આ ફ્લુનાં લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો અને નાક બંધ થઈ જવું સામેલ છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
નવી દિલ્હી: કોરોનાની અત્યંત જીવલેણ મહામારી બાદ હવે ફ્લુના કેસ સમગ્ર દેશમાં ખૂબ જોવા મળી રહ્યા છે. એ છે H3N2 ઇન્ફ્લુએન્ઝા વાઇરસ. એને લઈને એઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ)-દિલ્હીના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપતાં કહ્યું કે ‘આ વાઇરસ કોરોનાની જેમ ફેલાઈ રહ્યો છે.
વૃદ્ધો તેમ જ ગંભીર બીમારીનો સામનો કરી રહેલા લોકોએ ખાસ કાળજી રાખવી જોઈશે. આ ફ્લુનાં લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો અને નાક બંધ થઈ જવું સામેલ છે. આ ફ્લુમાં હૉસ્પિટલાઇઝેશનનું પ્રમાણ વધારે નથી. આ વાઇરસ દર વર્ષે આ સમયગાળામાં મ્યુટેટ થયા કરે છે અને એની સામે લોકોની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થયો હોવાને કારણે એના કેસ વધી રહ્યા છે.’
ADVERTISEMENT
તેમણે વધુ જણાવ્યું હતું કે ‘જ્યારે હવામાન બદલાય ત્યારે ઇન્ફ્લુએન્ઝા ફેલાવાની શક્યતા વધારે રહે છે. વળી, હવે લોકો માસ્ક પહેરવાનું ભૂલી ગયા છે. બજારોમાં ભીડ ઊમટી રહી છે. જોકે, બેદરકારી દાખવવામાં આવી રહી છે. જો આપણે ખરેખર ઇન્ફ્લુએન્ઝાથી બચવું હોય તો ભીડવાળી જગ્યાઓએ કાળજી રાખવી જોઈએ. અનેક વર્ષ પહેલાં H1N1 મહામારી હતી. એ વાઇરસ હવે H3N2માં કન્વર્ટ થઈ ગયો છે. વારંવાર હાથ સાફ કરવા જોઈએ.’