ભારતમાં સેમીકન્ડક્ટર ચિપ બનાવવાના પ્રયાસને ફટકો, બન્ને ગ્રુપ વચ્ચે ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા ૧.૫૦ લાખ કરોડ રૂપિયાના કરાર થયા હતા
ફૉક્સકૉન અને વેદાંતા
તાઇવાન ફૉક્સકૉને જણાવ્યું હતું કે તેણે ભારતીય ગ્રુપ વેદાંતા સાથેના સેમીકન્ડક્ટર સંયુક્ત સાહસમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે. ફૉક્સકૉને કહ્યું કે એ વેદાંતાની સંપૂર્ણ માલિકીની સંસ્થામાંથી એનું નામ દૂર કરવા માટે કામ કરી રહ્યું છે. ફૉક્સકૉનનું એન્ટિટી સાથે કોઈ જોડાણ નથી અને એનું મૂળ નામ રાખવાના પ્રયાસો ભવિષ્યના હિસ્સેદારો માટે મૂંઝવણનું કારણ બનશે એમ હોન હૈ ટેક્નૉલૉજી જૂથ (ફૉક્સકૉન)એ જણાવ્યું હતું. કંપનીએ આ વિશે કોઈ ચોક્કસ કારણ જાહેર કર્યું નથી. ફૉક્સકૉન આઇફોન અને ઍપલનાં ઉત્પાદનોને ઍસેમ્બલ કરવા જાણીતું છે. આ પાર્ટનરશિપ તૂટતાં દેશમાં સેમીકન્ડકટર ચિપ બનાવવાના પ્રયાસને ફટકો લાગ્યો છે.
ગ્લોબલ કૉન્ટ્રૅક્ટ ઇલેક્ટ્રૉનિક્સ નિર્માતા ફૉક્સકૉન અને વેદાંતાએ ગયા વર્ષે ગુજરાતમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે પ્રોડક્શન પ્લાન્ટ બનાવવા માટે ૧.૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવા માટે એક કરાર કર્યો હતો. આ સેમીકન્ડકટરનો ઉપયોગ મોબાઇલ ફોન, રેફ્રિજરેટર અને કારમાં થતો હોય છે. એક નિવેદનમાં ફૉક્સકૉને કહ્યું કે વધુ વૈવિધ્યસભર વિકાસની તકો શોધવા માટે, પરસ્પર કરાર અનુસાર ફૉક્સકૉને નક્કી કર્યું છે કે એ વેદાંતા સાથેના સંયુક્ત સાહસ પર આગળ વધશે નહીં.
વેદાંતા ગ્રુપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વેદાંતા પુનરોચ્ચાર કરે છે કે એ એના સેમીકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને અમે ભારતની પ્રથમ ફાઉન્ડ્રી સ્થાપવા માટે અન્ય ભાગીદારોને તૈયાર કર્યા છે. અમે અમારી સેમીકન્ડક્ટર ટીમનો વિકાસ કરવાનું ચાલુ રાખીશું. વેદાંતાએ સેમીકન્ડક્ટર્સ માટેના વડા પ્રધાનના વિઝનને પરિપૂર્ણ કરવાના એના પ્રયત્નોને બમણા કર્યા છે.
વેદાંતા સાથેના જૉઇન્ટ વેન્ચરમાંથી હટવાના ફૉક્સકૉનના નિર્ણયની અસર ભારતના સેમીકન્ડક્ટર ફેબ બનવાના ગોલ પર નહીં પડે. બે પ્રાઇવેટ કંપનીઓ વચ્ચે કેમ જોડાણ ન થયું એ જોવાનું કામ સરકારનું નથી. - રાજીવ ચંદ્રશેખર, ઇલેક્ટ્રૉનિક્સ અને આઇટીના રાજ્ય કક્ષાના પ્રધાન
ADVERTISEMENT
દેશને મોટું નુકસાન : આદિત્ય ઠાકરે
એકનાથ શિંદે સરકારના સમયમાં આ પ્રોજેક્ટને મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં લઈ જવાયો હતો ત્યારે વિરોધી પક્ષોએ એની ઘણી ટીકા કરી હતી. ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટ માટે પુણેનું તળેગાંવ સ્થળ યોગ્ય હોવા છતાં એને ગુજરાતમાં કેમ લઈ જવામાં આવ્યો હતો એનો જવાબ પહેલાં સરકારે આપવો જોઈએ. આ પ્રોજેક્ટમાંથી ફૉક્સકૉને ભાગીદારી પાછી ખેંચતાં મહારાષ્ટ્ર કરતાં પણ દેશને બહુ મોટું નુકસાન થયું છે.’

