રતન તાતાને શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, અમિત શાહ, મુકેશ અંબાણી સહિતના મહાનુભવોએ
ફાઇલ તસવીર
રતન તાતાના દુખદ નિધનથી ભારતે એકે એવો આઇકન ગુમાવ્યો છે જેમણે કૉર્પોરેટ વિકાસને રાષ્ટ્રનિર્માણ સાથે અને ઉત્કૃષ્ટતાને નૈતિકતા સાથે જોડી દીધી છે. પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ દ્વારા સન્માનિત કરાયેલા રતન તાતાએ તાતાનો વારસો આગળ ધપાવ્યો અને એને વધુ પ્રભાવશાળી બનાવી વૈશ્વિક ઓળખ આપી. તેમણે અનુભવી, પ્રોફેશનલ્સ અને યુવાન સ્ટુડન્ટ્સ એમ બધાને પ્રેરણા આપી. પરોપકાર અને દાનના ક્ષેત્રમાં તેમનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. હું તેમના પરિવાર, તાતા ગ્રુપની ટીમ અને દુનિયાભરના તેમના પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
ADVERTISEMENT
રતન તાતાએ બધા નિયમોનું પાલન કરીને તાતા ગ્રુપની કાર્યપ્રણાલીમાં સુધારો કર્યો. રતન તાતાના નેતૃત્વમાં તાતા ટ્રસ્ટે શિક્ષા, સ્વાસ્થ્ય, સામાજિક કલ્યાણ અને કૅન્સરની સારવાર જેવાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપ્યું હતું. તાતાનો વારસો આવનારાં વર્ષોમાં વેપારીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. તેઓ બધા વેપારીઓ માટે આદર્શ બની રહેશે.
- અમિત શાહ
ભારત અને ભારતીય ઉદ્યોગ માટે આ બહુ દુ:ખનો દિવસ છે. રતન તાતાનું નિધન એ માત્ર તાતા ગ્રુપ માટે જ નહીં, દરેક ભારતીય માટે મોટી ખોટ છે. વ્યક્તિગત સ્તરે રતન તાતાના નિધનને કારણે મને બહુ દુ:ખ પહોંચ્યું છે, કેમ કે મેં એક સારા મિત્ર ગુમાવ્યા છે.
- મુકેશ અંબાણી
રતન તાતાના નિધનના સમાચાર મળ્યા, એક યુગ આથમી ગયો. બહુ જ સન્માનનીય, નમ્ર અને છતાંય દૂરદ્રષ્ટા અને દૂરંદેશી સાથે સમસ્યાનું નિરાકરણ લાવનાર લીડર હતા.
– અમિતાભ બચ્ચન
દાયકાઓથી હું અને મારો પરિવાર તાતા ગ્રુપ સાથે જોડાયેલા છીએ અને રતન તાતા એ તાતા ગ્રુપના પ્રતીક સમાન છે. તેમણે એ દર્શાવ્યું છે કે વેપાર-ઉદ્યોગ એ આર્થિક પ્રગતિ માટે પણ જરૂરી છે અને એનાથી સામાજિક વિકાસ, પરિવર્તન પણ થઈ શકે છે. તેમણે લીધેલા નિર્ણયોની અસર લોકાના જીવન પર અને ઇન્ડસ્ટ્રી પર આર્થિક બાબતો કરતાં વધુ થતી. રતન તાતા બહુ સાદું જીવન જીવ્યા. તેઓ બહુ નાના ઘરમાં રહેતા જ્યાં બે કે ત્રણ જ કર્મચારી હતા. જૈફ ઉંમરે પહોંચ્યા હોવા છતાં તેમણે પોતાના માટે કોઈ વિશેષ સુવિધા નહોતી લીધી. તેમનો એકમાત્ર શોખ કપડાં અને સૂટનો હતો. તેઓ હકીકતમાં એક મહાન માનવતાવાદી હતા.
– કુમાર મંગલમ બિરલા
રતન તાતાના નિધનના સમાચાર સાંભળીને બહુ દુ:ખ થયું. તેઓ ભારતીય ઉદ્યોગના લીડર હતા અને દૃઢ, સાહસી અને પરોપકારી હતા. તેમના જવાથી ભારતીય વેપાર અને સમાજને ક્યારેય ન પૂરી શકાય એવી ખોટ પડી છે.
