Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > એક્સ્ટ્રા-ઑર્ડિનરી ફાઇનૅન્સ મિનિસ્ટર ભારતના આર્થિક ઇતિહાસમાં અંકિત રહેશે

એક્સ્ટ્રા-ઑર્ડિનરી ફાઇનૅન્સ મિનિસ્ટર ભારતના આર્થિક ઇતિહાસમાં અંકિત રહેશે

Published : 28 December, 2024 08:14 AM | IST | Mumbai
Jayesh Chitalia

જે સંજોગોમાં ડૉ. મનમોહન સિંહની નાણાપ્રધાન તરીકે વરણી થઈ એ હિસાબે તેમને ઍક્સિડેન્ટલ ફાઇનૅન્સ મિનિસ્ટર પણ કહેવા હોય તો કહી શકાય. જોકે તેમની ફાઇનૅન્સ મિનિસ્ટર તરીકેની સરાહનીય ભૂમિકા ભારતના અને વિશ્વના અર્થતંત્રને કાયમ યાદ રહેશે

૧૯૯૧માં ફાઇનૅન્સ મિનિસ્ટર તરીકે પોતાનું પહેલું બજેટ રજૂ કરવા જતા ડૉ. મનમોહન સિંહ

વિશેષ લેખ

૧૯૯૧માં ફાઇનૅન્સ મિનિસ્ટર તરીકે પોતાનું પહેલું બજેટ રજૂ કરવા જતા ડૉ. મનમોહન સિંહ


ભારતીય ઇકૉનૉમિક રિફૉર્મ્સના આર્કિટેક્ટ ડૉ. મનમોહન સિંહને ખરા અર્થમાં યાદ કરવા હોય તો ૧૯૯૦ આસપાસના સમયમાં જવું પડે. ભારત રાજકીય રીતે અસ્થિર અને આર્થિક રીતે ગંભીર કટોકટીમાં આવી ગયું હતું. વિદેશી હૂંડિયામણની તિજોરી ખાલી થઈ ગઈ હતી અને દેશ ઊંચા વિદેશી કરજના બોજ હેઠળ દબાઈ ગયો હતો. રિઝર્વ બૅન્ક પાસે પડેલા સોનામાંથી ૨૦ ટન જેટલું સોનું વિશ્વબજારમાં વેચવાની નોબત આવી હતી. એ સમયે ચંદ્રશેખરના વડા પ્રધાનપદ હેઠળ મિશ્ર સરકાર હતી. એ પછી ચંદ્રશેખર સરકાર તો ગઈ અને કૉન્ગ્રેસ સરકારના વડા પ્રધાનરૂપે પી. વી. નરસિંહ રાવ આવ્યા. તેમણે આવતાંની સાથે જ ઇકૉનૉમિક ક્રાઇસિસનો પડકાર ઝીલવાનો આવ્યો. તેમણે તરત જ એ સમસ્યાઓને હાથ ધરી જેમાંથી જન્મ થયો બિગ બૅન્ગ ઇકૉનૉમિક રિફૉર્મ્સનો, જેના પ્રણેતા બન્યા હતા નરસિંહ રાવ અને ડૉ. મનમોહન સિંહ. આર્થિક કટોકટીમાંથી એ સમયે બહાર નીકળવાનો માર્ગ ભારતના અર્થતંત્રના દરવાજા વિશ્વ માટે ખુલ્લા મૂકવાનો, વિદેશી રોકાણને પ્રવેશ આપવા મુક્ત નીતિ અપનાવવાનો, ઔદ્યોગિક ઉદારીકરણ કરવાનો અને ભારતના અર્થતંત્રને ક્લોઝ્ડ ઇકૉનૉમીમાંથી ઓપન ઇકૉનૉમીની દિશામાં લઈ જવાનો હતો. આજે ૩૪ વર્ષ પછી પણ આ માર્ગ પર ભારત ચાલી રહ્યું છે. આ જ માર્ગ પર ચાલીને ભારત મજબૂત રાષ્ટ્ર બન્યું છે અને વિશ્વમાં પોતાનું આગવું ઊંચું સ્થાન બનાવી શક્યું છે. આ ઊંચી ઇમારતના પાયામાં બે જ નામ લેવાનાં હોય તો એમાંથી એક નામ ડૉ. મનમોહન સિંહનું આવે.


