Delhi Pollution: બે એકર કે તેથી વધુ પરંતુ પાંચ એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે; પાંચ એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોએ ૩૦,૦૦૦ રૂપિયાથી વધુનો દંડ ભરવો પડશે
પ્રતીકાત્મક તસવીર
વધતા પ્રદૂષણ (Air Pollution)ની સમસ્યાને રોકવા માટે ભારત સરકાર (Indian Government)એ એક મોટું પગલું ભર્યું છે. સરકારે પરસળ (ખેતીમાં વપરાતું એક પ્રાકરનું ઘાસ કે કચરો) સળગાવવાના દંડમાં વધારો કર્યો છે. હવે ખેડુતોને તેમના ખેતરમાં પરસળ બાળવામાં મુશ્કેલી પડશે. સુપ્રીમ કોર્ટ (Supreme Court)ની કડકાઈ બાદ હવે કેન્દ્ર સરકાર (Central Government)એ દંડની રકમ વધારી દીધી છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન એમેન્ડમેન્ટ રૂલ્સ – ૨૦૨૪ (Air Quality Management Commission Amendment Rules - 2024) નેશનલ કેપિટલ રિજન અને આસપાસના વિસ્તારોમાં અસરકારક રહેશે. આ અંતર્ગત બે એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને ૫,૦૦૦ રૂપિયાનું પર્યાવરણીય વળતર ચૂકવવું પડશે. બે એકર કે તેથી વધુ પરંતુ પાંચ એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડશે. પાંચ એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોએ ૩૦,૦૦૦ રૂપિયાથી વધુનો દંડ ભરવો પડશે.
ભારત સરકારે આ અંગે ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. આ નોટિફિકેશનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, જો કોઈ બેથી પાંચ એકરમાં પરસળ સળગાવતું પકડાશે તો તેના પર ૧૦,૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. બીજી તરફ, જો પાંચ એકરથી વધુ જમીનમાં પરસળ સળગાવતા પકડાશે તો ૩૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. અગાઉ, દંડ અનુક્રમે ૨૫૦૦, ૫૦૦૦ અને ૧૫૦૦૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે બુધવારે જ ૬ નવેમ્બર ૨૦૨૪ના રોજ પરસળ સળગાવવા માટે દંડ વધારવાનો નિર્ણય લીધો હતો, પરંતુ તેનું નોટિફિકેશન ગુરુવારે એટલે કે ૭ નવેમ્બરે જારી કરવામાં આવ્યું હતું. આ સિવાય એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન એક્ટ (EPA), ૧૯૮૬ હેઠળ ફરિયાદ દાખલ કરવા અને તપાસ કરવા જેવી બાબતોમાં નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે.
મીડિયા અહેવાલો અનુસાર, સુધારેલા નિયમો નેશનલ કેપિટલ રિજન એન્ડ અડોઇંગ એરિયાઝ એક્ટ, 2021માં એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન હેઠળ સૂચિત કરવામાં આવ્યા છે અને ડ્રાફ્ટ પર જાહેર પરામર્શ વિના તરત જ અમલમાં આવશે. આ ઉપરાંત, સરકારે પર્યાવરણ સંરક્ષણ (તપાસની પદ્ધતિ અને દંડ લાદવાની પદ્ધતિ) નિયમો, ૨૦૨૪ સંબંધિત સૂચના પણ બહાર પાડી છે. જેમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (Pollution Control Board), એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (Air Quality Management Commission) અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય (Union Ministry of Environment)ના કાર્યાલયોમાં ફરિયાદો દાખલ કરવાની પ્રક્રિયાને વિગતવાર સમજાવવામાં આવી છે. જેમાં પર્યાવરણીય પ્રદૂષણ સામેની ફરિયાદોની તપાસ અને આવી ફરિયાદો પર નિર્ણય લેવાની પ્રક્રિયા પણ સમજાવવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે ગત મહિને સુપ્રીમ કોર્ટે પણ પરસળ સળગાવવા પર રાજ્ય સરકારોને ફટકાર લગાવી હતી. સુપ્રિમ કોર્ટે રાજ્ય સરકારોને પરસળથી અસરગ્રસ્ત લોકો પર ઓછો દંડ લાદવા બદલ ઠપકો આપ્યો હતો. આ પછી જ, કેન્દ્ર સરકારે પરસળ સળગાવનારાઓ પર દંડની રકમ બમણી કરી દીધી છે.