ચૂંટણીપંચે જણાવ્યું છે કે એક પણ જિલ્લા કલેક્ટરે અમિત શાહ દ્વારા કૉલ કરીને ધમકાવવામાં આવ્યા હોવા વિશે કોઈ ફરિયાદ કરી નથી
અમિત શાહ
લોકસભા-ચૂંટણીની મતગણતરી પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ૧૫૦ જિલ્લા કલેક્ટરોને ફોન-કૉલ કર્યા હોવાનો દાવો શનિવારે કૉન્ગ્રેસના નેતા જયરામ રમેશે કર્યો હતો. આ આક્ષેપ બાદ ચૂંટણીપંચે આ દાવો કયા આધારે કરવામાં આવ્યો છે એ વિશે કૉન્ગ્રેસનેતા પાસે ખુલાસો માગ્યો છે. હાલ ચૂંટણીના સમયમાં કલેક્ટર જે-તે જિલ્લાના રિટર્નિંગ ઑફિસર હોય છે. મતદાનથી લઈને મતગણતરી સુધીની તમામ જવાબદારી રિટર્નિંગ ઑફિસર હસ્તક હોય છે. ચૂંટણીપંચે જણાવ્યું છે કે એક પણ જિલ્લા કલેક્ટરે અમિત શાહ દ્વારા કૉલ કરીને ધમકાવવામાં આવ્યા હોવા વિશે કોઈ ફરિયાદ કરી નથી. એમ છતાં કૉન્ગ્રેસ વ્યાપક જનહિતને ધ્યાનમાં રાખીને આ વિશે સ્પષ્ટતા કરે એ જરૂરી છે. જયરામ રમેશે શનિવારે કહ્યું હતું કે વિદાય લઈ રહેલા ગૃહમંત્રી શાહ જિલ્લા કલેક્ટરોને કૉલ કરી રહ્યા છે જે દર્શાવે છે કે જીતવા માટે BJP કઈ હદે મરણિયા પ્રયાસો કરે છે.