મહત્ત્વનો સવાલ એ છે કે અત્યારે જે રીતે જુદા-જુદા પક્ષોના મોભીઓ અને કાર્યકરો બીજેપીમાં જઈ રહ્યા છે અથવા તો એનડીએમાં ફરી વાર જોડાઈ રહ્યા છે એનું કારણ શું?
અશોક ચવાણ
મહારાષ્ટ્રમાં એક સામેના મુખ્ય પ્રધાન અશોક ચવાણે કૉન્ગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું. અહીં ઘરઆંગણે ગુજરાતમાં ધારાસભ્ય ડૉ. સી. જે. ચાવડાએ કૉન્ગ્રેસ છોડી અને બીજેપીનો ખેશ ધારણ કર્યો. એ પહેલાં આમ આદમી, અપક્ષ અને કૉન્ગ્રેસના કેટલાક નેતાઓએ પણ એવું જ કર્યું. ઉત્તર પ્રદેશમાં પ્રમોદ રંજન એક આદરપાત્ર સાધુ ગણાય છે, કૉન્ગ્રેસમાંથી બે વાર ચૂંટણી લડ્યા હતા, હારી ગયેલા; પણ ટીવી-ચૅનલો પર કૉન્ગ્રેસ, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની મજબૂત તરફેણ માટે પંકાતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સનાતન ધર્મ પરની કૉન્ગ્રેસમાં થતી ટીકા અને રામજન્મભૂમિ પ્રતિષ્ઠાના મુદ્દે કૉન્ગ્રેસની વર્તણૂક તેમણે જાહેરમાં વખોડી હતી. મંદિર પ્રતિષ્ઠાનું આમંત્રણ રાહુલ સહિત સૌ નેતાઓએ સ્વીકારવું જોઈતું હતું એવું કહેનાર તેઓ એકમાત્ર કૉન્ગ્રેસી નેતા હતા, પણ સર્વોચ્ચ નેતાગીરીએ તેમની ઉપેક્ષા કરી. હવે નીતીશ કુમાર બીજેપીમાં ગયા એ ઘટનાને કૉન્ગ્રેસના અંતિમ સંસ્કાર જેવી ઘટના કહી ત્યારે કૉન્ગ્રેસે તેમને ૬ વર્ષ સુધી બરતરફ કર્યા છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળીને આવ્યા ત્યારે કહ્યું કે રાહુલ ગાંધી મુલાકાત આપતા નથી, પણ વડા પ્રધાન આટલા વ્યસ્ત હોવા છતાં મળી શકે છે!
દરમ્યાન ઉત્તર પ્રદેશ-હરિયાણાની ચૌધરી ચરણ સિંહની પાર્ટીની ત્રીજી પેઢીના જયંત ચૌધરી પણ અખિલેશ યાદવથી ફંટાઈ ગયા અને એનડીએમાં ગયા. યાદ રહે કે ૧૯૭૭માં કૉન્ગ્રેસ અને ઇન્દિરા ગાંધીની ખિલાફ જનતા પક્ષ રચાયો એમાં ચૌધરી ચરણ સિંહનું લોકદળ સામેલ હતું અને ૧૯૭૭ની લોકસભાની ચૂંટણી જનસંઘ, સંસ્થા કૉન્ગ્રેસ, સમાજવાદી સૌ તેમના ચૂંટણી-પ્રતીક પર લડ્યાં હતાં અને ભારતના જાહેર જીવનમાં પહેલી વાર કૉન્ગ્રેસે કેન્દ્રમાં પરાસ્ત થવું પડ્યું હતું. એ વળી બીજી વિડંબના છે કે જનતા પક્ષ વિજયી થયો અને જયપ્રકાશ નારાયણની સલાહથી મોરારજી દેસાઈ વડા પ્રધાન થયા ત્યારે બીજા બે દાવેદારો જગજીવનરામ અને ચરણ સિંહ ભારે નારાજ થયા હતા. ચરણ સિંહે બળવો કર્યો અને કૉન્ગ્રેસના ટેકાથી સરકાર રચી હતી. એવું જ યંગ ટર્ક તરીકે કૉન્ગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા અને જનતા પક્ષ સંગઠનના પ્રમુખ બનેલા ચંદ્રશેખરે પણ દાવ અજમાવ્યો. રાજીવ ગાંધીની કૉન્ગ્રેસે ટેકો આપ્યો, જેલવાસી ઇન્દિરાજીને ફૂલહાર કરવા રાજનારાયણ દોડી ગયા, મધુ લિમયેએ પક્ષ અને આરએસએસ એમ બેવડા સભ્યપદનો વાંધો ઉઠાવ્યો. આ કમઠાણથી જેપી રચિત પક્ષની આબરૂ ધૂળધાણી થઈ ગઈ. શરૂઆતથી પક્ષોની એકતા માટે સક્રિય ભારતીય જન સંઘે છેડો ફાડવો પડ્યો અને નવો પક્ષ ભારતીય જનતા પાર્ટી રચ્યો. ઘણે મોડે ભારતીય મતદારે એને વધાવ્યો અને પહેલાં એનડીએ તરીકે અને પછી સંપૂર્ણ બહુમત સાથે શાસન માટે સ્વીકાર્યો.