– મમતા બૅનરજી
દેશના મહાન સુપુત્ર રતન તાતાના નિધનના સમાચાર સાંભળીને મને આંચકો લાગ્યો છે. ત્રણ દાયકા કરતાં વધુ સમયથી તેમની સાથે કૌટુંબિક સંબંધ હતા. તેમના જેવી મહાન વ્યક્તિની સરળતા, હાજરજવાબીપણું અને પોતાના કરતાં નાના લોકો સાથે પણ બહુ જ આદરપૂર્વક વર્તવું એ તેમના ગુણો મેં બહુ નજીકથી જોયા છે, અનુભવ્યા છે. તેમની પાસેથી મને જિંદગીમાં બહુ બધું શીખવા મળ્યું છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ હોવાને કારણે દેશની અર્થવ્યવસ્થા મજબૂત કરવામાં અને રોજગાર ઊભો કરવામાં તેમનું મોટું યોગwદાન હતું. મહાન દેશભક્ત હોવા સાથે તેઓ નીતિમત્તાનું પાલન કરતા હતા. તેઓ જેટલા મોટા ઉદ્યોગપતિ હતા એટલા જ એક સંવેદનશીલ સમાજસેવક પણ હતા. તેમના નિધનથી ભારતે એક આદર્શ અને મહેનતુ વ્યક્તિત્વ ગુમાવ્યું છે. આ દેશ રતન તાતાને ક્યારેય ભૂલી નહીં શકે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.
– નીતિન ગડકરી
ભારતનો કોહિનૂર હવે રહ્યો નથી. આપણાથી વિખૂટો પડી ગયો છે એમ હું કહીશ. રતન તાતા હવે આપણી સાથે નથી રહ્યા એ બહુ વેદનાદાયી દુખદ ઘટના આપણા આખા દેશ માટે છે. તેઓ દેશનું ગૌરવ હતા, મહારાષ્ટ્રના પણ ગૌરવ હતા. આટલા મોટા પદ પર પહોંચ્યા પછી પણ આટલી સાદગી સાથે રહેવું, જમીનથી જોડાઈને રહેવું એવાં બહુ કઠણ કામ તેઓ કરતા હતા. તેઓ એકદમ ગ્રાઉન્ડ ટુ અર્થ, સીધાસાદા માણસ હતા. અમે મરાઠીમાં કહીએ છીએ ‘સાદી રાહણી ઉચ્ચ વિચારસરણી.’ લાખો લોકોને તેમણે ઉદ્યોજક બનાવ્યા. તેમની ઇન્ડસ્ટ્રી બહુ જ જૂની છે. તેમને જોઈને લોકોમાં ઊર્જાનો સંચાર થતો, પ્રેરણા મળતી. તેઓ અમારું સ્વાભિમાન હતા. તેમને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ જેવા અનેક પુરસ્કાર મળ્યા હતા. તેમને જે પુરસ્કાર આપવામાં આવ્યા એને કારણે એ પુરસ્કારનું મૂલ્ય વધી ગયું એવું તેમનું કર્તૃત્વ હતું. લાખો-કરોડો લોકોને પગભર કરવાનું કામ તેમણે કર્યું હતું. ફક્ત ઇન્ડસ્ટ્રિયલિસ્ટ નહીં, દેશસેવા અને દેશભક્તિથી પ્રેરિત તેમનું વ્યક્તિત્વ હતું. આવી વ્યક્તિ પાછી મળવી બહુ મુશ્કેલ હોય છે એથી હું તેમને મહારાષ્ટ્ર સરકાર તરફથી અને મહારાષ્ટ્રની જનતા તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમના આદર્શો પર ચાલવું એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે.
– મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
રતન તાતા એક સફળ ઉદ્યોગપતિ જ નહોતા, પણ જે રીતે તેમણે દેશ અને સમાજ માટે કામ કર્યું એથી તેઓ એક ઊંચું વ્યક્તિત્વ હતા. તેમણે ફક્ત સફળ ઉદ્યોગ સ્થાપ્યા એટલું જ નહીં પણ એવું ટ્રસ્ટ, એક એવી બ્રૅન્ડ ઊભી કરી જેણે આપણા દેશને એક વૈશ્વિક ઓળખ આપી.
– દેવેન્દ્ર ફડણવીસ