કર્ણાટકમાં બીજેપીના પરાજયનું સૌથી મોટું કારણ મજબૂત ચહેરાનો અભાવ હતો
કર્ણાટકની ચૂંટણીમાં અમને સપોર્ટ આપનારા તમામનો હું આભાર વ્યક્ત કરું છું. હું બીજેપીના કાર્યકરોની સખત મહેનતની કદર કરું છું. આગામી સમયમાં આપણે કર્ણાટકની વધુ ઉત્સાહથી સેવા કરીશું. : નરેન્દ્ર મોદી, વડા પ્રધાન
૧. કર્ણાટકમાં મજબૂત ચહેરો નહોતો
કર્ણાટકમાં બીજેપીના પરાજયનું સૌથી મોટું કારણ મજબૂત ચહેરાનો અભાવ હતો. યેદિયુરપ્પાના બદલે બસવરાજ બોમ્મઈને બીજેપીએ ભલે મુખ્ય પ્રધાન બનાવ્યા, પરંતુ સીએમની ખુરશી પર બેઠા હોવા છતાં તેમનો ખાસ પ્રભાવ નહોતો. બીજી તરફ કૉન્ગ્રેસની પાસે ડીકે શિવકુમાર અને સિદ્ધરમૈયા જેવા પાવરફુલ ચહેરા હતા.
૨. ભ્રષ્ટાચાર
બીજેપીના પરાજય માટેનું સૌથી મોટું કારણ ભ્રષ્ટાચાર હતો. કૉન્ગ્રેસે બીજેપીની વિરુદ્ધ શરૂઆતથી જ ‘૪૦ ટકા’, ‘પે-સીએમ’ કૅમ્પેન ચલાવ્યું હતું. એ ધીરે-ધીરે મોટો મુદ્દો બની ગયો
હતો. કરપ્શનના મુદ્દે જ એસ. ઈશ્વરપ્પાએ પ્રધાનપદેથી રાજીનામું આપવું પડ્યું તો બીજેપીના એક વિધાનસભ્યે જેલમાં પણ જવું પડ્યું. સ્ટેટ કૉન્ટ્રૅક્ટર અસોસિએશને પીએમને પણ ફરિયાદ કરી હતી. એકંદરે એના લીધે રાજ્ય સરકારે શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હતું.
ADVERTISEMENT
૩. આંતરિક વિખવાદ
વિધાનસભાની ચૂંટણીના ખાસ્સા સમય પહેલાં જ બીજેપીમાં આંતરિક વિખવાદ બહાર આવ્યો હતો. કર્ણાટક બીજેપીમાં અનેક જૂથ બન્યાં હતાં. એક જૂથ બી.એસ. યેદિયુરપ્પાનું હતું. બીજું સીએમનું, ત્રીજું બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ બીએલ સંતોષનું, ચોથું સિનિયર નેતા નલિન કુમાર કટિલનું હતું. આ તમામ જૂથો વચ્ચે બીજેપીના કાર્યકરો મુશ્કેલીમાં મુકાતા હતા.
૪. ટિકિટ વહેંચણી
ટિકિટ વહેંચણીમાં પણ ગરબડ થઈ હોવાનું અનેક રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપવામાં આવી. વળી, બીજેપીના બળવાખોર નેતાઓએ અનેક સીટ્સ પર આ પાર્ટીને નુકસાન પહોંચાડ્યું છે.
૫. સાઉથ વર્સસ નૉર્થની લડાઈ
આ પણ એક ખાસ કારણ છે. અત્યારે સાઉથ વર્સસ નૉર્થની લડાઈ ચાલી રહી છે. બીજેપી કેન્દ્ર સરકારમાં છે એટલા માટે બીજેપીના નેતાઓએ હિન્દી વર્સસ કન્નડની લડાઈમાં મૌન રહેવાનું યોગ્ય સમજ્યું હતું. બીજી તરફ કૉન્ગ્રેસના સ્થાનિક નેતાઓએ આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો. કૉન્ગ્રેસે લોકોના માનસમાં એવો વિચાર સ્થાપિત કરવામાં સફળ રહી કે બીજેપી ઉત્તર ભારતીય કંપનીઓને પ્રોત્સાહન આપે છે, જ્યારે સાઉથના લોકોને હાંસિયામાં ધકેલે છે.