આમ આદમી પાર્ટીનાં મોટાં પોસ્ટરો ગેરકાયદે લગાવવાનો આરોપ : કોર્ટે કહ્યું કે કડક કાર્યવાહી કરવાની ખાસ જરૂર
અરવિંદ કેજરીવાલ
દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને અન્ય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદી શિવકુમાર સક્સેનાએ દ્વારકા વિસ્તારમાં જાહેર સંપત્તિને નુકસાન કરવાના કાયદાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. શિવકુમાર સક્સેનાએ કોર્ટમાં પુરાવા રજૂ કર્યા હતા જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે દ્વારકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનાં મોટાં પોસ્ટરો અને બૅનરો ગેરકાયદે રીતે લગાવવામાં આવ્યાં હતાં. દિલ્હી પોલીસે એની માહિતી શુક્રવારે રાઉઝ ઍવન્યુ કોર્ટને આપી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે આવાં ગેરકાયદે હોર્ડિંગ્સ માત્ર શહેરની સુંદરતા માટે જ નહીં, ટ્રૅફિક માટે પણ જોખમ ઊભું કરે છે. દિલ્હી પ્રિવેન્શન ઑફ ડિફેસમેન્ટ ઑફ પ્રૉપર્ટી ઍક્ટ ૨૦૦૭ની કલમ ૩ હેઠળ કેસ નોંધાયો હતો. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભૂતકાળમાં ગેરકાયદે હોર્ડિંગ્સ પડવાથી થતાં મૃત્યુના અહેવાલો મળ્યા છે, જેને કારણે કડક કાર્યવાહી જરૂરી બની છે. કોર્ટના આદેશ પર દિલ્હી પોલીસે કાર્યવાહી કરી હતી.
ADVERTISEMENT
કોની-કોની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ?
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ
ભૂતપૂર્વ વિધાનસભ્ય ગુલાબ સિંહ
MCD કાઉન્સેલર નિતિકા શર્મા
રાઉઝ ઍવન્યુ કોર્ટે ૧૧ માર્ચે દિલ્હી પોલીસને ફરિયાદ દાખલ કરવાનો અને કાયદાનો પાલન રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. દિલ્હી પોલીસે ઍડિશનલ ચીફ જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ નેહા મિત્તલની કોર્ટમાં પાલન રિપોર્ટ રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે ફરિયાદ દાખલ કરી દેવાઈ છે. હવે આ મામલે ૧૮ એપ્રિલે સુનાવણી થશે.

