G20 સમિટમાં ‘નવી દિલ્હી લીડર્સ ડિક્લેરેશન’ સર્વાનુમતિથી મંજૂર, રશિયા તરફી અને વિરોધી જૂથો વચ્ચે ભારતને કારણે સમાધાનનો સૂર
નવી દિલ્હીમાં ગઈ કાલે ભારત મંડપમ ખાતે G20 સમિટની ‘વન ફૅમિલી’ના બીજા સેશન દરમ્યાન પીએમ મોદી તેમ જ બ્રાઝિલના પ્રેસિડન્ટ લુઇઝ ઇનસિયો લુલા દા સિલ્વા (તસવીર : પી.ટી.આઇ. )
G20ના સભ્ય દેશોના લીડર્સે ગઈ કાલે સર્વાનુમતિથી ‘નવી દિલ્હી લીડર્સ ડિક્લેરેશન’ને મંજૂર કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદીએ G20 સમિટના બીજા સેશનમાં જાહેર કર્યું હતું કે ‘આપણી ટીમ્સની સખત મહેનત અને તમારા સહકારથી G20 લીડર્સ સમિટ ડિક્લેરેશન બાબતે સર્વાનુમતિ છે.’
ભારતના G20 શેરપા અમિતાભ કાંતે આ ડિક્લેરેશનને ઐતિહાસિક ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિકાસ અને ભૂરાજકીય તમામ મુદ્દાઓ ઉપર ૧૦૦ ટકા સર્વાનુમતિ હતી. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે ભૂરાજકીય મુદ્દાઓનો ઉલ્લેખ મહત્ત્વનો છે.
ADVERTISEMENT
સોર્સિસે જણાવ્યું છે કે ‘રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના મુદ્દા સહિત આ ડિક્લેરેશનના સમગ્ર લખાણ બાબતે ૧૦૦ ટકા સર્વાનુમતિ હતી. ટફ વાતચીત બાદ આ મુદ્દે સર્વાનુમતિ સધાઈ છે. આ ડીલ રશિયા વિરોધી G7 દેશો તેમ જ રશિયા અને ચીનના વલણ વચ્ચે વ્યાપક અંતરને સૂચવે છે. આ ઐતિહાસિક ડીલ છે. તમામ સભ્ય દેશો સંમત થયા છે.’
એક રીતે ભારત માટે આ મોટી જીત છે, કેમ કે અત્યાર સુધી ભૂરાજકીય મુદ્દાઓ એજન્ડામાં હાવી થઈ જતા હતા. એને બદલે ભારત વિકાસના મુદ્દાઓ પર ફોકસ લાવ્યું. આ ડિક્લેરેશનમાં આર્થિક સ્થિતિ બાબતે પણ આકરી ભાષામાં લખવામાં આવ્યું છે. ખાસ કરીને યુરોપ અને ચીનમાં ઇકૉનૉમિક ઍક્ટિવિટીમાં સ્લોડાઉનની સ્થિતિ પર ખાસ નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. શેરપા સ્તરે શુક્રવારે આખો દિવસ વાતચીત થઈ હતી, પરંતુ આખરે ગઈ કાલે સવારે જ આ મામલે સમજૂતી સાધી શકાઈ હતી.
150
G20 દેશોના લીડર્સ વચ્ચે આટલા કલાક સુધી વાતચીત બાદ ડિક્લેરેશનમાં યુક્રેન યુદ્ધ બાબતે લખાણ ફાઇનલ કરવામાં આવ્યું છે.
રશિયાનું નામ લીધા વિના યુક્રેનમાં ‘ફોર્સના ઉપયોગ’ની ટીકા
યુક્રેન મામલે મતભેદો દૂર કરવા પર ફોકસ રહ્યું હતું. પશ્ચિમી દેશો યુક્રેન પર રશિયાના આક્રમણની આકરી ટીકા કરવામાં આવે એમ ઇચ્છતા હતા, જ્યારે એક વર્ગ તરફથી એનો વિરોધ થયો હતો. આ મુદ્દે એક સમજ કેળવાઈ જેના લીધે જ લીડર્સની સમિટના અંતે જૉઇન્ટ ડિક્લેરેશન ઇશ્યુ કરવા માટેનો માર્ગ મોકળો બન્યો હતો. આ ડિક્લેરેશનમાં જણાવવામાં આવ્યું છે કે ‘ન્યુક્લિયર હથિયારોનો ઉપયોગ કે ઉપયોગ કરવાની ધમકી અસ્વીકાર્ય છે.’ ડિક્લેરેશનમાં યુક્રેન પર રશિયાના આક્રમણનો ઉલ્લેખ છે, પરંતુ રશિયાની સીધી ટીકા નથી. આ ડિક્લેરેશનમાં યુક્રેનમાં કાયમી શાંતિ માટે હાકલ કરાઈ છે અને સભ્ય દેશોને કોઈ પણ દેશની જમીન પચાવી પાડવા ફોર્સના ઉપયોગ કે ફોર્સના ઉપયોગની ધમકીથી દૂર રહેવા જણાવાયું છે.