જોકે નિર્મલા સીતારમણે કૅપિટલ ગેઇન ટૅક્સ વિશે કંઈ પણ બોલવાનું ટાળ્યું
નાણાપ્રધાન નિર્મલા સીતારમણ
કેન્દ્રીય બજેટમાં આવકવેરામાં ઘટાડાની જાહેરાત બાદ હવે કેન્દ્ર સરકાર ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ના દરમાં પણ ઘટાડો કરવાનું વિચારી રહી હોવાનો સંકેત નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આપ્યો હતો. આગામી અઠવાડિયે સંસદનું બજેટસત્ર ફરી મળશે ત્યારે એમાં આ સંદર્ભની જાહેરાત શક્ય છે. જોકે નાણાપ્રધાને કૅપિટલ ગેઇન ટૅક્સ વિશે કંઈ પણ બોલવાનું ટાળી દીધું હતું.
આ સંદર્ભમાં શનિવારે એક કાર્યક્રમમાં નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ‘GSTના દરને તર્કસંગત બનાવવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. મેં વ્યક્તિગત રીતે વિવિધ સમિતિઓના કાર્યની સમીક્ષા કરી છે અને અંતિમ નિર્ણય માટે GST કાઉન્સિલ સમક્ષ લઈ જવાની જવાબદારી મારી છે. અમે દરઘટાડા માટે અને સ્લૅબની સંખ્યા વિશે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાની ખૂબ નજીક છીએ. મારું સ્પષ્ટ માનવું છે કે GSTના દરમાં ઘટાડો થશે. જ્યારે GSTની શરૂઆત થઈ ત્યારે રેવન્યુ-ન્યુટ્રલ દર ૧૫.૮ ટકા હતો જે હવે ઘટીને ૧૧.૪ ટકા થયો છે. એવી કોઈ વસ્તુ નથી જેના GST દર વધ્યા હોય. હકીકતમાં GSTના દર ઘટ્યા છે અને અમે એ ટ્રેન્ડ જાળવી રાખીશું.’
ADVERTISEMENT
આપણા દેશની સિસ્ટમમાં વિશ્વાસ અને આશાવાદને પ્રોત્સાહન આપવાની જરૂર છે એ મુદ્દે બોલતાં નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ‘આપણે આપણા દેશની ટીકા કરવાનું બંધ કરવું જોઈએ. આપણે જો નકારાત્મક પાસાંઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું તો આગળ વધી નહીં શકીએ. આપણે એ સમજવાની જરૂર છે કે આપણા દેશ સામે ઘણા પડકારો છે, પણ ભારત સૌથી ઝડપથી વિકસતો દેશ છે. આપણે ભૂતકાળમાં જીવી શકતા નથી, આપણે વર્તમાન અને ભવિષ્યને સ્વીકારવા જોઈએ.’
અમેરિકા સાથે વાટાઘાટોમાં ભારત પોતાના હિતને પ્રાધાન્ય આપે છે : ફાઇનૅન્સ મિનિસ્ટર
અમેરિકા સાથે વેપાર-વાટાઘાટો વિશે બોલતાં નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ‘કૉમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલ વાટાઘાટોનું નિરીક્ષણ કરી રહ્યા છે. બેઉ પક્ષોએ સારી સંધિનું લક્ષ્ય રાખવું જોઈએ. જિયોપૉલિટિકલ કારણો અને ટૅરિફયુદ્ધ જેવા પડકાર ભારત માટે તક ઊભી કરે છે. વાટાઘાટોમાં ભારત એના હિતને પ્રાધાન્ય આપે છે. અગાઉ કરવામાં આવેલા વેપારકરારો ખૂબ ઉતાવળે થયા હતા અથવા એમાં યોગ્ય ભાષાનો પ્રયોગ થયો નહોતો. કૉમર્સ મિનિસ્ટ્રી જપાન, સાઉથ કોરિયા સહિતના ભાગીદાર દેશો સાથેનાં તમામ ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટની સમીક્ષા કરી રહી છે, જેથી ભવિષ્યમાં ભારતનાં હિતોને પ્રાધાન્ય આપી શકાય.’

