દિલ્હી અને મણિપુરમાં બેઠકો થઈ અને થશે. ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી, મણિપુરમાં શાંતિ સમિતિ યોજાઈ;
પ્રતીકાત્મક તસવીર
મણિપુર અશાંત છે, રોજેરોજ હત્યાઓ થાય છે; ગામડાંઓ પર હુમલા, આગ અને લૂંટફાટ. સૈન્ય બોલાવવું પડ્યું, સંચારબંધી લાગુ પાડવામાં આવી, ઇન્ટરનેટ બંધ કરાયું; પણ હિંસા અટકવાનું નામ લેતી નથી. દિલ્હી અને મણિપુરમાં બેઠકો થઈ અને થશે. ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી, મણિપુરમાં શાંતિ સમિતિ યોજાઈ; પણ આ નાનકડા પ્રદેશમાં વર્તમાન ઊહાપોહ અને સંઘર્ષ ઉપરછલ્લો નથી લાગતો, એનાં મૂળ ઘણાં ઊંડાં છે. અત્યારે ત્યાં બીજેપીની સરકાર છે એટલે વિરોધીઓને હથિયાર મળી ગયું છે, પણ અફીણના આતંક અને અલગાવવાદી છોડ તો ઘણા જૂના છે. ૧૯૮૩માં હું ઈશાન ભારતની સમસ્યાઓ જાણવા ગયો ત્યારે મણિપુરની મુલાકાત પણ લીધી હતી. એ બીજી વારની મુલાકાત હતી. આ પ્રદેશ તો આપણી શાસ્ત્રીય નૃત્ય પરંપરાની ભૂમિ છે. મણિપુરી નૃત્ય સમગ્ર ભારતનું બની ગયું છે. વૈષ્ણવભક્તિથી રંગાયેલી પ્રજા, પણ મૈતેયી વનવાસી પ્રજા. એની ગરીબી પર ધ્યાન આપ્યું નહીં એટલે પીએલએ (પીપલ્સ લિબરેશન આર્મી) સ્થાપવામાં આવી. છેક લ્હાસામાં તાલીમ અપાઈ. એનો નેતા બિશેશ્વર હતો, એક વાર પકડાયો અને ઇમ્ફાલની જેલમાંથી ભાગી જવામાં સફળ રહ્યો. ૧૯૭૮માં અહીં રાષ્ટ્રપતિશાસન આવ્યું ત્યારે ચાર જૂથ સક્રિય હતાં; રિવૉલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ, પીપલ્સ લિબરેશન આર્મી, પીપલ્સ રિવૉલ્યુશનરી પાર્ટી ઑફ કાંગલીપૅક અને ધ રેડ પાર્ટી - આ સંગઠનોને કોઈ ને કોઈની મદદ મળતી હતી; ચીની માઓ ટોળીની, ઈસાઈ જૂથની, બર્માના હટિંગ્યા મુસ્લિમોની. સીપીએમ મૈતેયી જાતિને ભડકાવવાનું કામ કરતી હતી, એ બૂમરૅન્ગ સાબિત થઈ. એ પક્ષની વિરુદ્ધમાં ગઈ. આજે બીજેપીને એ સમુદાયનો ટેકો છે અને મુખ્ય પ્રધાન બીરેન સિંહ પણ એ જનજાતિમાંથી આવ્યા છે. પીએલએની આખી પદ્ધતિ માઓવાદી છે. એ વર્ષોમાં એની એક પત્રિકા ‘ડૉન’ નામે પ્રકાશિત થતી હતી. હવે આંતરિક ફાટફૂટથી બંધ થઈ છે. એમાં લખવામાં આવતું કે ચાલો, આપણે દિલ્હી (અર્થાત્ દેશથી)થી મુક્ત થઈએ. એને માટે નાગ અને કુકી બન્ને એકઠા કરીએ. ત્રિપુરામાં સામ્યવાદી સરકારે ભાગલાવાદી નીતિ અપનાવી એ તેમને ડુબાડી દેવામાં નિમિત્ત બની.
હાલનો સંઘર્ષ દેખીતી રીતે તો કુકી અને મૈતેયી વચ્ચેનો છે, પણ એની પાછળ બીજાં ઘણાં પરિબળો છે. એક તો અફીણની ખેતી કરનારાઓ છે, બીજી ચાર ઉગ્રવાદી સંસ્થાઓ છે જેનાં નામ છે ઃ યુનાઇટેડ નૅશનલ ફ્રન્ટ (યુએનએલએફ), પીપલ્સ લિબરેશન આર્મી ઑફ મણિપુર (પીએલએએમ) કાંગલી યાઓલ કન્ના લુપ (કેવાયકેએલ) અને પીપલ્સ રિવૉલ્યુશનરી પાર્ટી ઑફ કાંગલીપૅક. અત્યારે કુકી ગામડાંઓ પર આ લોકો હુમલા કરે છે. ત્રીજી મેથી તેમની હિંસક પ્રવૃત્તિ શરૂ થઈ છે. ૨૦ જૂને ૫૧ એમએમ મોર્ટાર સહિતનાં શસ્ત્રો સેનાના જવાનોએ પકડી પાડ્યાં હતાં. કેટલાક ઉગ્રવાદીઓ અને શસ્ત્રો પણ પકડાયાં છે. ઇમ્ફાલ પૂર્વમાં આ તત્ત્વોને પકડવા ગયા ત્યારે સ્ત્રીઓએ ઉગ્રવાદીઓને બચાવી લીધા હતા.
વડા પ્રધાને પીડિત છાવણીમાં રાહતકાર્યના નિર્દેશ આપ્યા છે, પણ રોજેરોજ હિંસાના બનાવો તરાહ બદલે છે. ઈશાન ભારતમાં બીજેપીનો પ્રવેશ અને સત્તાપ્રાપ્તિ સામે વિરોધ પક્ષો અને સરહદ પારનાં પરિબળો છે. ઉપરાંત અહીં મોટા પાયે અફીણની ખેતી થાય છે એનાં સ્થાપિત હિતો પણ પોતાનો દબદબો રહે એવું ઇચ્છે છે. અહીંની મૂળ નિવાસી મૈતેયી છે, પણ પછી અહીંના રાજાઓએ યુદ્ધ જીતવા માટે કુકી અને રોહિંગ્યાને બોલાવ્યા. કુકી સ્થાયી થઈ ગયા. મૈતેયી પહાડ છોડીને મેદાની પ્રદેશમાં આવીને વસ્યા. પહાડો પર અફીણની ખેતી શરૂ થઈ એમાં રોહિંગ્યા અને કુકીને ફાવી ગયું. ૧૯૮૧માં ઇન્દિરાજી વડાં પ્રધાન હતાં ત્યારે અહી હિંસામાં ૧૦,૦૦૦ મૈતેયીને મારી નાખવામાં આવ્યા હતા એટલે સેના મોકલવી પડી. શાંતિ-કરાર થયા, પણ તકલાદી નીવડ્યા. આતંકવાદીઓને આ અફીણના ઉત્પાદન સાથે જોડાયેલા લોકો મદદ કરે છે. ૨૦૦૮માં ફરી પાછી હિંસા ભડકી ત્યારે કેન્દ્ર સરકારે એક સમજૂતી કરી અને અફીણની ખેતી કાનૂની થઈ. તાજેતરમાં અફીણની ખેતી પર સરકારે પગલાં લીધાં એ પણ આ ઊહાપોહ અને વિરોધનું એક મુખ્ય કારણ છે. મૈતેયી જનજાતિ એસટી વર્ગમાં હતી, પણ કૉન્ગ્રેસ સરકારે એની આ અનામત સગવડો બંધ કરી અને કુકીને આપી. ધર્માંતરિત કુકીને પણ આ સગવડ મળી. મૈતેયી પ્રજાએ અદાલતના દરવાજા ખટખટાવ્યા. ૨૦૨૩માં ન્યાયાલયે તેમની માગણી મંજૂર કરી એટલે સરકારે એને એસટી વર્ગમાં સામેલ કરી દીધા.
આમ મણિપુરની સમસ્યા જટિલ થઈ ગઈ છે. ઈશાન ભારતના અન્ય વિસ્તારોની જેમ અહીં પણ વર્ષોથી ઈસાઈ મિશનરીઓએ જનજાતિઓને ધર્માંતરિત કરી એનાં ઘાતક પરિણામ રાષ્ટ્રીયતા સામે આવ્યાં છે. અત્યારના મુખ્ય પ્રધાન જો પગલાં લેવામાં નબળા પુરવાર થયા હોય તો તેમને બદલી નાખવામાં આવે અને બીજા શક્તિશાળીને મૂકવામાં આવે. દેશઆખો મણિપુર અને એની પ્રજાની શાંતિ અને વિકાસ ચાહે છે.