નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કર્યો આર્થિક સર્વે
આજે બજેટ રજૂ કરતાં પહેલાં ગઈ કાલે દિલ્હીમાં કેન્દ્રીય અને રાજ્યકક્ષાનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ અને પંકજ ચૌધરી તથા તેમની ટીમ
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈ કાલે સંસદમાં આર્થિક સર્વે ૨૦૨૩-’૨૪ રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્રની સ્થિતિ મજબૂત અને સક્ષમ છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪ માટે આર્થિક સર્વે અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૪-’૨૫માં ભારતનો GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ૬.૫થી ૭ ટકા રહેવાનો અંદાજ છે. ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર ૪.૫ ટકા રહેવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪માં વિકાસનો દર ૮.૨ રહેવાનો અંદાજ છે અને સતત ત્રણ ક્વૉર્ટરથી આ દર ૮ ટકાથી વધારે રહ્યો છે. બજેટની ખાધ ૨૦૨૪-’૨૫માં ૦.૭ ટકા ઘટીને ૫.૧ ટકા રહેવાનું અનુમાન ઇકૉનૉમિક સર્વેમાં કરવામાં આવ્યું છે.
નાણામંત્રાલયના આર્થિક મામલાનો વિભાગ દર વર્ષે કેન્દ્રીય બજેટ પહેલાં સંસદમાં ઇકૉનૉમિક સર્વે રજૂ કરે છે. આ સર્વે છેલ્લા ૧૨ મહિનામાં ભારતીય અર્થવ્યવસ્થામાં થયેલા વિકાસનો રિવ્યુ હોય છે.
ADVERTISEMENT
આર્થિક સર્વે રજૂ કરતાં ગઈ કાલે તેમણે કહ્યું હતું કે ‘ભારતીય અર્થવ્યવસ્થા મહામારીમાંથી ઝડપથી બહાર આવી છે. ભારતીય અર્થવ્યવસ્થા ભૌગોલિક રાજકીય પડકારોનો સામનો કરવા માટે સ્થિતિસ્થાપકતા દર્શાવી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૪માં GDP કોરોના સમયગાળા કરતાં ૨૦ ટકા વધારે છે. ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડે અનુમાન લગાવ્યું છે કે ૨૦૨૪માં વૈશ્વિક અર્થવ્યવસ્થા ૩.૨ ટકા વધશે અને ભારતનો GDP ૬.૫થી ૭ ટકા વધશે.
એમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત ગૅસ-સિલિન્ડરોની કિંમતમાં ઘટાડો કરતાં મોંઘવારી ઘટી છે.
આર્થિક સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વધતી જતી જરૂરિયાતોને પૂરી કરવા માટે દર વર્ષે ૭૮.૫ લાખ નોકરીઓ પેદા કરવાની જરૂર છે. દેશમાં ૬૫ ટકા વસ્તીની ઉંમર ૩૫ વર્ષથી ઓછી છે છતાં ઘણા લોકો પાસે આવશ્યક સ્કિલનો અભાવ છે.
કૃષિક્ષેત્રે ખરાબ મોસમ, જળાશયોમાં પાણીનું ઘટતું સ્તર અને પાકને નુકસાન જેવા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આની અસર કૃષિઉત્પાદન અને ખાધની કિંમત પર પડી હતી. ૨૦૨૩માં આ દર ૬.૬ ટકા હતો જે ૨૦૨૪માં વધીને ૭.૫ ટકા થયો હતો.
પીએમ સૂર્ય ઘર યોજનામાં ૩૦ ગીગાવૉટ સોલર ક્ષમતાને જોડવાની કોશિશ કરવામાં આવી રહી છે અને એનાથી ૧૭ લાખ નવી નોકરીઓ ઊભી થવાની ધારણા છે. આ યોજના ફેબ્રુઆરીમાં ૭૫,૦૨૧ કરોડ રૂપિયાના બજેટથી શરૂ કરવામાં આવી હતી.