સિલિગુડીમાં પોતાની જાતને ઇન્ટેલિજન્સ બ્યુરોના માણસો ગણાવીને બે યુવાનોએ બિહારના સ્ટુડન્ટ્સની મારપીટ કરી હતી
ગિરિરાજ સિંહ
પશ્ચિમ બંગાળમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ની પરીક્ષા આપવા આવેલા બિહારના સ્ટુડન્ટ્સને સિલિગુડીમાં બે યુવાનો દ્વારા મારવામાં આવ્યાના મુદ્દે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય અને કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે મમતા બૅનરજી સરકાર પર આરોપ લગાવતાં કહ્યું હતું કે ‘બંગાળમાં રોહિંગ્યા મુસલમાનો માટે રેડ કાર્પેટ બિછાવાય છે, પણ પરીક્ષા આપવા આવેલા બિહારના સ્ટુડન્ટ્સ સાથે મારપીટ કરવામા આવે છે. શું તેઓ ભારતના નાગરિક નથી? શું મમતા બૅનરજી સરકારે માત્ર બળાત્કારીઓને જ બચાવવાનો કૉન્ટ્રૅક્ટ લીધો છે?’
આ ઘટના સંદર્ભે પોલીસે જણાવ્યું હતું કે ‘સિલિગુડીમાં પોતાની જાતને ઇન્ટેલિજન્સ બ્યુરોના માણસો ગણાવીને બે યુવાનોએ બિહારના સ્ટુડન્ટ્સની મારપીટ કરી હતી. તેમને ઓળખી લેવામાં આવ્યા છે.’ આ મુદ્દે તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા કુણાલ ઘોષે કહ્યું હતું કે ‘આવું કંઈ નથી, કદાચ આ કોઈ સ્થાનિક સમસ્યા હશે, કારણ કે ઘણાં રાજ્યોના લોકો અહીં આવે છે અને અહીંથી પણ ઘણા લોકો બીજાં રાજ્યોમાં જતા હોય છે.’