થોડાં વર્ષ પહેલાં જ ડૉ. મનમોહન સિંહને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવેલી ‘ધી ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ફિલ્મ ઘણા લોકોએ જોઈ હશે. આ ફિલ્મમાં તેમના પર ઘણા વ્યંગ થયા, કટાક્ષ થયા, તેમની ગરિમા-સન્માનને ઠેસ પહોંચે એવી ખેદજનક-શરમજનક બાબતો પણ પ્રદર્શિત થઈ. જોકે હાલ આ બાબત પર આપણે ટિપ્પણી કરવી નથી. આ હકીકત જગજાહેર છે. તેઓ પ્રાઇમ મિનિસ્ટર તો ઍક્સિડેન્ટલ બન્યા હતા; પરંતુ ડૉ. મનમોહન સિંહ ફાઇનૅન્સ મિનિસ્ટર રિયલ રહ્યા અને આ પદે તેમણે જે ફાળો ભારતના અર્થતંત્રના વિકાસમાં આપ્યો છે એને ભારત ભૂલી શકશે નહીં, કારણ કે આર્થિક સુધારાના તેઓ જનક અને આર્કિટેક્ટ બન્યા. અલબત્ત, આ માટે તત્કાલીન વડા પ્રધાન નરસિંહ રાવને જશ આપ્યા વિના રહી શકાય નહીં.



ડૉ. મનમોહન સિંહનું નામ બોલાય ત્યારે તેમને વડા પ્રધાન કરતાં નાણાપ્રધાન તરીકે વધુ યાદ કરાય એ સહજ છે. ભારતમાં ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ઇકૉનૉમિક રિફૉર્મ્સનું મહત્તમ શ્રેય ડૉ. મનમોહન સિંહને જાય છે. તેમણે હિન્દુસ્તાન માટે PM અને FM એમ બે ટોચની ભૂમિકા ભજવી, જેમાં નિષ્ફળ વડા પ્રધાન કરતાં સફળ નાણાપ્રધાન તરીકે ભારત તેમને હંમેશાં યાદ રાખશે.


આર્થિક કટોકટીમાં ઉપાય બનીને આગમન

૧૯૯૧માં ભારત આર્થિક કટોકટી જેવી સ્થિતિમાં હતું ત્યારે ડૉ. મનમોહન સિંહ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)માં ચૅરમૅન હતા. એ નિમિત્તે તેઓ વિદેશથી પાછા ફર્યા હતા અને મહિનો હતો જૂન. તેમના નિવાસસ્થાને PM ઑફિસથી એક ફોન આવ્યો હતો, જે એ સમયના વડા પ્રધાન નરસિંહ રાવની ઑફિસના એક અધિકારીએ કર્યો હતો. એમાં ડૉ. મનમોહન સિંહને અર્જન્ટ્લી વડા પ્રધાનને મળવાનું કહેવાયું હતું. બિનરાજકીય કરીઅર ધરાવતા અને એક્સ્ટ્રા-ઑર્ડિનરી એજ્યુકેશન ક્વૉલિફિકેશન ધરાવતા સીધાસાદા ડૉ. મનમોહન સિંહ સમજી શક્યા નહીં હોય; પરંતુ ૨૧ જૂને તેમણે ભારતના નાણાપ્રધાન તરીકે સોગંદ લીધા, જેને ઍક્સિડેન્ટલ ફાઇનૅન્સ મિનિસ્ટર ગણીએ તો પણ એ ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર કરતાં અનેકગણી બહેતર ઘટના હતી.


આપણે ડૉ. મનમોહન સિંહ વિશે વાત કરવી હોય તો તેમણે ફાઇનૅન્સ મિનિસ્ટર તરીકે લીધેલા નિર્ણયોને કે પગલાંઓને યાદ કરવાં રહ્યાં, જેની યાત્રા ૧૯૯૧માં શરૂ થઈ.

ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકૉનૉમીનો યશ

આજની મોદી સરકારના નેતૃત્વ હેઠળ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ઇકૉનૉમી ગણાતી ભારતીય ઇકૉનૉમીની આ સિદ્ધિનો યશ ડૉ. મનમોહન સિંહને પણ આપવો જ જોઈએ. તેમણે ભારતીય અર્થતંત્રને ૧૯૯૧ની બૂરી દશામાંથી બહાર કાઢવાની યશસ્વી કામગીરી બજાવી હતી. એ સમયે ભારતની ફૉરેક્સ રિઝર્વ એટલે કે વિદેશી હૂંડિયામણની અનામત લગભગ તળિયે હતી, વિદેશી કે ગ્લોબલ બૅન્કો ભારતને ધિરાણ આપવા ઉત્સુક નહોતી, ફૉરેન એક્સચેન્જનો પ્રવાહ બહારની તરફ વહી રહ્યો હતો, ફુગાવો ઉર્ફે મોંઘવારીનો દર ભારે બોજ બની ગયો હતો. આવા કપરા અને કટોકટીભર્યા આર્થિક સંજોગોમાં ફાઇનૅન્સ મિનિસ્ટરનો તાજ પહેરવો એ સરળ કામ નહોતું, બલ્કે બહુ મોટો પડકાર અને જવાબદારી હતાં જેને ડૉ. મનમોહન સિંહે બખૂબી હાથ ધરીને એને ઉચ્ચ સફળતા સાથે નિભાવ્યાં હતાં. આમ જ્યારે કહીએ ત્યારે તત્કાલીન વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવને સાથે-સાથે જ ગણવા પડે, કારણ કે નરસિંહ રાવ જ હતા જેમણે ડૉ. મનમોહન સિંહને સુધારા માટે આગળ વધવાની હિંમત અને જબરદસ્ત પ્રેરકબળ આપ્યાં હતાં. કદાચ નરસિંહ રાવ વિના ડૉ. મનમોહન સિંહ આટલા સફળ નાણાપ્રધાન બની શક્યા હોત કે કેમ એ સવાલ કરવો હોય તો થઈ શકે.

મનરેગા, આધાર અને ૨૦૦૮

૨૦૦૪થી ૨૦૧૪ના દાયકામાં આ ફાઇનૅન્સ મિનિસ્ટર કૉન્ગ્રેસ સરકારમાં પ્રાઇમ મિનિસ્ટર બનીને રહ્યા અને તેમના નેતૃત્વમાં રિફૉર્મ્સ ચાલુ જ રહ્યા. એમાં મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટ ગૅરન્ટી ઍક્ટ (MGNREGA - મનરેગા)ની તેમ જ આધાર પ્રોજેક્ટની પહેલ થઈ, જે ફાઇનૅન્શિયલ ઇન્ક્લુઝનની દિશામાં એક મહત્ત્વનું કદમ કહી શકાય. ૨૦૦૮માં ગ્લોબલ ક્રાઇસિસ દરમ્યાન પણ ડૉ. મનમોહન સિંહની કામગીરી ભારત માટે વ્યવહારુ અને બહેતર રહી. જોકે કરુણતા એ રહી કે તેમનો કૉન્ગ્રેસ સરકારે દુરુપયોગ કર્યો, જેનો ભોગ ઉચ્ચસ્તરીય પ્રામાણિક એવા ડૉ. મનમોહન સિંહ બન્યા; પરંતુ પ્રામાણિકતા ખુદ જ્યારે સત્તાના શરણે થઈ જાય તો કેવી ખતા અને હાર પામે છે એનું કડવું ઉદાહરણ બની રહ્યા. તેમના પોતાના વાંક વિના ડૉ. મનમોહન સિંહે ઘણું સહન કરવાનું આવ્યું. બાકી તેમણે બનાવેલા આર્થિક માર્ગ પર આજે ભારત વિકાસની યાત્રામાં આગળ વધી રહ્યું હોવાથી ભારતીય અર્થતંત્ર અને પ્રજાતંત્ર ડૉ. મનમોહન સિંહને કાયમ સારા તેમ જ સદ્ભાવથી યાદ રાખશે. 

