બાજુની બ્રાન્ચના મૅનેજરને શંકા જતાં બૅન્ક શરૂ થયાના ૧૦ દિવસમાં આખું કૌભાંડ બહાર આવ્યુંઃ ગામવાળાઓએ આ બ્રાન્ચમાં નોકરી મેળવવા પૈસા આપ્યા હતા
SBIની નકલી બ્રાન્ચ
બૅન્કોની સાથે થતા ફ્રૉડના અનેક કિસ્સા આપણે સાંભળ્યા છે પણ છત્તીસગઢમાં એક એવો વિચિત્ર કેસ નોંધાયો છે જેમાં ચીટરોએ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SBI)ની આખેઆખી બનાવટી બ્રાન્ચ ઊભી કરીને ખાતેદારોને છેતર્યા. આખું કૌભાંડ નજીકમાં આવેલી SBIની બીજી બ્રાન્ચના મૅનેજરને શંકા જતાં બહાર આવ્યું હતું.
રાયપુરથી ૨૫૦ કિલોમીટર દૂર આવેલા છપોરા નામના ગામમાં આ બ્રાન્ચ શરૂ કરવામાં આવી હતી. એના માટે આરોપીઓએ સ્થાનિકોને બનાવટી નોકરી આપી, તેમના માટે ટ્રેઇનિંગ સેશન્સ રાખ્યાં, રિયલ બૅન્કની જેમ બ્રાન્ચમાં આખું સેટ-અપ ગોઠવ્યું. ગામવાળાઓએ તો પોતાના ગામમાં SBI બૅન્કની બ્રાન્ચ શરૂ થઈ હોવાથી એમાં અકાઉન્ટ ખોલાવીને ટ્રાન્ઝૅક્શન પણ શરૂ કરી દીધાં હતાં એટલું જ નહીં, બ્રાન્ચમાં નોકરી મેળવવા માટે અમુક ગામવાળાઓએ તો આરોપીઓને પૈસા પણ આપ્યા હતા.
ADVERTISEMENT
આ કેસની તપાસ કરી રહેલા પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘અમને ડાબ્રા બ્રાન્ચના મૅનેજરે છપોરા ગામમાં બનાવટી બ્રાન્ચ ચાલુ થઈ હોવાની માહિતી આપી હતી. એના આધારે તપાસ કરી તો અમને કન્ફર્મ થયું કે ખરેખર આ બનાવટી બ્રાન્ચ છે અને એમાં સ્ટાફને પણ બનાવટી લેટર આપીને અપૉઇન્ટ કરવામાં આવ્યો હતો. આ આખા સ્કૅમમાં અત્યાર સુધી અમે ચાર જણની ધરપકડ કરી છે.’
નસીબજોગે આ બનાવટી બ્રાન્ચનો ભાંડો ૧૦ દિવસમાં જ ફૂટી ગયો, નહીં તો એમાં મોટી સંખ્યામાં લોકોએ પૈસા ભર્યા હોત અને એ ગુમાવવાનો વારો આવ્યો હોત. જે ગામવાળાઓએ પૈસા આપીને નોકરી લીધી હતી તેમણે લોન લીધી હતી અથવા તો પોતાની જ્વેલરી ગિરવી મૂકી હતી.