GRAP-4 નિયંત્રણ લગાવી દેવાથી કન્સ્ટ્રક્શન કામ બંધ; રીટેલ, વેડિંગ અને ટૂરિઝમ ઉદ્યોગને પણ પારાવાર નુકસાન
દિલ્હીની હવા ગંભીરમાંથી અતિ ગંભીર બનતાં લોકો ઘરોમાંથી બહાર નીકળતા નથી
દિલ્હીમાં હવાનું પ્રદૂષણ માત્ર સ્વાસ્થ્યને જ અસરકર્તા નથી, બિઝનેસ અને અર્થતંત્રને પણ ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. પ્રદૂષણને રોકવા માટે GRAP-4 (ગ્રેડેડ રિસ્પૉન્સ ઍક્શન પ્લાન)નું અમલીકરણ કરવામાં આવ્યું છે અને નૅશનલ કૅપિટલ રીજન (NCR)માં ઘણા બિઝનેસ ઠપ થઈ ગયા છે. કમર્શિયલ વાહનોની અવરજવરને રોકી દેવામાં આવી હોવાથી ટ્રેડ, ટૂરિઝમ અને કન્સ્ટ્રક્શન સેક્ટરને સૌથી વધારે માર લાગ્યો છે. દિલ્હીની હવા ગંભીરમાંથી અતિ ગંભીર બનતાં લોકો ઘરોમાંથી બહાર નીકળતા નથી. પહેલાં દિલ્હીની માર્કેટોમાં રોજ ત્રણથી ચાર લાખ ગ્રાહકો આવતા હતા, પણ હવે એક લાખ જેટલા ગ્રાહકો આવે છે એટલે રોજ ૧૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. લોકો ઑનલાઇન શૉપિંગ ભણી વળી રહ્યા છે જે નાના દુકાનદારો માટે ખતરા સમાન છે.
આ મુદ્દે ચેમ્બર ઑફ ટ્રેડ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (CTI)ના ચૅરમૅન બ્રિજેશ ગોયલે કહ્યું હતું કે ‘રીટેલ શૉપમાં ઘરાકી ઘટી રહી હોવાથી મોટું નુકસાન થઈ રહ્યું છે. અમારા અંદાજ મુજબ કુલ નુકસાન ૨૫૦૦ કરોડ રૂપિયાનું થયું છે.’
ADVERTISEMENT
કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં કટોકટી
આ ઉદ્યોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવતાં અનેક પ્રોજેક્ટનું કામ રખડી પડ્યું છે અને ખર્ચ વધી રહ્યો છે. કામ બંધ થતાં આ ક્ષેત્રમાં કામ કરનારા રોજિંદા કારીગરો બેરોજગાર થયા છે. આ ક્ષેત્ર સાથે સંલગ્ન લોકોને પણ કામ મળતું બંધ થયું છે.
વેડિંગ અને ટૂરિઝમને ફટકો
હાલમાં લગ્નગાળો છે, પણ ૨૦૦થી વધારે ઇવેન્ટ કૅન્સલ થઈ ગઈ છે. લોકો દિલ્હીની બહાર જઈને લગ્ન કરવા લાગ્યા છે. ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને પણ મોટો ફટકો પડ્યો છે.