ખેડૂતોને લઈને કેન્દ્ર સરકાર અને પંજાબની ભગવંત માનની સરકાર આમને-સામને
ગઈ કાલે વિરોધ કરી રહેલા ખેડૂતોએ પરાળ સળગાવ્યું હતું
નવી દિલ્હી ઃ છેલ્લા ઘણા દિવસોથી પોલીસની સાથે ઘર્ષણ કરી રહેલા ખેડૂતોએ હવે પોલીસથી બચવા એક નવો રસ્તો અખત્યાર કર્યો હતો. ટિયરગૅસના વિરોધમાં ખેડૂતોએ મરચું નાખી પરાળ સળગાવ્યું હતું. પંજાબ–હરિયાણાની ખનૌરી બૉર્ડર પર હજારોની સંખ્યામાં પરાળના ઢગલા કરવામાં આવ્યા છે. ખેડૂતો ખેતરમાંથી પરાળ લાવીને ખનૌરી બૉર્ડર પાસે સળગાવી રહ્યા છે. હવાનું રુખ હરિયાણા તરફ હોય તો પરાળને કારણે ફેલાતું પ્રદૂષણ પોલીસ માટે માથાનો દુખાવો બની રહેશે. એમાં પોલીસના ૧૨ જણ ઘાયલ થયા છે.
દરમ્યાન ખેડૂતોને લઈને કેન્દ્ર સરકાર અને પંજાબની ભગવંત માનની સરકાર આમને-સામને આવી ગઈ છે. પંજાબ સરકારે કેન્દ્ર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ એક પત્ર લખીને આપ્યા છે.
પંજાબ સરકારના ચીફ સેક્રેટરીએ કેન્દ્રના ગૃહ મંત્રાલય (એમએચએ)ને મોકલેલા જવાબમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર શંભૂ અને ધાબી-ગુર્જન બૉર્ડર પર લોકોને ભેગા થવા દઈ રહી છે એમ કહેવું સરાસર ખોટું છે. ચીફ સેક્રેટરીએ જવાબમાં વધુમાં જણાવ્યું છે કે ખેડૂતો આંદોલન માટે દિલ્હી જઈ રહ્યા હતા, પરંતુ તેમની મૂવમેન્ટ પર પ્રતિબંધને કારણે તેઓ પંજાબ અને હરિયાણાની સરહદે રોકાયા છે.
ADVERTISEMENT
કેન્દ્રને મોકલેલા જવાબમાં ખેડૂતો પર હરિયાણા પોલીસ દ્વારા ટિયરગૅસ, રબર બુલેટ્સ તથા ફોર્સનો ઉલ્લેખ કરી જણાવાયું છે કે અત્યાર સુધીમાં ૧૬૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આમ છતાં પંજાબ સરકારે જવાબદારીપૂર્વક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવી રાખી છે. પંજાબ સરકારે જણાવ્યું છે કે ખેડૂતો પ્રત્યે વધુ સહાનુભૂતિ દર્શાવવાની આવશ્યકતા છે. ટોચના અધિકારીઓ અને પીપીએસ ઑફિસર સહિત ૨૦૦૦ પોલીસ શાંતિ જાળવવા સતત કાર્ય કરી રહ્યા છે.
ગૃહ મંત્રાલયે પંજાબ સરકારને જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસોથી રાજયમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ચિંતાનો વિષય છે. એમએચએએ જણાવ્યું હતું કે એમ લાગે છે કે વિરોધની આડમાં ઉપદ્રવીઓ અને કાયદો તોડનારાઓને પથ્થરમારો કરવા, ભીડ જમા કરવા અને પાડોશના રાજ્યમાં અશાંતિ અને અવ્યવસ્થા ફેલાવવાના સ્પષ્ટ ઇરાદા સાથે સીમા પર ભારી મશીનરી લઈ જવાની ખુલ્લી છૂટ આપવામાં આવી છે.
પંજાબ-હરિયાણાની બૉર્ડર પર ગઈ કાલે એક ખેડૂતનું મૃત્યુ થયા બાદ તેમણે દિલ્હી ચલો અભિયાન બે દિવસ માટે સ્થગિત કરી દીધું છે.