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે. અમે આ કેસમાં સંબંધિત અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છીએ અને અમારા તરફથી આ ઘટનામાં તપાસ કરવા માટે પૂરતો સહયોગ આપી રહ્યા છીએ.’


આ મુદ્દે રવિવારે ફરીદપુરના સર્કલ ઑફિસર આશુતોષ શિવમે જણાવ્યું હતું કે ‘આ વર્ષની શરૂઆતમાં પૂરને કારણે બ્રિજનો એક હિસ્સો પાણીમાં તણાઈ ગયો હતો, પણ સિસ્ટમમાં આ સુધારો અપડેટ કરવામાં આવ્યો નહોતો. બ્રિજ તરફ જતા રસ્તા પર કોઈ સેફ્ટી બૅરિયર્સ લગાવવામાં આવ્યાં નથી કે બ્રિજ બંધ છે એવી જાણ કરતી માહિતી પણ પૂરી પાડવામાં આવી નથી.’

ઉત્તર પ્રદેશમાં ૧૨૫ વર્ષ જૂનો બ્રિજ વચ્ચેથી તૂટ્યો

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં ગઈ કાલે ગંગા નદી પરનો બ્રિટિશ કાળનો ​એક બ્રિજ વચ્ચેથી તૂટી પડ્યો હતો. ૧૨૫ વર્ષ જૂનો આ બ્રિજ આમ તો કાનપુર અને ઉન્નાવને જોડે છે, પણ એની ખસ્તા હાલતને લીધે ત્રણ વર્ષથી બંધ છે.

Whatsapp-channel Whatsapp-channel

27 November, 2024 10:31 AM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK