ભારતમાં ત્રીજો ડોઝ મેળવવાને પાત્ર લોકોમાંથી માત્ર ૨૭થી ૨૮ ટકાએ જ ત્રીજો ડોઝ મેળવ્યો છે
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : કોરોનાનો ખતરો વધી રહ્યો છે એમ બૂસ્ટર ડોઝ પર ફરી ફોકસ ગયું છે. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી. કે. પૉલે લોકોને ત્રીજો ડોઝ મેળવવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતમાં ત્રીજો ડોઝ મેળવવાને પાત્ર લોકોમાંથી માત્ર ૨૭થી ૨૮ ટકાએ જ ત્રીજો ડોઝ મેળવ્યો છે.
જોકે સવાલ એ છે કે શું એ પૂરતો રહેશે? અને જે લોકોએ મહિનાઓ પહેલાં પ્રિકૉશનરી ડોઝ મેળવી લીધો છે તેમણે શું કરવું જોઈએ? ૧૨ વર્ષથી વધુ વયના મોટા ભાગના લોકોએ પહેલાં બે ડોઝ મેળવી લીધા છે. જોકે તેમણે પ્રિકૉશનરી ડોઝ મેળવ્યો નથી. જોકે સતત મ્યુટેટ થઈ રહેલા આ વાઇરસથી બચવા માટે વધારાના ડોઝની જરૂર છે.
ADVERTISEMENT
એક્સપર્ટ્સ શું કહે છે?
એઇમ્સના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે ‘ચોથા ડોઝની જરૂર હોવાની વાત પર ભાર મૂકતો કોઈ ડેટા નથી. માત્ર ત્રીજો ડોઝ લેવાની જ જરૂર છે.’
કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બર ડૉ. રાજીવ જયદેવને કહ્યું હતું કે ‘બૂસ્ટર ડોઝનો પ્રૉબ્લેમ એ છે કે એની અસરકારકતા ટૂંકા સમયગાળા માટે જ હોય છે.’
અનેક હેલ્થ એક્સપર્ટ્સ જણાવે છે કે ગંભીર રીતે બીમાર વ્યક્તિઓ અને વૃદ્ધો સહિત જેમને સૌથી વધુ જોખમ હોય એવા લોકોને જ બૂસ્ટર ડોઝ આપવો જોઈએ. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાના ફાઉન્ડર (ભૂતપૂર્વ) પ્રેસિડન્ટ અને પ્રોફેસર કે શ્રીનાથ રેડ્ડીએ કહ્યું હતું કે ‘દરેકને બૂસ્ટર ડોઝ આપવાની જરૂર નથી, સિવાય કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય.’
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને આ પહેલાં જણાવ્યું હતું કે ‘ડબ્લ્યુએચઓએ ચોથા ડોઝ માટે ઑફિશ્યલ ભલામણ કરી નથી. અત્યારના તબક્કે તો એનાથી લાભ જ થશે એવો કોઈ નક્કર પુરાવો નથી.’
22.21
આટલા કરોડ પ્રિકૉશનરી ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.
102.71
આટલા કરોડ પ્રથમ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.
95.10
આટલા કરોડ સેકન્ડ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે.