શિવ નાડર ૨૪૩૯.૯૪ અબજ રૂપિયાની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને
મુકેશ અંબાણી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ૭૬૬૧ અબજ રૂપિયાની નેટવર્થ સાથે ભારતના ૧૦૦ સૌથી ધનિકોની ૨૦૨૩ની ‘ફૉર્બ્સ’ની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. મુકેશ અંબાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ડાઇવર્સિફાઇડ ગ્રુપમાં પરિવર્તિત કર્યું છે અને કંપનીના બોર્ડમાં ત્રણ બાળકોને નિયુક્ત કરીને તેમની ઉત્તરાધિકારી યોજનાને મજબૂત બનાવી છે.
ફરી એક વાર મુકેશ અંબાણીએ અદાણી ગ્રુપના ચૅરમૅન ગૌતમ અદાણીને પાછળ મૂકી દીધા છે. ગૌતમ અદાણી બીજા સ્થાને સરકી ગયા છે. હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીએ તેમની નેટવર્થમાં નોંધપાત્ર ઘટાડો અનુભવ્યો છે. હાલમાં ગૌતમ અદાણીની નેટવર્થ ૫૬૬૨.૬૬ અબજ રૂપિયા છે.
ADVERTISEMENT
ફૉર્બ્સની ભારતના ૧૦૦ સૌથી ધનિકોની યાદી અનુસાર આ યાદીમાં સૉફ્ટવેર ટાયકૂન શિવ નાડર ૨૪૩૯.૯૪ અબજ રૂપિયાની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે. પાવર અને સ્ટીલ ઉદ્યોગના ઓ. પી. જિન્દલ ગ્રુપનાં સાવિત્રી જિન્દલ ૧૯૯૮.૫૯ અબજ રૂપિયા સાથે ચોથા ક્રમે છે, જે અગાઉની સરખામણીએ ૪૬ ટકા વધારે છે. ટૉપ-ફાઇવમાં ઍવન્યુ સુપરમાર્ટ્સના રાધાકિશન દામાણી પણ સામેલ છે, જેમની સંપત્તિ ઘટીને ૧૯૧૫.૩૧ અબજ રૂપિયા થઈ છે.
ફૉર્બ્સની આ યાદી હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટ ૨૦૨૩ના એક દિવસ બાદ આવી છે, જેમાં સમાન ડેટા દર્શાવવામાં આવ્યા હતા. હુરુનની યાદી મુજબ મુકેશ અંબાણીએ રેસમાં ગૌતમ અદાણીને પાછળ છોડીને સૌથી અમીર ભારતીયનું બિરુદ ફરી પાછું મેળવ્યું છે.