દિલ્હીમાં ભલે સત્તાવાર ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૪૦૦ને પાર જતો રહ્યો હોય, પણ ગઈ કાલે સવારે તાપમાન ૧૧.૨ ડિગ્રી સેલ્સિયસ થતાં એ આ સીઝનનો કોલ્ડેસ્ટ દિવસ રહ્યો હતો
ગઈ કાલે ધુમ્મસને કારણે દિલ્હી-ગુડગાંવ એક્સપ્રેસવે પર વિઝિબિલિટી ઓછી હોવાથી ટ્રાફિક ધીમો ચાલતો હતો.
દિલ્હીમાં પ્રદૂષણ રોકવા આજથી નવા પ્રતિબંધ લાગુ, બાંધકામ અને ડિમોલિશનની કામગીરી પર રોક
દિલ્હીમાં હવાની ક્વૉલિટી ખરાબ થતાં આજથી નવા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. આજથી દિલ્હીમાં ગ્રેડેડ રિસ્પૉન્સ ઍક્શન પ્લાન-3 (GRAP-3) અમલી બનાવી દેવાયો છે. બાંધકામ અને ડિમોલિશનની કાર્યવાહી બંધ રહેશે. બિનજરૂરી માઇનિંગ પ્રવૃત્તિ પણ બંધ રહેશે. દિલ્હી અને નૅશનલ કૅપિટલ રીજનમાં નૉન-CNG (કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ), BS-VI (ભારત સ્ટેજ 4) વાહનો, નૉન-ઇલેક્ટ્રિક વાહનો અને ડીઝલ ઇન્ટરસ્ટેટ બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પાંચમા ધોરણ સુધીના ક્લાસને હાલમાં બંધ રાખવાનું જણાવવામાં આવ્યું છે. BS-III પેટ્રોલ અને BS-VI ડીઝલ ફોર-વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કમર્શિયલ વાહનો દિલ્હીમાં આવી શકશે નહીં. મશીનની મદદથી રસ્તા સાફ કરવામાં આવશે અને જ્યાં ધૂળનું વાતાવરણ છે એવા વિસ્તારોમાં પાણીનો છંટકાવ કરવામાં આવશે. લોકોને કાર પૂલ કરવા કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
દિલ્હીમાં પ્રદૂષણનું લેવલ બહુ જ વધી જવાને લીધે વિદ્યાર્થીઓને સ્કૂલને બદલે ઘરેથી જ ઑનલાઇન ભણાવવામાં આવશે.
પ્રદૂષણનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો- દિલ્હી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર ન બને એ માટે તાત્કાલિક ઉપાય કરવામાં આવે
દિલ્હીમાં હવાના પ્રદૂષણનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે અને કોર્ટ પ્રદૂષણ પર અંકુશ લગાવવા માટેના ઉપાય લાગુ કરવાના અનુરોધ કરનારી અરજી પર ૧૮ નવેમ્બરે સોમવારે સુનાવણી કરશે. અરજીમાં કોર્ટને અનુરોધ કરવામાં આવ્યો છે કે દિલ્હી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર ન બની જાય એ માટે તાત્કાલિક ઉપાય કરવામાં આવે.સિનિયર ઍડ્વોકેટ અપરાજિતા સિંહને કોર્ટે ન્યાયમિત્ર નિયુક્ત કર્યાં છે અને તેમણે જસ્ટિસ અભય ઓક અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યૉર્જ મસીહની બેન્ચને દિલ્હીમાં હાલની પરિસ્થિતિ જોઈને તાત્કાલિક સુનાવણી માટે માગણી કરતાં તેમણે સોમવારે સુનાવણી કરવાની પરમિશન આપી હતી. અપરાજિતા સિંહે કોર્ટને કહ્યું હતું કે ‘દિલ્હીમાં આપણે ગંભીર હાલતમાં જીવી રહ્યાં છીએ. આવી હાલતમાંથી બચવા માટે અમે કોર્ટને બચાવનાં પગલાં ઉઠાવવાની માગણી કરી રહ્યાં છીએ. દિલ્હી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર બનવું ન જોઈએ.’ આ પહેલાં પણ અદાલતે કહ્યું હતું કે પ્રદૂષણમુક્ત વાતાવરણમાં રહેવાનો અધિકાર બંધારણની કલમ ૨૧ હેઠળ દરેક નાગરિકનો મૌલિક અધિકાર છે.
દિલ્હીમાં ૧૧.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન, સીઝનનો કોલ્ડેસ્ટ દિવસ, ફૉગ પણ વધારે
દિલ્હીમાં ભલે સત્તાવાર ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૪૦૦ને પાર જતો રહ્યો હોય, પણ ગઈ કાલે સવારે તાપમાન ૧૧.૨ ડિગ્રી સેલ્સિયસ થતાં એ આ સીઝનનો કોલ્ડેસ્ટ દિવસ રહ્યો હતો. આ સાથે દિલ્હીમાં સવારના સમયમાં ભારે ફૉગ પણ ફેલાયું હતું. સફદરજંગમાં તાપમાન ૧૬.૧ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હિમાલયમાં બરફવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાન નીચું થયું હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું.
