ગુલામ નબી આઝાદે પોતાની નવી `ડેમોક્રેટિક આઝાદ પાર્ટી`ના ધ્વજનું અનાવરણ પણ કર્યું
ફાઇલ તસવીર
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ગુલામ નબી આઝાદે નવી પાર્ટીની જાહેરાત કરી છે. તેમની પાર્ટીનું નામ `ડેમોક્રેટિક આઝાદ પાર્ટી` છે. તેમણે જમ્મુમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને નામની જાહેરાત કરી હતી. આઝાદે ગયા મહિને કૉંગ્રેસ સાથેના તેમના પાંચ દાયકાથી વધુ જૂના સંબંધો તોડી નાખ્યા હતા. તેઓ ત્રણ દિવસની મુલાકાતે રવિવારે જમ્મુ આવ્યા છે.
ગુલામ નબી આઝાદે પોતાની નવી `ડેમોક્રેટિક આઝાદ પાર્ટી`ના ધ્વજનું અનાવરણ પણ કર્યું હતું. ધ્વજ ત્રણ રંગોનો બનેલો છે, જેમાં વાદળી, સફેદ અને પીળો રંગ છે. ધ્વજ વિશે આઝાદે કહ્યું, “સરસવો જેવો પીળો રંગ સર્જનાત્મકતા અને વિવિધતામાં એકતા દર્શાવે છે. સફેદ રંગ શાંતિ સૂચવે છે અને વાદળી રંગ સ્વતંત્રતા, ખુલ્લી જગ્યા, કલ્પના અને સમુદ્રની ઊંડાઈથી આકાશની ઊંચાઈ સુધીની મર્યાદા દર્શાવે છે.”
ADVERTISEMENT
નામની જાહેરાત કરતાં તેમણે કહ્યું કે, “આઝાદનો મતલબ મારું નામ નથી. મતલબ કે આપણી પોતાની વિચારસરણી હશે અને કોઈનાથી પ્રભાવિત થશે નહીં અને આ પક્ષ સ્વતંત્ર રહેશે.”
સાથે જ તેમણે કહ્યું, “મારી પાર્ટીમાં આવનારા લોકો એવા હશે કે તેઓ અન્ય લોકો માટે પ્રેરણા બની શકે. એવા લોકો હશે જેઓ સેવાની ભાવના સાથે રાજકારણમાં આવશે, પૈસા કમાવવા આવનારા નહીં. આપણે ગાંધીજીને સામેથી જોયા નથી, તેમના ચિત્રો જ જોયા છે, પરંતુ તેમનું કાર્ય આપણને પ્રેરણા આપે છે. અમારી પાર્ટીમાં યુવાનો અને મહિલાઓને ઓછામાં ઓછી 50 ટકા ટિકિટ આપવાનો અમારો પ્રયાસ રહેશે. કોઈ વય મર્યાદા રહેશે નહીં. અમારી પ્રથમ પ્રાથમિકતા પક્ષની નોંધણી કરવાની છે, પરંતુ તે જ સમયે અમે અમારી પ્રવૃત્તિઓ ચાલુ રાખીશું. કારણ કે, ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે.”

