બૉલીવુડ ઍક્ટરે ‘મન કી બાત’માં લોકોને અપીલ કરી કે કોઈ ફિલ્મસ્ટારનું બૉડી જોઈને નહીં પરંતુ ડૉક્ટરની સલાહથી લાઇફસ્ટાઇલ બદલો
અક્ષયકુમાર , વડા પ્રધાન નરેન્દ્ર મોદી
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રોગ્રામ મન કી બાતના ૧૦૮મા એપિસોડને ગઈ કાલે સંબોધિત કર્યો હતો. એમાં વડા પ્રધાને ખાસ કરીને ફિટનેસ વિશે ચર્ચા કરી હતી.
અક્ષયકુમાર પણ આ ‘મન કી બાત’ પ્રોગ્રામમાં અપીયર થયો હતો જેમાં તેણે હેલ્થ અને ફિટનેસના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેણે આ પ્રોગ્રામને સાંભળી રહેલા લોકોને ઍક્ટર્સને લાઇફસ્ટાઇલ રોલ મૉડલ્સ તરીકે ન જોવાની અપીલ કરી હતી અને સાથે જ ‘ફિલ્ટર લાઇફ’ના બદલે ‘ફિટર લાઇફ’ પર ભાર મૂક્યો હતો. આ ઍક્ટરે કહ્યું હતું કે ‘કોઈ ફિલ્મસ્ટારનું બૉડી જોઈને નહીં પરંતુ ડૉક્ટરની સલાહથી તમે તમારી લાઇફસ્ટાઇલ બદલો. ઍક્ટર્સ સ્ક્રીન પર જેવા દેખાય છે એવા અનેક વખત તો હોતા પણ નથી. અનેક પ્રકારનાં ફિલ્ટર અને સ્પેશ્યલ ઇફેક્ટ્સ યુઝ થાય છે અને આપણે એ જોઈને આપણા શરીરને બદલવા માટે ખોટા શૉર્ટકટનો ઉપયોગ કરવાનું શરૂ કરી દઈએ છીએ.’
અયોધ્યામાં તૈયાર થઈ રહેલા શ્રીરામ મંદિરનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને આ પ્રોગ્રામમાં કહ્યું હતું કે ‘શ્રીરામ મંદિરને લઈને સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ છે. તમે જોયું હશે કે છેલ્લા કેટલાક દિવસોમાં શ્રીરામ અને અયોધ્યાને લઈને અનેક નવાં ગીતો અને ભજનો બનાવવામાં આવ્યાં છે. અનેક લોકો નવી કવિતાઓ પણ રચી રહ્યા છે. મારા મનમાં વાત આવી રહી છે કે શું આપણે તમામ લોકો આવી રચનાઓને એક કૉમન હૅશટૅગની સાથે શૅર કરીએ. મારી તમને બધાને વિનંતી છે કે #shrirambhajanની સાથે પોતાની રચનાઓને સોશ્યલ મીડિયા પર શૅર કરો. આ સંકલન, ભાવ, ભક્તિનો એવો પ્રવાહ બનશે જેમાં દરેક રામમય બની જશે.’
ADVERTISEMENT
મન કી બાતની વિશેષ વાતો
૧. ૨૦૨૩માં ભારતે અનેક સફળતા હાંસલ કરી છે. આ વર્ષે નારીશક્તિ વંદન બિલ પસાર થયું, જેના માટે વર્ષોથી રાહ જોવામાં આવતી હતી.
૨. અનેક લોકોએ પત્ર લખીને ભારત પાંચમી સૌથી બિગેસ્ટ ઇકૉનૉમી બનતાં ખુશી વ્યક્ત કરી. અનેક લોકોએ મને G20 સમિટની સફળતા અપાવી. આજે ભારતનો ખૂણેખૂણો આત્મવિશ્વાસથી ભરપૂર છે. આ જ મોમેન્ટમ અને ભાવના આપણે ૨૦૨૪માં પણ જાળવી રાખવાનાં છે.
૩. આજે પણ અનેક લોકો મને ચન્દ્રયાન-૩ની સક્સેસ માટે મેસેજ મોકલે છે.
૪. જ્યારે નાટુ-નાટુને ઑસ્કર અવૉર્ડ મળ્યો ત્યારે સમગ્ર દેશ ખુશીથી ઝૂમી ઊઠ્યો હતો. ‘ધી એલિફન્ટ વ્હિસ્પર્સ’ને સન્માન મળ્યું ત્યારે કોણ ખુશ ના થયું.
૫. આ વર્ષે સ્પોર્ટ્સમાં પણ આપણા ઍથ્લીટ્સે ખૂબ જ સારું પર્ફોર્મ કર્યું છે. એશિયન ગેમ્સમાં આપણા ખેલાડીઓ ૧૦૭ મેડલ અને એશિયન પૅરા ગેમ્સમાં ૧૧૧ મેડલ જીત્યા. ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય પ્લેયરોએ પોતાના પર્ફોર્મન્સથી બધાનાં દિલ જીત્યાં.