રોડ અને બીચ પર ટૂરિસ્ટો દેખાતા નથી, ટૅક્સી અને હોટેલોનાં ભાડાં વધારે હોવાથી લોકો બીજે જવા માંડ્યા હોવાનો દાવો: જોકે ઘણા લોકોએ કહ્યું કે આ અપપ્રચાર છે
૩૦ ડિસેમ્બરે સૂમસામ દેખાતો નૉર્થ ગોવાનો રસ્તો. સામાન્ય રીતે આ રોડ સહેલાણીઓથી ઊભરાતો હોય છે.
ગોવામાં નવા વર્ષની ઉજવણી માટે લાખો ટૂરિસ્ટો આવતા હોય છે પણ આ વખતે ટૂરિસ્ટો રોડ કે બીચ પર દેખાતા નથી એવો દાવો ઘણા લોકોએ કર્યો છે. જોકે બીજા લોકો આને અપપ્રચાર ગણાવી રહ્યા છે અને જણાવે છે કે ટૂરિસ્ટો આવ્યા છે પણ તેઓ ફેમસ ટૂરિસ્ટ-પ્લેસ પર જોવા મળે છે. જોકે અગાઉનાં વર્ષો જેટલા ટૂરિસ્ટો આ વર્ષે દેખાતા નથી.
ક્રિસમસ અને ન્યુ યરની ઉજવણી માટે ઘણા લોકો ગોવા આવતા હોય છે અને ગોવામાં ટૂરિસ્ટોની આ પીક-સીઝન ગણાય છે. આ વખતે એટલા ટૂરિસ્ટ દેખાતા નથી. ઘણા ટૂરિસ્ટોએ જણાવ્યું હતું કે ટૂરિસ્ટોથી ધમધમતી રહેતી ગલીઓ ખાલી છે, બીચ પર ભીડ દેખાતી નથી.
ADVERTISEMENT
એક ડેટા જણાવે છે કે ૨૦૧૯માં ૮૫ લાખ વિદેશી ટૂરિસ્ટો ગોવા આવ્યા હતા પણ ૨૦૨૩માં માત્ર ૧૫ લાખ વિદેશીઓ ગોવા આવ્યા હતા.
આ મુદ્દે ઘણા ટૂરિસ્ટોએ ખાલી ગલીઓના ફોટો શૅર કર્યા હતા. એક યુઝરે લખ્યું હતું કે ટૂરિસ્ટોની પીક-સીઝનમાં ગોવા સાવ ખાલી છે. સરકારે આ માટે વિચારવું જોઈએ. ટ્રાન્સપોર્ટના મુદ્દે વિચારવું જોઈએ. રેસ્ટોરાં ખાલી છે, કલંગુટ બીચ ખાલી છે.
જોકે આ પોસ્ટ પર કોઈકે લખ્યું કે આ ખોટી વાત છે. ઘણા ટૂરિસ્ટો આવ્યા છે. જોકે આ પોસ્ટ-વૉરને એક દિવસમાં બે લાખ લોકોએ જોઈ હતી.
બીજા એક યુઝરે લખ્યું હતું કે હું ગોવામાં છું અને અહીં ઘણા ટૂરિસ્ટ આવ્યા છે. જોકે દર વર્ષ કરતાં સંખ્યા ઓછી છે. જોકે અહીં હોટેલનાં ભાડાં વધી ગયાં છે.