સ્વિસ પોર્ટલનો દાવો, દિલ્હીમાં હવાનું પ્રદૂષણ ગંભીર અવસ્થામાં, વસંત વિહારમાં AQI ૧૩૩૬
દિલ્હીમાં ગઈ કાલે સવારે ૧૧.૫૫ વાગ્યે વસંત વિહારના ‘સી’ બ્લૉક વિસ્તારમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૧૩૩૬ રહ્યો હોવાનું સ્વિસ ઍર ક્વૉલિટી મૉનિટર પોર્ટલ IQAirએ જણાવ્યું હતું. ૩૦૦થી વધારે AQI ગંભીર અને માનવો માટે જોખમી હોવાનો સંકેત આપે છે. IQAirએ કરેલા દાવા મુજબ ગઈ કાલે આ જ સમયગાળા દરમ્યાન દ્વારકા સેક્ટર-૮માં AQI ૧૦૫૭ રહ્યો હતો. અમેરિકન એમ્બેસી, સિરી ફોર્ટ અને પંજાબી બાગમાં AQI ૭૪૦થી ૯૮૦ રહ્યું હતું. જોકે સેન્ટ્રલ કન્ટ્રોલ પૉલ્યુશન બોર્ડ (CCPB)ના કહેવા મુજબ વસંત વિહાર વિસ્તારમાં AQI ૪૬૬ રહ્યો હતો.
IQAirના પોર્ટલે જણાવ્યું હતું કે સૅટેલાઇટ ડેટા અને કમ્પ્યુટર મૉડલિંગના આધારે આ આંકડા મેળવવામાં આવ્યા હતા. એ ગ્લોબલ નેટવર્ક સ્ટેશનો અને પોતાના સેન્સરના આધારે AQIની ગણતરી કરે છે. આવાં પોર્ટલ રિયલ ટાઇમ ડેટા આપતાં રહે છે. બીજી તરફ CCPB એક વિસ્તાર માટે દિવસમાં એક જ રીડિંગ લેતું હોય છે. આમ બેઉ એજન્સીઓની ડેટા એકઠા કરવાની પદ્ધતિ અલગ હોવાથી એમના રીડિંગમાં પણ આવી રીતે ફેરફાર જોવા મળે છે.
દિલ્હીમાં ફૉગની માઠી અસર, ૩૦૦ ફ્લાઇટો મોડી પડી, સંખ્યાબંધ ટ્રેનોનાં ટાઇમટેબલ ખોરવાઈ ગયાં
દિલ્હીમાં વધી ગયેલા પ્રદૂષણની અસર આગરામાં તાજમહલ પર પણ જોવા મળી હતી. ગઈ કાલે પ્રદૂષણની ચાદરને કારણે દુનિયાની અજાયબી પણ ઢંકાઈ ગઈ હતી છતાં એના બૅકગ્રાઉન્ડમાં વિદેશીઓ ફોટો પડાવતા હતા.
દિલ્હીમાં હિમાલયમાંથી આવતા ઠંડા પવનોના કારણે ધુમ્મસ છવાઈ જતાં ગઈ કાલે જનજીવનને માઠી અસર પડી હતી. વિઝિબિલિટી એકદમ ઓછી થવાના કારણે એક જ દિવસમાં આશરે ૩૦૦ જેટલી ફ્લાઇટો મોડી પડી હતી અને સંખ્યાબંધ ટ્રેનોનાં ટાઇમટેબલ ખોરવાઈ ગયાં હતાં.
ગઈ કાલે દિલ્હીમાં આખો દિવસ ધુમ્મસ કે ફૉગની ચાદર થરાયેલી જોવા મળી હતી. રસ્તા પર વાહનોની ગતિ સાવ ધીમી પડી ગઈ હતી. શહેરમાં રસ્તાઓ પર મોટરિસ્ટોને દિવસે હેડલાઇટો ચાલુ રાખીને વાહનો ચલાવવાનો વારો આવ્યો હતો.
દિલ્હીમાં હવાની ક્વૉલિટી પણ ખરાબ થઈ હતી અને આવી હવા શ્વાસમાં લેવામાં લોકોને તકલીફ પડી હતી. પંજાબ અને હરિયાણાની ઉપર જમા થયલું પ્રદૂષણ દિલ્હી તરફ આવી રહ્યું હોવાથી આવી હાલત થઈ હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.
સવારે સાડાપાંચ વાગ્યે દિલ્હી ઍરપોર્ટ પર ભારે ધુમ્મસ છવાયું હતું. દિલ્હી ઍરપોર્ટ પર રોજ આશરે ૧૪૦૦ ફ્લાઇટોનું સંચાલન થાય છે. આમાંથી આશરે ૩૦૦ ફ્લાઇટો મોડી પડી હતી. મધરાતે ૧૨ વાગ્યાથી બપોર સુધીમાં આશરે ૧૧૫ ફ્લાઇટો દિલ્હીમાં ઊતરી હતી અને ૨૨૬ ફ્લાઇટોએ ટેક-ઑફ કર્યું હતું. આવનારી દરેક ફ્લાઇટ સરેરાશ ૧૭ મિનિટ મોડી આવી હતી, જ્યારે જનારી ફ્લાઇટો સરેરાશ ૫૪ મિનિટ મોડી ઊપડી હતી. કેટલીક ફ્લાઇટ્સને ડાઇવર્ટ કરવામાં આવી હતી.
દિલ્હી ઍરપોર્ટે કહ્યું હતું કે નબળી વિઝિબિલિટીના કારણે કામકાજમાં વિલંબ થઈ રહ્યો છે. મોટા ભાગની ઍરલાઇન્સોએ તેમના પ્રવાસીઓને ફ્લાઇટના ટાઇમિંગ વેબસાઇટ પર ચેક કરીને ઍરપોર્ટ આવવા કહ્યું હતું. ઇન્ડિગો ઍરલાઇન્સની અમ્રિતસર, વારાણસી અને દિલ્હી જતી અને આવતી ફ્લાઇટોને અસર પડી હતી. ધુમ્મસના કારણે દિલ્હી આવતી આશરે ૧૨ ટ્રેનો મોડી પડી હતી અને એ ત્રણથી ચાર કલાક મોડી દોડતી હતી. કેટલીક ટ્રેનો પાંચથી સાત કલાક મોડી પડી હતી.