દિલ્હી હાઈકોર્ટ તેમની જામીન અરજી ફગાવી દીધી છે. મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટમાં 6 અઠવાડિયા માટે વચગાળાના જામીનની માગ કરી હતી, પરંતુ દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે
ફાઇલ તસવીર
મનીષ સિસોદિયા (Manish Sisodia)ને દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)માંથી ઝટકો મળ્યો છે. દિલ્હી હાઈકોર્ટ તેમની જામીન અરજી ફગાવી દીધી છે. મનીષ સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટમાં 6 અઠવાડિયા માટે વચગાળાના જામીનની માગ કરી હતી, પરંતુ દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે.
આ અંગે ટિપ્પણી કરતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે, “મનીષ સિસોદિયા જે પદ પર છે, એવી સંભાવના છે કે તે સાક્ષીઓ અને પુરાવાઓને પ્રભાવિત કરી શકે છે.” દિલ્હી હાઈકોર્ટે સોમવારે કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા (Manish Sisodia)ની છ સપ્તાહની વચગાળાની જામીન અરજી પર પોતાનો આદેશ સંભળાવ્યો હતો.
ADVERTISEMENT
જસ્ટિસ દિનેશ કુમાર શર્માની કોર્ટે વચગાળાની જામીન અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાને એ આધાર પર વચગાળાના જામીન માગ્યા હતા કે તેઓ તેમની બીમાર પત્નીના એકમાત્ર કેરટેકર છે. આ કેસમાં નિયમિત જામીન માટે સિસોદિયાની અરજી હાઈકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.
તિહાર જેલમાં છે સિસોદિયા
આ કેસમાં 9 માર્ચે મનીષ સિસોદિયા (Manish Sisodia)ની ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તેઓ તિહાર જેલમાં કેદ છે. દિલ્હી હાઈકોર્ટે શનિવારે સિસોદિયાની છ સપ્તાહની વચગાળાની જામીન અરજી પરનો આદેશ અનામત રાખ્યો હતો અને સિસોદિયાની પત્ની સીમાની તબિયત અંગે એલએનજેપી હૉસ્પિટલ પાસેથી રિપોર્ટ માગ્યો હતો.
સિસોદિયા શનિવારે પત્નીને મળવા પહોંચ્યા
હાઈકોર્ટની પરવાનગી મળ્યા બાદ મનીષ સિસોદિયા શનિવારે તિહાર જેલમાંથી તેમની બીમાર પત્નીને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા, પરંતુ બંને મળી શક્યા ન હતા. આમ આદમી પાર્ટી (AAP)ના સૂત્રોએ જણાવ્યું કે, બગડતી તબિયતને કારણે સિસોદિયાના પત્નીને હૉસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા, જેના કારણે બંને મળી શક્યા નહીં. બાદમાં મનીષ સિસોદિયા પોતાના ઘરેથી તિહાર જેલમાં પરત ફર્યા હતા.
જસ્ટિસ દિનેશ કુમાર શર્માએ તિહાર જેલના સુપરિન્ટેન્ડેન્ટને મનીષ સિસોદિયાને તેમના નિવાસસ્થાને લઈ જવાનો નિર્દેશ આપ્યો હતો, જ્યાં તેમને સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી તેમની પત્નીને મળવા દેવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: કોર્ટે મનીષ સિસોદિયાને આપ્યો મોટો ઝટકો, 622 કરોડની કમાણી કરી હોવાનો EDનો ખુલાસો
ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મોટો ખુલાસો કર્યો છે. EDએ એક દિવસ પહેલા એક નવી ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને અલગ-અલગ માધ્યમો દ્વારા 622.67 કરોડ રૂપિયા મળ્યા હતા.