કર્ણાટકમાં અનેક લોકોને ઇલેક્ટ્રિસિટી બિલ જોઈને કરન્ટ લાગ્યો, કેટલાક નાગરિકોને માઇનસ ૧૦૦થી લઈને માઇનસ ૫૦૦૦ રૂપિયા સુધીનું બિલ આવ્યું
પ્રતીકાત્મક તસવીર
કર્ણાટકમાં કૉન્ગ્રેસ સરકાર ફ્રીની ગૅરન્ટી આપીને સત્તા પર તો આવી ગઈ છે, પરંતુ ફ્રીની ‘રાહત’ અનેક લોકો માટે આફત બની છે. કૉન્ગ્રેસ સરકારે ૨૦૦ યુનિટ સુધી ફ્રી ઇલેક્ટ્રિસિટી આપવાની જાહેરાત કરી હતી. સ્વાભાવિક રીતે એને લીધે ઇલેક્ટ્રિસિટી બિલ ઓછું આવવું જોઈએ. જોકે એને બદલે ઇલેક્ટ્રિસિટી બિલ્સમાં ખૂબ જ વધારો થયો છે. જેને લીધે લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
એક રિપોર્ટ અનુસાર કેટલાક લોકોને પહેલાં કરતાં ઇલેક્ટ્રિસિટી બિલ ઘટવાને બદલે લગભગ ડબલ થયું છે. જોકે કેટલાકને તો નેગેટિવ બિલ આવ્યું છે.
ADVERTISEMENT
બૅન્ગલોરના હોરમાવુમાં રહેતી પૂજાએ કહ્યું હતું કે ‘પહેલાં મારા ઘરનું ઇલેક્ટ્રિસિટી બિલ ૮૦૦ રૂપિયાની આસપાસ આવતું હતું. જોકે હવે ૧૫૦૦ રૂપિયા આવે છે. મેં તપાસ કરી તો મને કહેવામાં આવ્યું કે આ પહેલાં યુનિટદીઠ રેટ ત્રણ રૂપિયા હતો જે હવે વધીને સાત રૂપિયા થઈ ગયો છે. બૅન્ગલોર ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની લિમિટેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે મારું બિલ સો યુનિટ કરતાં વધારે આવ્યું હોવાને કારણે મારે યુનિટદીઠ સાત રૂપિયાના દરે બિલ ભરવું પડશે.’
પૂર્વ બૅન્ગલોરના સીવી રામાનગરમાં રહેતા રાજીવ સુબ્રમણ્યને કહ્યું હતું કે ‘અત્યારે વારંવાર બત્તી ગૂલ થઈ રહી છે અને એવામાં પાવર-બિલ લગભગ ડબલ થયું છે. આ મહિનાનું બિલ ૨૨૦૦ રૂપિયા આવ્યું છે જે આ વર્ષે જાન્યુઆરીથી જે બિલ આવતું હતું એના કરતાં ઘણું વધારે છે. અમે અધિકારીઓને સવાલ કરીએ છીએ તો એનો યોગ્ય જવાબ મળતો નથી.’
અનેક નાગરિકોને માઇનસ ૧૦૦થી લઈને માઇનસ ૫૦૦૦ રૂપિયા સુધીનું બિલ આવ્યું છે. અધિકારીઓએ એ સૉફ્ટવેર એરર હોવાનું ગણાવ્યું હતું.