સોશ્યલ મીડિયામાં ત્રણથી ચાર ફાઇનૅન્શિયલ ઇન્ફ્લુઅન્સર્સ સ્ટૉક માર્કેટમાં રોકાણની સારી સલાહ આપતા હશે, પરંતુ ૧૦ પૈકી ૭ એવા હશે જેમનો હેતુ અલગ હશે અથવા ઊંચા વળતરની લાલચ આપી બોગસ યોજનામાં ફસાવે છે
નિર્મલા સીતારમણ ફાઇલ તસવીર
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મમાં ફાઇનૅન્શિયલ ઇન્ફ્લુઅન્સરની સલાહને માનવા સામે ચેતવણી આપતાં કહ્યું હતું કે એ પૈકી ઘણાનો હેતુ અલગ હોય છે અથવા તો તેઓ બોગસ યોજનાઓને પ્રોત્સાહન આપવાનું પણ કામ કરે છે. બૅન્ગલોરમાં એક કાર્યક્રમમાં સીતારમણે કહ્યું હતું કે ‘કેટલાક સારા ઇન્ફ્લુઅન્સર પણ છે જેઓ રોકાણની સારી સલાહ આપે છે, પરંતુ એની સામે ઘણા એવા લોકો પણ છે જે રોકાણકારોને ગેરમાર્ગે દોરે છે અથવા તો ઊંચા વળતરની લાલચ આપીને બોગસ યોજનાઓમાં ફસાવે છે. હાલ તેમના પર નિયંત્રણ મૂકવાનો કોઈ પ્રસ્તાવ નથી, પરંતુ સાવચેતી રાખવી મહત્ત્વની છે. ત્રણથી ચાર લોકો સારા છે, જેઓ સાચી સલાહ આપે છે, પરંતુ ૧૦માંથી ૭ એવા છે જેઓનો હેતુ કંઈક અલગ જ છે. સરકાર ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી મિનિસ્ટરી અને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે મળીને આવી ઍપ્લિકેશનો પર અંકુશ મૂકવા અને નાગરિકોનાં મહેનતનાં નાણાંનું રક્ષણ કરવા માટે કામ કરી રહી છે.’
દેશના તેજીવાળા સ્ટૉક માર્કેટમાં ગ્રાહકોની સુરક્ષા જળવાઈ રહે એ વાત મહત્ત્વની છે, એની ચર્ચા દરમ્યાન આ મુદ્દો ઊઠ્યો હતો. કોરોના બાદ બૅન્કના વ્યાજદર ઘટતાં લોકોએ આવકનાં અન્ય સ્રોત શોધવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, પરંતુ ઘણા રોકાણકારોને પૂરતી માહિતી ન હોવાથી તેઓ આવા ઇન્ફ્લુઅન્સરની છેતરામણીનો ભોગ બની શકે છે. તાજેતરમાં કેટલીક ટેલિગ્રામ ચૅનલો અને યુટ્યુબ અકાઉન્ટ દ્વારા અમુક સ્ટૉક ખરીદવાની ભલામણ કરવામાં આવે છે, જેના કારણે કૃત્રિમ રીતે અમુક શૅરોના ભાવમાં વધારો થાય છે પછી તેઓ એ શૅરને વેચી દે છે, પરંતુ એ દરમ્યાન તેમની સલાહ માનીને રોકાણ કરનારાઓ ખોટમાં જાય છે.