ગરમીને કારણે દિલ્હીમાં પાણીની માગણીમાં વધારો થયો છે એટલે દેશના પાટનગરની પાણીની માગણીને સંતોષવાની જવાબદારી સૌ કોઈની છે.
પાણીની શૉર્ટેજ
દિલ્હીમાં એક તરફ ભારે ગરમી પડી રહી છે એની સાથોસાથ પાણીની પણ શૉર્ટેજ હોવાથી દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને હરિયાણા, ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાંથી વધારાનો પાણીપુરવઠો પૂરો પાડવાની માગણી કરી છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે ગરમીને કારણે દિલ્હીમાં પાણીની માગણીમાં વધારો થયો છે એટલે દેશના પાટનગરની પાણીની માગણીને સંતોષવાની જવાબદારી સૌ કોઈની છે.
દિલ્હીની મિનિસ્ટર આતિશીએ પણ કેન્દ્ર સરકારના પાણીપ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતને લખેલા પત્રમાં દાવો કર્યો છે કે દિલ્હીને દૈનિક પાણીના પુરવઠા માટે યમુના નદીના પાણી પર આધારિત રહેવું પડે છે. હરિયાણા પૂરતા પ્રમાણમાં યમુના નદીનું પાણી રિલીઝ કરતું નથી. ગરમી પણ ૫૦ ડિગ્રી સેલ્સિયસને પાર ગઈ છે એટલે અમને વધારે પાણીપુરવઠો પૂરો પાડવામાં આવે.
દિલ્હીમાં ચાણક્યપુરીના સંજય કૅમ્પ અને ગીતા કૉલોનીમાં પાણીની શૉર્ટેજ છે. પાણી માટે લોકોને ટૅન્કરો સામે લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડે છે, જ્યાં એક બાલદી પાણી પણ મુશ્કેલથી મળે છે. પાણીના વેડફાટ માટે કેજરીવાલ સરકારે ગયા બુધવારે ૨૦૦૦ રૂપિયાનો દંડ નિર્ધારિત કર્યો છે અને આ નિયમ બરાબર લાગુ થાય એ જોવા ૨૦૦ ટીમોની નિયુક્તિ કરી છે.