બાળપણથી પોલીસ સ્ટેશનમાં ટિફિન આપવા જતી યુવતી બની મહિલા પોલીસ કૉન્સ્ટેબલ
પોલીસ સ્ટેશનમાં ટિફિન આપતી રાણી હરસુલે મહિલા પોલીસ કૉન્સ્ટેબલ બની છે
‘મન હોય તો માળવે જવાય’ એ કહેવત આપણે સાંભળી હશે, પરંતુ એનું ભાઈંદરમાં ઉદાહરણ પણ જોવા મળ્યું છે. નાનપણથી ખાવાનાં ટિફિન પહોંચાડવાનું કામ કરતી યુવતી રાણી પ્રમોદ હરસુલે હવે મહિલા પોલીસ કૉન્સ્ટેબલ બની ગઈ છે. નવઘર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓએ રાણીનું પુષ્પગુચ્છથી અભિવાદન કર્યું હતું અને તેને ઉજ્જ્વળ ભવિષ્યની શુભેચ્છા પણ આપી હતી.
રાણીના પિતા ૨૦૨૧માં આઇડીબીઆઇ બૅન્કની મુખ્ય શાખામાંથી સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થયા હતા. રાણીની માતા મીરા પહેલેથી જ ઘરે ટિફિન બનાવવાનું કામ કરતી હતી. રાણી નાનપણથી જ માતા સાથે ટિફિન તૈયાર કરતી હતી તેમ જ ચોથા ધોરણમાં ભણતી હતી ત્યારથી મીરા-ભાઈંદરનાં પોલીસ સ્ટેશનોમાં અધિકારીઓ અને પોલીસ-કર્મચારીઓને એ પહોંચાડતી હતી. ટિફિન પહોંચાડતાં-પહોંચાડતાં તેને પોલીસમાં જોડાવાનો રસ જાગ્યો હતો. તાજેતરમાં મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટ હેઠળ ઑનલાઇન પ્રક્રિયા દ્વારા તેણે ભરતી-ફૉર્મ ભર્યું હતું. રાણીએ ઘરના કામકાજની જવાબદારીઓ સંભાળવાની સાથે પોલીસની ભરતી પ્રક્રિયામાં સારું પ્રદર્શન કર્યું હતું અને મહિલા પોલીસ કૉન્સ્ટેબલ તરીકે નોકરી મેળવવામાં સફળતા મેળવી હતી.
નવઘર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વિજય પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘રાણી ખૂબ મહેનતુ અને હોશિયાર છોકરી છે. તેની મહેનતથી તે ખૂબ આગળ વધશે અને જનતાની સેવા કરશે.’
ADVERTISEMENT
ભાઈંદર-ઈસ્ટમાં નવઘર પોલીસ સ્ટેશન પાસે આવેલા શિર્ડીનગરમાં રહેતી ૨૬ વર્ષની રાણી હરસુલેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું નાની હતી ત્યારથી મમ્મીને ટિફિન બનાવવામાં મદદ કરતી હતી. પહેલાં અમે લોકોને ટિફિન આપતા અને ત્યાર બાદ નવઘર પોલીસ સ્ટેશન પાસે જ આવ્યું હોવાથી ત્યાં ટિફિન-સર્વિસ ચાલુ કરી હતી. ત્યાંના સ્ટાફને અમારું ટિફિન પસંદ પડ્યું હતું. ધીરે-ધીરે મીરા રોડ અને કાશીમીરા પોલીસ સ્ટેશનમાં પણ અમે ટિફિન-સર્વિસ શરૂ કરી. ટિફિન આપવાનું કામ કરતાં-કરતાં મને પોલીસમાં જોડાવાની ઇચ્છા થઈ હતી. એ માટે શું કરવું જોઈએ એ જાણીને ટિફિનનું કામ કરતાં-કરતાં મેં ગ્રૅજ્યુએશન પૂરું કર્યું હતું. પહેલી વખત પોલીસ ભરતીમાં બે માર્ક માટે રહી ગઈ હતી અને આ વખતે એક્ઝામ પાસ કરી હતી. પોતાને ફિટ રાખવા સવારે પાંચ વાગ્યે ઊઠીને રનિંગ, યોગ વગેરે કરીને ૧૫ કિલો વજન મેં ઓછું કર્યું હતું.’