ડૉ. મનમોહન સિંહના સમયના બોલ્ડ રિફૉર્મ્સની ઝલક

ફાઇનૅન્સ મિનિસ્ટર ડૉ. મનમોહન સિંહના બોલ્ડ ઇકૉનૉમિક રિફૉર્મ્સમાં જેની ગણના થઈ શકે એવા કેટલાક રિફૉર્મ્સની ઝલક જોઈએ. આમાંથી મોટા ભાગનાં પગલાં જુલાઈ ૧૯૯૧ના બજેટમાં રજૂ થયાં હતાં.

૧. લાઇસન્સરાજની નાબૂદી, ઔદ્યોગિક લાઇસન્સને લગભગ તમામ ૧૮ સેક્ટરમાંથી રદ કરાયાં અને અમલદારશાહીની પકડમાંથી વેપારનું ઉદારીકરણ કરાયું.

૨. ભારતીય અર્થતંત્રના દરવાજા વિશ્વ માટે ખુલ્લા કરાયા અને વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં સીધા વિદેશી રોકાણની પરવાનગી અપાઈ. ગ્લોબલાઇઝેશનની દિશામાં એ સમયનું આ મહત્ત્વનું કદમ કહી શકાય.

૩. રૂપિયાનું ડીવૅલ્યુએશન કરીને એ સમયે ભારતની વેપારતુલાને બૅલૅન્સ કરવાનું કદમ પણ તેમણે ભર્યું હતું, જેનાથી નિકાસને પ્રોત્સાહન પ્રાપ્ત થયું હતું.

૪. ડિસઇન્વેસ્ટમેન્ટ અને પબ્લિક સેક્ટર રિફૉર્મ્સ મારફત ડૉ. મનમોહન સિંહે ચોક્કસ સરકારી કંપનીઓની ઇજારાશાહી દૂર કરાવી અને એમાંથી સરકારનો હિસ્સો ઘટાડ્યો.

૫. વિદેશ-વેપારને સ્પર્ધાત્મક બનાવવા તેમણે નિકાસ પરના અંકુશો હળવા કર્યા અને આયાત પરનો બોજ ઘટાડ્યો.

૬. ફિસ્કલ કૉન્સોલિડેશનનના ભાગરૂપે ડૉ. મનમોહન સિંહે નકામા કહી શકાય એવા સરકારી ખર્ચાઓ ઘટાડવા પર ભાર મૂક્યો અને અર્થતંત્રને સમતોલ બનાવવા પર જોર આપ્યું.

૭. ડૉ. મનમોહન સિંહે સંસ્થાકીય રિફૉર્મ્સની પણ નક્કર પહેલ કરી હતી. તેમણે મૂડીબજારના નિયમન તંત્ર તરીકે SEBI (સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા)ની સ્થાપના કરી અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જની સ્થાપના પણ તેમના સમયમાં જ થઈ.

૮. ૧૯૯૧માં મોંઘવારીનો દર ડબલ ડિજિટ હતો અને એ ગંભીર ચિંતાનો વિષય હતો એ સમયમાં ડૉ. મનમોહન સિંહે સ્ટ્રક્ચરલ રિફૉર્મ્સ મારફત એનું નિયમન કર્યું અને અર્થતંત્રને લાંબા ગાળાની ગ્રોથ સ્ટોરીની ભેટ આપી.

૯. ડૉ. મનમોહન સિંહે દેશના અર્થતંત્રને એક એવું વિરાટ વિઝન આપ્યું જેના પર પછીના દરેક નાણાપ્રધાન ચાલી શક્યા એટલું જ નહીં, એ તમામ નાણાપ્રધાનો અને સરકારનું કામ વધુ સરળ બન્યું. તેમણે ઊભી કરેલી લિગસી યાદગાર બની અને રહેશે.

૧૦. છેલ્લી વાત. આ બધાં પગલાં ભરતી વખતે ડૉ. મનમોહન સિંહે પોતાના પક્ષમાંથી અને ઔદ્યોગિક લૉબીઓ તેમ જ સ્થાપિત હિતો તરફથી ચોક્કસ વિરોધ, વિવાદ, ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો; પણ તેઓ એ સામે જરાય ડગ્યા નહોતા, કેમ કે તેમનો સૌથી મોટો સપોર્ટ પ્રાઇમ મિનિસ્ટર નરસિંહ રાવ હતા.

Whatsapp-channel Whatsapp-channel

28 December, 2024 08:14 AM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK