ચંપઈ સોરેને કહ્યું હતું કે ‘જે પાર્ટી મારા પરિવાર જેવી હતી એને છોડવાનો વારો આવશે એવું મેં કદી વિચાર્યું નહોતું.
ગઈ કાલે કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્મા તથા ઝારખંડના સિનિયર નેતાઓની હાજરીમાં BJPમાં જોડાયેલા ચંપઈ સોરેન.
ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે એ પહેલાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ચંપઈ સોરેન ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. રાંચીમાં એક ભવ્ય સમારોહમાં કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માની ઉપસ્થિતિમાં સોરેન તેમના ઘણા ટેકેદારો સાથે BJPમાં જોડાઈ ગયા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ‘હું તો શરમ અનુભવતો હતો એથી હું રાજકારણમાંથી નિવૃત્ત થવા માગતો હતો, પણ ઝારખંડના લોકોના પ્રેમ અને સહકારના કારણે મેં રાજકારણમાંથી નિવૃત્ત થવાનું માંડી વાળ્યું છે. ઝારખંડના આંદોલન વખતે મેં લોકોનો સંઘર્ષ જોયો છે. હું વિચારતો હતો કે હું નવી પાર્ટી શરૂ કરીશ અથવા બીજી કોઈ પાર્ટીમાં સામેલ થઈ જઈશ, પણ જ્યાં મને શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું એ પાર્ટીમાં હું નહીં રહું. ત્યાર બાદ મેં BJPમાં જોડાવાનો નિર્ણય લીધો હતો. એમાં રહીને હું રાજ્યના લોકોની સેવા કરવા માગું છું.’
ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક શિબુ સોરેનના સાથીદાર રહેલા ૬૭ વર્ષના ચંપઈ સોરેને કહ્યું હતું કે ‘જે પાર્ટી મારા પરિવાર જેવી હતી એને છોડવાનો વારો આવશે એવું મેં કદી વિચાર્યું નહોતું. હાલમાં બનેલી ઘટનાઓએ મને આને માટે મજબૂર કરી દીધો હતો અને એ પીડા સાથે મારે આ નિર્ણય લેવો પડ્યો છે. એ પાર્ટી અેના મૂળભૂત સિદ્ધાંતો ભૂલી ગઈ છે.’ ઝારખંડમાં ૨૬ ટકા મતદારો આદિવાસી અનુસૂચિત જનજાતિ સમાજના છે અને ચંપઈ સોરેન આ જાતિના છે. એથી તેમનું આગમન BJP માટે સારા સંકેત સમાન ગણાય છે.