દિલ્હીવાસીઓ દરરોજ ૨૦૦ સિગારેટ પીવા જેટલો ઝેરી વાયુ ફેફસાંમાં ઠાલવી રહ્યાનો સંસદસભ્ય મનોજ તિવારીનો આરોપ : હવાની ગુણવત્તાનો ઇન્ડેક્સ ૫૦૦ને પાર
ગઈ કાલે દિલ્હીમાં પ્રદૂષણ સામેની લડતના ભાગરૂપે ઍન્ટિ-સ્મૉગ ગનથી વૉટર-ડ્રૉપ્સનો છંટકાવ કરવામાં આવી રહ્યો હતો.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાના પ્રદૂષણને કારણે કફોડી પરિસ્થિતિ ઉદ્ભવી છે અને દિલ્હીના આકાશમાં ફેલાયેલી સ્મૉગની ચાદરને વિખેરવા માટે એક તરફ કૃત્રિમ વરસાદ પાડવાનું વિચારવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ની સરકાર વાહનો માટે પણ ઑડ-ઈવન નંબરની સ્કીમ પાછી લાવવાનું વિચારી રહી છે. દિલ્હીમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૫૦૦ને પાર થઈ ગયો છે અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. હવે તો લોકોને આંખમાં બળતરા પણ થવા માંડી છે.
આખું દિલ્હી ગૅસ-ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે. દિલ્હી, નોએડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સુધી સર્વત્ર પ્રદૂષણ ફેલાઈ ગયું છે. દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં AQI 500ના આંકડાને પાર થયા બાદ દિલ્હીમાં સ્કૂલો બંધ કરાવવામાં આવી છે અને હવે દિલ્હી યુનિવર્સિટીની કૉલેજોમાં પણ ઑનલાઇન ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સ્મૉગને કારણે દિલ્હી તરફ આવતી બાવીસથી વધારે ટ્રેનો મોડી દોડી રહી છે.
દિલ્હીમાં પ્રદૂષણની માત્રા વધી જતાં કૃત્રિમ રીતે વરસાદ પાડીને હવામાં રહેલા ઝેરી વાયુઓને નીચે લાવવા માટે પરવાનગી માગવામાં આવી છે. દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે આ મુદ્દે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે અને ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ પાડવાની મંજૂરી માગી છે.
આ મુદ્દે યોજાયેલી પત્રકાર-પરિષદમાં ગોપાલ રાયે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે આ મુદ્દે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી( IIT) કાનપુરના નિષ્ણાતો સાથે બેઠક કરવી જોઈએ, કારણ કે તેમણે કૃત્રિમ વરસાદ પાડવા માટેની પ્રક્રિયા પર ગહન અધ્યયન કર્યું છે.
BJPનો આરોપ : કેજરીવાલના પાપે દિલ્હીવાસીઓને ફટકો
ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિલ્હીના સંસદસભ્ય મનોજ તિવારીએ આરોપ લગાવ્યો છે કે ‘દિલ્હીમાં હવાની ગુણવત્તા સાવ બગડી ગઈ છે અને AAPની કેજરીવાલ સરકારે દિલ્હીને ઝેરી ગૅસ-ચેમ્બરમાં ફેરવી નાખ્યું છે. તેમના પાપે દિલ્હીવાસીઓ દરરોજ ૨૦૦ સિગારેટ પીધી હોય એટલી ઝેરી હવા શ્વાસ દ્વારા ફેફસાંમાં ઠાલવી રહ્યા છે. આમ છતાં હજી સરકારને કાંઈ પડી નથી.’
‘ઝેરી’ દિલ્હીમાં રાઘવ-પરિણીતિને સાઇક્લિંગ કરતાં જોઈને લોકોને જોરદાર આંચકો લાગ્યો
દિલ્હીમાં પ્રદૂષણે માઝા મૂકી છે અને પાટનગરની હવાની ગુણવત્તા એકદમ કથળી ગઈ છે એવામાં ગઈ કાલે સવારે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા અને તેમની ઍક્ટ્રેસ પત્ની પરિણીતિ ચોપડા સાઇક્લિંગ કરતાં જોવા મળ્યાં હતાં. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલી આ તસવીર જોઈને લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આવી જોખમી હવામાં આ બન્ને માસ્ક વગર કઈ રીતે સાઇક્લિંગ કરી રહ્યાં છે.
કેવા AQIની કેવી અસર?
૦-૫૦ સારી
ભાગ્યે જ કોઈ વિપરીત અસર થાય.
૫૧થી ૧૦૦ સંતોષકારક.
સંવેદનશીલ વ્યક્તિને શ્વાસ
લેવામાં નજીવી તકલીફ થઈ શકે.
૧૦૧થી ૨૦૦ થોડી ખરાબ
અસ્થમા, હાર્ટની અને
ફેફસાંની તકલીફ ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે.
૨૦૧થી ૩૦૦ ખરાબ
ઘણા સમય સુધી આવા
વાતાવરણમાં રહેવાથી મોટા ભાગના લોકોને શ્વાસની તકલીફ થઈ શકે.
૩૦૧થી ૪૦૦ બહુ ખરાબ
લાંબા સમય સુધી આવા
વાતાવરણમાં રહેવાથી શ્વસનને લગતી બીમારી થઈ શકે.
૪૦૧થી ૫૦૦ ગંભીર
સ્વસ્થ લોકોને પણ અસર કરે અને જેને કોઈ બીમારી હોય એવી વ્યક્તિ પર તો આવા વાતાવરણની ગંભીર અસર થઈ શકે છે.