પોતાના સમર્થકોને રાહુલ ગાંધીની અપીલ
રાહુલ ગાંધી
અમેઠીમાં પરાજય બાદ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ લુટિયન્સ દિલ્હીનો સરકારી બંગલો ખાલી કરી દીધો છે અને એ સંબંધમાં સોશ્યલ મીડિયા પર અનેક લોકોએ ટિપ્પણી કરી છે. એવામાં કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કૉન્ગ્રેસના કાર્યકરોને સ્મૃતિ ઈરાનીનું અપમાન નહીં કરવાની તાકીદ કરી છે. અમેઠીમાં સ્મૃતિ ઈરાની કૉન્ગ્રેસના સ્થાનિક નેતા કિશોરીલાલ શર્મા સામે પરાજિત થયાં હતાં.
રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયામાં ઍક્સ હૅન્ડલ પર લખ્યું હતું કે ‘જીવનમાં હાર-જીત થતી રહે છે. હું સૌકોઈને આગ્રહ કરું છું કે તેમણે શ્રીમતી સ્મૃતિ ઈરાની અથવા અન્ય કોઈ નેતા પ્રત્યે અપમાનજનક ભાષાનો પ્રયોગ કરવા અને ખરાબ વ્યવહાર કરવાથી બચવું જોઈએ. લોકોને ઉતારી પાડવા અને તેમનું અપમાન કરવું એ કમજોરીની નિશાની છે, તાકાત નથી.’