૨૧ ગનની સલામી સાથે ભૂતપૂર્વ વડા પ્રધાનને આપવામાં આવી વિદાય, નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન; પછી રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે...સરકારે અપમાન કર્યું ડૉ. મનમોહન સિંહનું
ગઈ કાલે નિગમબોધ ઘાટ પર ડૉ. મનમોહન સિંહને સૅલ્યુટ કરીને વિદાય આપતા રાહુલ ગાંધી
કી હાઇલાઇટ્સ
- કૉન્ગ્રેસ નેતાએ કહ્યું, એવી જગ્યાએ અગ્નિદાહ આપવો જોઈતો હતો જ્યાં ભવિષ્યમાં સ્મારક બની શકે
- કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી કે સ્મારક બનાવવાનો નિર્ણય લેવાયો છે
- ટ્રસ્ટ આ માટે સ્થળની પસંદગી કરશે : કેન્દ્ર સરકાર
દિલ્હીના નિગમબોધ ઘાટ પર ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરાવીને કેન્દ્ર સરકારે આ મહાન નેતા અને અર્થશાસ્ત્રીનું અપમાન કર્યું છે એવો આરોપ કૉન્ગ્રેસે લગાવ્યો છે. ડૉ. મનમોહન સિંહની પ્રતિભા જોતાં તેમના માટે સ્મારક બનાવવું જોઈએ અને તેમના અંતિમ સંસ્કાર એવા સ્થળે કરવામાં આવવા જોઈતા હતા જ્યાં ભવિષ્યમાં સ્મારક બનાવવામાં આવે એમ કૉન્ગ્રેસે જણાવ્યું હતું. જોકે આ મુદ્દે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે સ્મારક બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જગ્યાની પસંદગી કરવા માટે ટૂંક સમયમાં ટ્રસ્ટની રચના કરવામાં આવશે.
ADVERTISEMENT
આ મુદ્દે કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયામાં મૂકેલી પોસ્ટમાં કહ્યું હતું કે ‘દેશના મહાન સપૂત અને સિખ સમુદાયના પહેલા વડા પ્રધાનના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરાવીને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વવાળી સરકારે તેમનું ઘોર અપમાન કર્યું છે. તેઓ દસ વર્ષ માટે દેશના વડા પ્રધાન હતા અને તેમના સમયગાળા દરમ્યાન દેશ આર્થિક રીતે સુપરપાવર બન્યો હતો. તેમની નીતિઓ આજે પણ ગરીબ અને બૅકવર્ડ ક્લાસના લોકો માટે સપોર્ટ-સિસ્ટમ છે. આજ સુધી તમામ ભૂતપૂર્વ વડા પ્રધાનોના અંતિમ સંસ્કાર ચોક્કસ સ્થળે કરવામાં આવે છે જ્યાં લોકો કોઈ પણ અડચણ વિના તેમના અંતિમ દર્શન કરી શકે અને પછી ત્યાં સમાધિસ્થળ બાંધવામાં આવે. ડૉ. મનમોહન સિંહને આવું માન મળવું જ જોઈએ.’
અંતિમ સંસ્કાર માટે યોગ્ય સ્થળની ફાળવણી નહીં કરીને કેન્દ્ર સરકારે ભૂતપૂર્વ વડા પ્રધાન, તેમની પર્સનાલિટી અને સિખ સમુદાયનું અપમાન કર્યું છે. ડૉ. મનમોહન સિંહ માટે પણ સમાધિસ્થળ હોવું જોઈએ. આજે આખી દુનિયા તેમને યાદ કરે છે. મેં જોયું કે અંતિમ સંસ્કાર સ્થળ પર ડૉ. સિંહના પરિવારજનોને પણ તકલીફ પડી રહી હતી. જગ્યાના અભાવે લોકો રોડ પર ઊભા રહીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા. - પ્રિયંકા ગાંધી વાડ્રા