સુપ્રીમ કોર્ટે આ મામલે બનાવી પાંચ જજોની નવી બંધારણીય બેન્ચ
સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી ઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે એ દેશના મુસ્લિમોમાં બહુપત્નીત્વ અને નિકાહ-હલાલાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણી માટે પાંચ જજોની નવી બંધારણીય બેન્ચની રચના કરશે. વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા કરવામાં આવેલી જનહિતની અરજીની સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું હતું કે ‘આ મામલે અલગ બેન્ચ બનાવવામાં આવશે. અગાઉ માનવાધિકાર પંચ, મહિલા આયોગ અને રાષ્ટ્રીય લઘુમતી પંચને આ મામલે પક્ષકાર બનાવીને તેમની પ્રતિક્રિયાઓ પણ માગવામાં આવી હતી. વકીલે કરેલી જનહિતની અરજીમાં બહુપત્નીત્વ અને નિકાહ-હલાલાને ગેરબંધારણીય જાહેર કરવાની માગણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે નિકાહ-હલાલા તો આઇપીસીની કલમ મુજબ બળાત્કારનો ગુનો બને છે. તો બહુપત્નીત્વ પણ કલમ ૪૯૪ અંતર્ગત (પતિ અથવા પત્ની જીવિત હોય ત્યારે ફરીથી લગ્ન) હેઠળ ગુનો બને છે.
સુપ્રીમ કોર્ટે ૨૦૧૭ની ૨૨ ઑગસ્ટના રોજ ટ્રિપલ તલાકની પ્રથા પર પ્રતિબંધ મૂક્યો હતો, તો ૨૦૧૮ની ૨૬ માર્ચે બહુપત્નીત્વની માન્યતાને પડકારતી અરજીઓને નિકાલ માટે મોટી બેન્ચનો સંદર્ભ આપવાનો નિર્ણય લીધો હતો. બહુપત્નીતવ અંતર્ગત મુસ્લિમોને ચાર પત્નીઓ રાખવાની મંજૂરી આપે છે તો નિકાહ-હલાલા એક એવી પ્રક્રિયા છે જેમાં પહેલા પતિ સાથેથી છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાએ પહેલાં અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરવા પડે છે. ત્યાર બાદ બીજા પતિથી છૂટાછેડા લે તો જ એ ફરીથી પોતાના પહેલા પતિ સાથે લગ્ન કરી શકે.
સમીના બેગમ નામની એક મહિલાએ અરજીમાં કહ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લો અંતર્ગત મુસ્લિમ મહિલા જો તેનો પતિ બીજાં લગ્ન કરે તો પણ તેના પતિ સામે ફરિયાદ કરી શકતી નથી. અન્ય એક અરજીમાં રાણી ઉર્ફે શબનમે કહ્યું હતું કે મારા પતિએ બીજાં લગ્ન બાદ મને મારાં ત્રણ બાળકો સહિત ઘરમાંથી કાઢી મૂકી હતી. તેણે પણ બહુપત્નીત્વ અને નિકાહ-હલાલાની પ્રથાને ગેરબંધારણીય જાહેર કરવાની માગણી કરી હતી. ભારતમાં અન્ય ધર્મની મહિલાઓને કાયદાના આધારે જે રક્ષણ મળે છે એ મુસ્લિમ મહિલાઓને મળતું નથી.