ADVERTISEMENT
આજે ભૂતપૂર્વ એનડીએના કેટલાક ઘટકો એની સાથે છે અને કેટલાક નથી. જ્યૉર્જ ફર્નાન્ડિસ સાથે સમતા પક્ષ વાજપેયી સરકારમાં હતો. નીતીશ કુમાર રેલવેપ્રધાન બન્યા હતા. થોડા સમય માટે વિખૂટા પડ્યા, બિહાર સરકાર રચી, પણ બીમાર અને આરોપી લાલુપ્રસાદ તો પોતાના પુત્રને ગાદી પર બેસાડવા માગતા હતા અને નીતીશ ઇન્ડિયા ગઠબંધનમાં સક્રિય બને એવું ઇચ્છતા હતા. ભાવિ વડા પ્રધાન બને એવો દાવ પણ ફેંક્યો, કેમ કે લાલુ જાણતા હતા કે મોદીની તુલનામાં તેમને એવી સફળતા મળવાની નથી. કૉન્ગ્રેસને નીતીશ સર્વેસર્વા બને એ પસંદ નહોતું. ‘મૂળ તો આ બધા રામ મનોહર લોહિયાના ચેલાઓ છે, જેઓ જીવનભર કૉન્ગ્રેસના કટ્ટર વિરોધી રહ્યા છે...’ આ વિધાન કૉન્ગ્રેસના નેતાનું છે અને એ સાચું પણ છે. એટલે નીતીશ એનડીએમાં ગયા એનાથી સૌથી વધુ સુખી કૉન્ગ્રેસ છે. તેજસ્વીને સરકાર રચવાની તક મળી હોત તો એને બીજેપીની હાર માનીને કૉન્ગ્રેસ રાજી થઈ હોત, પણ એ યાદ રાખવા જેવું છે કે કૉન્ગ્રેસને વધુ ખુશી તો ત્યારે થાય જ્યારે પોતે શાસન કરે. બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ એવા પ્રદેશો છે જ્યાં બીજેપી ઉપરાંત આમ આદમી પાર્ટી, સમાજવાદી, બહુજન સમાજ જેવા પ્રાદેશિક પક્ષો પણ નડતરરૂપ છે. બંગાળમાં મમતા બૅનરજીનો પક્ષ તૃણમૂલ પક્ષ આમ તો કૉન્ગ્રેસનો જ એક ફાંટો છે, પણ દક્ષિણમાં બાંગરપ્પા સહિત કેટલાક જેમ અલગ કૉન્ગ્રેસ બનાવ્યા પછી વળી પાછા કૉન્ગ્રેસમાં જોડાઈ ગયા હતા એવું તૃણમૂલે નથી કર્યું. એનું એક કારણ મમતા બૅનરજીનું ‘શક્તિ સ્વરૂપ’ છે, તેઓ કૉન્ગ્રેસમાં સોનિયા કે પ્રિયંકા જેવા મહિલા નેતૃત્વની નીચે કઈ રીતે કામ કરે? રાજકારણમાં અહમ્ પણ એક મોટું પરિબળ છે એનો અભ્યાસ હજી થયો નથી.
મહત્ત્વનો સવાલ એ છે કે અત્યારે જે રીતે જુદા-જુદા પક્ષોના મોભીઓ અને કાર્યકરો બીજેપીમાં જઈ રહ્યા છે અથવા તો એનડીએમાં ફરી વાર જોડાઈ રહ્યા છે એનું કારણ શું? શું ભારતીય રાજકારણ કરવટ બદલી રહ્યું છે? શું ૧૯૫૦ પછી જે રીતે કૉન્ગ્રેસનો દબદબો હતો અને વિપક્ષ નબળી હાલત ધરાવતો હતો એવું બની રહ્યું છે? શું બીજેપીમાં આવનારાઓનો ઇરાદો રાષ્ટ્રવાદી રાજનીતિ માટેનો છે? શું તેઓ માત્ર સત્તાના સિમેન્ટ બનીને આવ્યા છે? શું તેઓ મોદી-નેતૃત્વને પસંદ કરીને હૃદયથી સ્વીકાર કરીને જોડાઈ રહ્યા છે? છે શું?
જવાબ આંશિક તો મળી શકે, પણ એમ ક્રિયા પ્રતિક્રિયા જ વધુ હશે. કૉન્ગ્રેસ અને એના તરફદારો તો કહેવાના કે બીજેપી જુદા-જુદા ડર બતાવીને લઈ જાય છે. ઈડી સીબીઆઇ વગેરેનો ઉપયોગ કરે છે. ધારો કે એવું હોય તો પણ એ તો ખરુંને કે તેઓ કૉન્ગ્રેસમાં હતા કે બીજે, તેમનાં આર્થિક પરાક્રમો તો હતાંને? એટલે આ પરિવર્તનની રાજનીતિનો અંદાજ ૨૦૨૪ની ચૂંટણી પછી પણ તરત મળી શકે એવું માનશો નહીં.

